હા, અહીંથી તહેવારોમાં બહારગામ જવાનું છે NOT ALLOWED

22 October, 2011 06:19 PM IST  | 

હા, અહીંથી તહેવારોમાં બહારગામ જવાનું છે NOT ALLOWED

 

(રત્ના પીયૂષ)

ગોકુલધામ જેવી જ સોસાયટી બધાની હોય તો કેવી મજા પડે? બીઝી લાઈફસ્ટાઈલમાં થોડો સમય સાથે હળીમળીને ઉત્સવ ઉજવવાંમાં વીતે તો અનેક ટેન્શનમાંથી હળવા થઈ જવાય. કદાચ આ જ કારણ છે કે બોરીવલી (ઈસ્ટ)માં આવેલી નેન્સી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ૧૬૦૦થી વધુ સભ્યો દરેક તહેવાર સાથે મળીને મનાવે છે.

આ સોસાયટીના સેક્રેટરી હેમંત ઠક્કર કહે છે, ‘અમારી સોસાયટીમાં ૪૧૬ જેટલાં ઘર છે. છેલ્લાં ૩૬ વર્ષથી અમારે ત્યાં દરેક તહેવારની ઉજવણી બધા હળીમળીને કરે છે જે માટે અમે નેન્સી સાંસ્કૃતિક મંડળ ઊભું કર્યું છે. આ મંડળ વાર્ષિક જુદા-જુદા તહેવારોની ઉજવણી માટે આગવું પ્લાનિંગ કરે છે જેમાં સોસાયટીના બધા સભ્યો ભાગ લે છે. બાળકો સ્કૂલ-ટ્યુશન અને મોટાઓ તેમની નોકરી-બિઝનેસના કામમાંથી ખાસ સમય ફાળવી સોસાયટીના તહેવારોના સેલિબ્રેશનની તૈયારીઓ માટે મદદરૂપ થાય છે.’

તહેવારોની ઉજવણી વિશે વાત કરતાં નેન્સી સાંસ્કૃતિક મંડળના પ્રેસિડન્ટ કેતન દિવેચા કહે છે, ‘સોસાયટીના સેક્રેટરી, ચૅરમૅન, કમિટી મેમ્બરો વગેરેનો ખૂબ સહયોગ છે. નવરાત્રિ અને ગણેશોત્સવ દરમ્યાન ઇલેક્ટ્રિસિટી માટે ખાસ મીટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો ખર્ચો સોસાયટી કરે છે. બધા તહેવારો સાથે મળીને ધામધૂમથી ઊજવવાનો મૂળ ઉદ્દેશ એ જ છે કે સોસાયટી ગેટ-ટુગેધર થવાની સાથે સૌકોઈમાં ધાર્મિક ભાવના કેળવાય, એકતા જળવાઈ રહે.’

હૅન્ડમેડ કંદીલ

અમારી સોસાયટીમાં દરેક તહેવારની ઉજવણી માટે મોટે ભાગે દરેક વસ્તુ જાતે જ તૈયાર કરવામાં આવે છે. આ વાત કરતાં મંડળની મિકિતા શાહ કહે છે, ‘કંદીલ બનાવવાનું કામ બચ્ચાપાર્ટી કરે છે જે માટે અમે તેમને જોઈતી સામગ્રીમાં વાંસની લાકડી, બટરપેપર, જિલેટીનપેપર, સ્કૅચ-પેન વગેરે લાવી આપીએ છીએ. ક્રિશિત, ધૈર્ય, સિદ્ધાર્થ, શુભ, અંકિત, વિરાજ, આયુષી, ત્રિશા, મેધા, વિશ્રુતિ, પ્રિયંકા, અનિલ, અદ્વિતા, દિશા, જશ, ઋષિકેશ વગેરે બાળકો સાથે મળીને કંદીલ તૈયાર કરે છે. વર્ષોથી અમે જાતે તૈયાર કરેલું કંદીલ અમારી સોસાયટીના મેઇન ગેટ પાસે લગાવીએ છીએ જેના પર નેન્સી કો. હા. સોસાયટી લખેલું હોય છે. અમારે ત્યાં ગણેશોત્સવ દરમ્યાન વિવિધ થીમ તૈયાર કરવામાં આવે છે. હજી આ વર્ષના ગણપતિ વખતે વુડન થીમ હતી જેમાં સોસાયટીના બધા સભ્યોએ સાથે મળીને વુડન પ્લૅટફૉર્મ જાતે જ બનાવ્યું હતું અને એ પહેલાં મહેલની થીમ હતી. જ્યારે નવરાત્રિ વખતે હવનના દિવસે મહિલાઓએ ૩૨ કિલો ફૂલ લાવી જાતે જ હાર-તોરણ તૈયાર કર્યા હતાર઼્ અને હવનકુંડ પણ જાતે બનાવ્યું હતું; જ્યારે હોળી વખતે હોળી તૈયાર કરી ધુળેટી માટે ડીજે વગાડવા બાળકો જ સીડીમાં રીમિક્સ તૈયાર કરે છે.’

રંગોળી અને ફટાકડા

દિવાળીમાં મોટે ભાગે સૌકોઈ તેમના ઘરે રંગોળી બનાવી લાઇટિંગ કરે; જ્યારે મહિલાઓ ઘરની બહાર રંગોળી કરવાની સાથે-સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં પણ રંગોળી કરે છે. તેમ જ સોસાયટીનાં બાળકો કલેક્શન ભેગું કરી ફટાકડા લાવે છે અને રાતે બધા સભ્યો કમ્પાઉન્ડમાં ભેગા થાય છે, કારણ કે બાળકોને એકલા ફટાકડા ફોડવા માટે ન મૂકી શકાય; બધા સાથે મળીને આતશબાજીનો આનંદ લે છે.

દિવાળીનો નાસ્તો પણ સાથે

આ સોસાયટીની બહેનોમાં એકબીજા પ્રત્યે લાગણી અને સંપ એટલા છે કે કે તેઓ દિવાળીનો નાસ્તો પણ સાથે મળીને બનાવે. કાજુકતરી બનાવવાની માસ્ટરી ધરાવતાં નૈના દવે કહે છે, ‘દિવાળીમાં નાસ્તા બનાવવાની તૈયારી અઠવાડિયા પહેલાં શરૂ થઈ જાય છે જેમાં મોહનથાળ, ઘૂઘરા, સતપડી, ચેવડો, ફાફડા, ચકરી, મગસના લાડુ વગેરે તૈયાર કરીએ છીએ. જેમાં પણ નાતજાતના ભેદ વગર સોસાયટીની બધી બહેનો જોડાય છે. વર્ષા ઠક્કર ફાફડા અને મઠિયા સારા બનાવે છે, છાયા ઉપાધ્યાયની બનાવેલી સતપડી અને અલકા દેશમુખની ચકરી; જ્યારે અમારા ગ્રુપને ફરસાણ બનાવવામાં મુસ્લિમ જ્ઞાતિના સાજીદા પાર્કર મદદરૂપ થાય છે. લોટ મસળવાનો હોય કે મઠિયા વણવાના હોય, દરેક કામ કરાવવા માટે તેઓ આગળ પડતા રહે છે.’

તહેવારોમાં જવાબદારી

દિવાળીની ખરીદી માટે ક્યાં, શું સારું મળે છે અને ક્યાં શું ડિસ્કાઉન્ટ ચાલે છે એની બધી ચર્ચા કર્યા પછી બધા સાથે ભેગા થઈને શૉપિંગ કરવા જઈએ છીએ. આ વાત કરતાં દીપા દિવેચા કહે છે, ‘અમારે ત્યાં મારું-તારું એવી ભાવનાથી કોઈ કામ નથી કરતું. કોઈ પણ તહેવાર કે પ્રસંગ આપણો છે એવી ભાવનાથી બધા કામ કરે છે. ગણપતિના મોદક મહિલાઓ જાતે મળીને બનાવે છે. આ વર્ષે નવરાત્રિમાં અખંડ દીવાનું ઘી પૂર્ણિમા શાહ તરફથી હતું; જ્યારે ગરબા-વિસર્જન કર્યા પછી છેલ્લાં ત્રણ વર્ષોથી દશેરાનાં ફાફડા અને જલેબી કૈલાશ પટેલ તરફ હોય છે; જ્યારે શરદ પૂર્ણિમાના દિવસે સોસાયટીનો જમણવાર હોય છે.’

નવાં વર્ષની ઉજવણી

નવા વર્ષના દિવસે બચ્ચાપાર્ટી તેમના ગ્રુપમાં એકબીજાના ઘરે મળવા જાય છે; જ્યારે કપલ સાથે મળીને એકબીજાના ઘરે મળવા જાય અને નવા વર્ષની શુભેચ્છા આપે. આ વાત કરતાં નિશા ભંડારી જણાવે છે, ‘અમારી સોસાયટી સિવાય બીજે ક્યાંય તહેવારના દિવસોમાં ફરવા જવાનું અમને નથી ગમતું; અમારાં બાળકો પણ તહેવારો પૂરા થઈ ગયા પછીના દિવસોમાં જ બહાર જવાનો કાર્યક્રમ બનાવવાનો કહે છે.’

તેમની વાતમાં સૂર પુરાવતાં દીપા દિવેચા કહે છે, ‘મારાં લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં. મોટે ભાગે દરેક તહેવાર અહીં જ ઊજવું છું. હું સુરતની છું, પરંતુ તહેવારો તો મને મારી સોસાયટીમાં જ સેલિબ્રેટ કરવા ગમે છે. દિવાળીમાં અમે મહિલાઓ ખાસ ‘દિવાળી-કિટી’ રાખી ફ્રેશ નાસ્તા બનાવી ગેટ-ટુગેધરનો પ્રોગ્રામ અચૂક રાખીએ છીએ. દિવાળીની સાથે દર ૩૧ ડિસેમ્બરે સોસાયટીના ગેટ પાસે ઘાસનું પૂતળું બનાવી એને કપડાં પહેરાવી ૧૨ વાગ્યે એનું દહન કરીએ છીએ જેથી વીતેલા વર્ષ સાથે જે બધી સમસ્યાઓ હતી એ દૂર થાય અને નવા વર્ષનું આગમન ખુશી સાથે થાય.’

ઉજવણીમાં ખાસિયત

દરેક તહેવારમાં જોઈતી બધી જ વસ્તુ, શણગાર સોસાયટીના નાનાથી મોટા લોકો ભેગા મળીને જાતે જ તૈયાર કરે છે, જેમ કે આ વર્ષે નવરાત્રિમાં ફેન્સી ડ્રેસ કૉમ્પિટિશનમાં ૮૦ જેટલાં બાળકોએ ભાગ લીધો હતો. એમાં કોઈ પણ ડ્રેસ રેન્ટ પર લાવ્યા ન હતા. બધાએ ઘરમાંથી જ વસ્તુ ભેગી કરી વિવિધ થીમ બનાવી હતી, જેમાં ૧૫ દિવસની બેબીને ટોપલીમાં વાસુદેવ જેમ કૃષ્ણને લાવ્યા હતા એમ લઈને આવ્યા હતા. જ્યારે પ્લાસ્ટિકની બૅગનો ઉપયોગ ન કરવા માટે નો-કેરીબૅગ્સ થીમ, જ્યારે એક છોકરો મૅગી બન્યો હતો. આમ, દરેકમાં ક્રીએટિવિટી ભારોભાર છલકાતી હતી.

તહેવારોનું પ્લાનિંગ

સોસાયટીમાં સ્વયંભૂ જગદેશ્વરી માતાનું મંદિર છે. અને સોસાયટી કંપાઉન્ડમાં એક જૈન દેરાસર પણ છે. એમની પૂજા-આરાધના સાથે દરેક પર્વની ઉજવણી કરવામાં આવે છે. દિવાળી, હોળી, ગણેશોત્સવ, નવરાત્રિ, ૩૧ ડિસેમ્બર, જન્માષ્ટમી વગેરે તહેવારો ઊજવાય. તહેવાર પ્રમાણે સક્યુર્લર અને હૅન્ડબિલ તૈયાર કરવામાં આવે.

નવરાત્રિ: નવ દિવસ પ્રમાણે ડ્રેસકોડ, કલર્સ પ્રમાણે ડે, આરતી-ડેકોરેશન, કપલ-ડાન્સ, ટ્રેડિશનલ-ડે વગેરે અને ઇનામો.

જન્માષ્ટમી: મટકી ફોડનો કાર્યક્રમ.

હોળી: હોળીદહન અને ધુળેટીના દિવસે ઇકો-ફ્રેન્ડ્લી કલર્સ અને ડીજે સાથે ઉજવણી.

ગણેશોત્સવ: સ્પૉર્ટ હરીફાઈ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે.

દિવાળી: હાથે બનાવેલાં કંદીલ અને રંગોળી, દીવા-ડેકોરેશન વગેરે. આ વર્ષે દિવાળીના દિવસે સોસાયટીના કમ્પાઉન્ડમાં ૧૦૦૮ દીવા પ્રગટાવવામાં આવશે.