બાળકોને ફેસબુકથી હટાવીને રિયલ પુસ્તકો વંચાવો

24 December, 2011 05:48 AM IST  | 

બાળકોને ફેસબુકથી હટાવીને રિયલ પુસ્તકો વંચાવો



(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

The reading of good books is like conversation with the finest men. If you read Gita, you are in direct talk with Sri Krishna.
-    Thomas Carlyle


થૉમસ કાર્લાઇલે કહ્યું છે કે ‘જ્યારે તમે સારાં પુસ્તકો વાંચો છો ત્યારે જગતના તમામ વિદ્વાનો સાથે જાણે વાતો કરો છો. ગીતા વાંચો છો ત્યારે શ્રી કૃષ્ણ સાથે અને કુરાન વાંચો તો મોહમ્મદ પયગંબર સાથે સીધા સંપર્કમાં છો.’
જોસેફ ઍડિસન નામના વિદ્વાને કહેલું કે ‘પુસ્તકના વાંચનનું વ્યસન જિંદગીભરનું સાથી બને છે. નિયમિત વાંચન કરનારી વ્યક્તિ કોઈ પણ આફત આવે એનાથી ડિપ્રેસ નહીં થાય. તમારી મિલકત ચોરાઈ જશે પણ વાંચેલા જ્ઞાનની ચોરી કોઈ નહીં કરી શકે. કોઈ પણ સિતમગર તમારા વાંચનજ્ઞાનને કારણે તમને ગુલામ કે ઉલ્લુ બનાવી નહીં શકે. ક્રિસમસની ભેટમાં પુસ્તક અને કોરી ડાયરી આપો.’

 


વાંચન વગરનો માણસ શું છે? જિંદગીમાં સત્તાધારી એવા કોઈનો નમૂનેદાર ગુલામ બની રહે છે. ૨૫ ઑગસ્ટ ૨૦૧૨ના મહાન અંગ્રેજ કેમિસ્ટ અને વિજ્ઞાની માઇકલ ફૅરાડેની ૧૪૫મી મૃત્યુતિથિ આવશે. એ અગાઉ એક પુસ્તક લખાયું છે : ‘ફૅરાડે : ધ લાઇફ’. ઇંગ્લૅન્ડમાં જન્મેલા ફૅરાડેના પિતા ગરીબ લુહાર હતા. સંતતિનિયમન નહોતું એટલે માઇકલ ફૅરાડેને ૯ ભાઈ-બહેન હતાં. એથી સ્કૂલમાં તેમને પૂરું ભણવા ન મળ્યું. ૧૪ વર્ષની વયે સ્કૂલમાંથી ઉઠાડીને નોકરીએ રાખવામાં આવ્યા. સદ્ભાગ્યે ફૅરાડેને એક પુસ્તક-પ્રકાશકની દુકાનમાં બુકબાઇન્ડરની નોકરી મળી. ત્યારથી ફૅરાડેને પુસ્તક સાથે સગપણ થયું. તેમની પાસે બુકબાઇન્ડિંગ માટે જૂનું પુસ્તક આવે એ પ્રથમ વાંચી જતા. કેમિસ્ટ્રીનું પુસ્તક બંધાવવા આવ્યું એ ઉજાગરા કરીને બે વખત વાંચી ગયા. પછી ફિઝિક્સનાં પણ જૂનાં થોથાં એટલાં વાંચ્યાં કે તેઓ રસાયણશાસ્ત્રી અને વિજ્ઞાનના નિષ્ણાત બન્યા.

ખાણિયાઓ માટે સેફ્ટી લૅમ્પ શોધનારા હમ્ફ્રી ડૅવીએ તો તેમના સહાયક તરીકે માઇકલ ફૅરાડેને રાખેલા. શું કામ? જેથી તે મહત્તમ સમય લાઇબ્રેરીમાં વાંચન માટે ગાળી શકે.આચાર્ય રજનીશ તો પુસ્તકના કીડા હતા.
પુણે ખાતે હું તે હજી રજનીશજી જ હતા ત્યારે મળવા માટે તેમના વિરાટ ખંડમાં ગયો તો આખો ખંડ પુસ્તકોથી ભરેલો હતો. એ દિવસે જ છ ટ્રકો ભરીને પુસ્તકો આવેલાં. જગવિખ્યાત બોઇંગ વિમાન કંપનીના ચીફ માટે એક સ્પેશ્યલ પ્રાઇવેટ વિમાન હતું એ વિમાનમાં જ તેમણે એક વિશાળ લાઇબ્રેરી ઊભી કરાવેલી. ફેવિકૉલવાળા બળવંત પારેખ અને ઉદ્યોગપતિ તેમ જ બંગાળના ભૂતપૂર્વ ગવર્નર તેમ જ વૈદ્ય પંકજની પોતાની લાઇબ્રેરીઓ હતી અને હજીયે છે.


નૃવંશશાસ્ત્રી ચાલ્ર્સ ડાર્વિન જેમણે માનવવિકાસનો ઇતિહાસ લખેલો તેઓ કહેતા, ‘મારી બુદ્ધિ સાધારણ હતી. સ્કૂલમાં ભાગ્યે જ જતો. હું સેલ્ફ ટૉટ સ્ટુડન્ટ હતો. સ્કૂલને બદલે લાઇબ્રેરીમાં જતો. મનમાં સવાલ ઊઠે તો પુસ્તકમાં જવાબ શોધવા ૨૦ માઇલ પણ ચાલીને જતો!’‘ધ બુક’ નામના પુસ્તકના લેખક ઍલન વૉટ્સ જે વેદાંતમાં ખૂબ શ્રદ્ધા રાખતા. તેઓ કહે છે, ‘મુસ્લિમો તેમનાં બાળકોને જે તીવ્રતાથી કુરાન પઢવાનું કહે છે એવી તીવ્રતાથી હિન્દુઓએ ગીતાવાંચનનો આગ્રહ બાળક પાસે રાખવો જોઈએ એ રાખતા નથી.’


આજે રશિયા ગીતાનો અનાદર કરે છે, પણ ભારતની નવી પેઢીને એ વાત સ્પર્શતી નથી!