બ્લૅકબેરીની ત્રણ મહત્વની સર્વિસ ત્રણ દિવસ ઠપ થઈ ગઈ ત્યારે...

16 October, 2011 07:21 PM IST  | 

બ્લૅકબેરીની ત્રણ મહત્વની સર્વિસ ત્રણ દિવસ ઠપ થઈ ગઈ ત્યારે...

 

(સેજલ પટેલ)

આ વ્યવસ્થા પહેલેથી ટેસ્ટેડ હોવા છતાં ખરા ટાંકણે ચાલી શકી નહીં. એને કારણે ડેટા ટ્રાન્સફરનો બૅકલૉગ ખૂબ જ વધી ગયો અને નૉર્મલ અને ક્વિક સર્વિસ ચાલુ રાખવી અશક્ય બની ગઈ. આખી સિસ્ટમને રિસ્ટોર કરતાં લગભગ ૭૦ કલાક થઈ ગયા.

યુરોપ અને ઇન્ડિયાના કનેક્શનમાં માંડ રિકવરી આવી ત્યાં અમેરિકાના ડેટા સેન્ટર પર લોડ વધી જતાં એક દિવસનો બ્લૅકઆઉટ ત્યાં પણ આવી ગયો. ૧૩મીએ મોડી સાંજે બ્લૅકબેરીની ઇન્ટરનેટ, મેસેજિંગ અને ઈ-મેઇલ સર્વિસ ફરીથી યથાવત્ થઈ ગઈ ને બ્લૅકબેરીપ્રેમીઓનો શ્વાસ હેઠો બેઠો; પરંતુ એ પહેલાં ત્રણ દિવસ સુધી બ્લૅકબેરી-યુઝર્સના જબરા હાલ થયા. આ ત્રણ દિવસમાં તેઓ ફોન તો વાપરી શક્યા; પણ ઈ-મેઇલ, નેટ-સર્ફિંગ અને બીબીએમ (બ્લૅકબેરી મેસેન્જર) સર્વિસથી વંચિત રહ્યા. બ્લૅકબેરી લોકો આ ત્રણ મુખ્ય ફીચર્સ માટે જ લે છે ત્યારે આવી સિચુએશનમાં જોઈએ તેમના પર શું વીતી

ભાવેશ ઠક્કર (૩૮ વર્ષ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, સાંતાક્રુઝ)

બ્લૅકબેરી જ્યારથી લીધો છે ત્યારથી ઘણુંખરું કામ મોબાઇલ પર જ પતી જાય છે. ક્લાયન્ટ્સ પાસેથી ડિટેઇલ મગાવવી, ચેક કરવી, રિસ્પોન્ડ કરવું, પેમેન્ટનું ફૉલો-અપ્સ, ઑનલાઇન પેમેન્ટ્સ લગભગ બધું જ બ્લૅકબેરીથી થઈ જાય છે. ત્રણ દિવસ બ્લૅકબેરીની સ્પેશ્યલ સર્વિસિસ ઠપ થઈ ગઈ ત્યારે ખાસ કરીને ઈ-મેઈલ ઠપ થઈ

જવાને કારણે ખૂબ તકલીફ પડી. ઇન્કમ-ટૅક્સનું રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઇન ૩૦ સપ્ટેમ્બર હોય છે એટલે જો ગયા અઠવાડિયાને બદલે પંદર દિવસ પહેલાં બ્લૅકબેરીમાં આ ગરબડ થઈ હોત તો અમારા આખા સર્કલમાં જબરો ખળભળાટ મચી જાત. એ ત્રણ દિવસ દરમ્યાન વર્કલોડ હળવો હતો એટલે વાંધો ન આવ્યો.

પહેલાં ઘણા લોકો જૂઠું બોલી શકતા કે મેં તો ઈ-મેઇલ કરી દીધી છે, તમે જોઈ લો. જોકે બ્લૅકબેરી આવ્યા પછી ઇન્સ્ટન્ટ ચેક થઈ જતું એટલે એવું જૂઠાણું ચાલતું નહીં. આ ત્રણ દિવસમાં ઘણા લોકો બ્લૅકબેરીની સર્વિસિસ ખોરવાયાનો ફાયદો ઉઠાવીને બહાનાં આપવા લાગ્યા હતા કે મેં તો રિપ્લાય કરી દીધો છે, સર્વિસ-પ્રૉબ્લેમને કારણે નહીં મળ્યો હોય.

બ્લૅકબેરી મેસેન્જરમાં જે લોકો હતા એ બધાના નંબર મેં બીજા ફોનમાં ફીડ કરી રાખેલા અને વળી અર્જન્ટ હોય તો એસએમએસ મોડ વાપરીને કમ્યુનિકેશન ચાલુ રાખી શકાય એમ હતું એટલે કમ્પેરેટિવલી ઓછી તકલીફ પડી. બ્લૅકબેરી સિવાયનો પણ એક નંબર હતો એ ખૂબ સારું રહ્યું. આવું અચાનક જ થાય ત્યારે સમજાય કે માત્ર બ્લૅકબેરી પર ડિપેન્ડ રહી શકાય નહીં.

સ્ટીવ જૉબ્સ ગયા એના પછીના જ દિવસે બ્લૅકબેરીની ઇન્ટરનેટ અને મેસેજિસ સર્વિસિસ ઠપ થઈ ગઈ એટલે તેમને ટ્રિબ્યુટ આપી એમ સમજવાનું, બીજું તો શું?

પુલિન શ્રોફ (૪૧ વર્ષ, મૅનેજિંગ ડિરેક્ટર ચરક ફાર્મા, નેપિયન સી રોડ)

બ્લૅકબેરીનો બ્લૅકઆઉટ ત્રણ-ચાર દિવસ ચાલ્યો એ દરમ્યાન એક વાતથી હું ખૂબ ખુશ હતો કે બ્લૅકબેરી મેસેજિંગ બંધ હતું. વારે ઘડીએ પીપ... પીપ... વાગવાનું બંધ હતું. જન્ક મેસેજિસથી જાણે છુટકારો મળી ગયો. પર્સનલી મને ચૅટિંગની અને ફેસબુક પર વધુ સમય ગાળવાની આદત નથી. જોકે જેટલી ખુશી બીબીએમ (બ્લૅકબેરી મેસેજિસ) બંધ થવાની હતી એનાથી બમણી તકલીફ ઈ-મેઇલ સર્વિસ પણ શટઑફ હોવાથી થઈ. લિટરલી કેટલાંક અગત્યનાં કામો રખડી પડેલાં.

બ્લૅકબેરી હોવાને કારણે હું ઑફિસની બહાર રહીને પણ ઑફિસના તમામ નર્ણિયો લેવાનું, રિપોર્ટ્સ ચેક કરવાનું કે કામ સોંપવાનું કામ કરતો હોઉં છું. એને કારણે એક ફ્રીડમ આવી ગઈ છે. એ ત્રણ દિવસમાં એ મોકળાશ છીનવાઈ ગઈ. ખૂબ અગત્યનું કામ હોય તો કમ્પલ્સરી ઑફિસે આવવું પડે. જોકે એ પછીથી શક્ય હોય ત્યાં લૅપટૉપ લઈને ઘૂમવું પડ્યું.

મારી વાઇફ પણ બ્લૅકબેરી વાપરે છે અને તેનું તો ત્રીસ જણનું ગૉસિપ-ગ્રુપ છે. તેની તો આખો દિવસ ચૅટિંગ પર કંઈક ને કંઈક ગૉસિપ ચાલતી જ હોય. પહેલો દિવસ તેને થોડુંક સૂનું-સૂનું લાગતું હતું, પણ પછી તેય ગૉસિપ-ફ્રી દિવસોની મજા માણવા લાગેલી.

ત્રણ દિવસ પછી જ્યારે સર્વિસિસ શરૂ થઈ ત્યારે સૌથી પહેલાં તો ઈ-મેઇલ ચાલુ થઈ ગઈ છે એની હૈયે ધરપત થયેલી.

પ્રિયા પટેલ (૨૮ વર્ષ, વિઝ્યુઅલ મર્છન્ડાઇઝર, ગોરેગામ)

પ્રોફેશનલી મારું બહુ કામ ન અટક્યું, કેમ કે ઑફિસમાં તો ઇન્ટરનેટ હાજર હોય જ છે; પણ પર્સનલી મૂડ બહુ ખરાબ થઈ ગયો. દિવસમાં કેટલીયે વાર ફેસબુક પર કમેન્ટ ચાલતી હોય, સ્ટેટસ અપડેટ મુકાતું હોય, ફ્રેન્ડ્સ શું કરે છે એ જાણતા હોઈએ, બીબીએમથી ચૅટિંગ ચાલતું હોય. આ બધાની હું ખૂબ જ ઍડિક્ટ છું. અચાનક આ બધું જ બંધ થઈ જવાથી જાણે શૂન્યાવકાશ સર્જાઈ ગયો હોય એવું લાગતું હતું. મારા હસબન્ડને હું દિવસમાં પચીસ મેસેજ મોકલતી હોઉં એને બદલે જરૂરી કમ્યુનિકેશન હોય તો પણ ન થઈ શકે અને ફોન જ કરવો પડે. વળી અમે બન્ને વર્કિંગ છીએ એટલે ક્યારેક તેમનો ફોન આવે ત્યારે હું મીટિંગમાં હોઉં અને ક્યારેક હું ફોન કરું ત્યારે તેઓ બિઝી હોય.

ઑફિસ પૂરી થઈ ગયા પછીનો સમય તો એટલો બોરિંગ ગયો કે ન પૂછો વાત. ખૂબ ઇરિટેશન થતું. સાવ નવરી પડી ગઈ હોઉં અને હવે શું કરવું એ સમજાતું ન હોય એવું લાગતું. અમેરિકાના કેટલાક ફ્રેન્ડ્સ સાથે પણ ત્રણ-ચાર દિવસ કોઈ જ શૅરિંગ ન થયું. જાણે ફ્રેન્ડ્સની દુનિયા જ થંભી ગઈ.

જેવું બ્લૅકબેરી મેસેજિંગ શરૂ થયું એટલે બધા જ ફ્રેન્ડ્સ જાણે વર્ષો પછી ભેગા થયા હોય એમ સ્ટેટસ અપડેટ કરવા માંડ્યા અને બધું રાબેતા મુજબ થઈ ગયું.

કાર્તિક વખારિયા (૨૨ વર્ષ, ટેક્નિકલ માર્કેટિંગ એન્જિનિયર, દહિસર)

ફ્રેન્ડ્સ સાથે ત્રણ દિવસ જાણે કોઈ પર્સનલ કૉન્ટૅક્ટ જ નહોતો. રોજ દિવસમાં પાંચ-પચીસ વાર બધા ફ્રેન્ડ્સ સાથે ચૅટિંગનું મને ઍડિક્શન જેવું છે. ઑફિસના કામમાં ખાસ તકલીફ ન પડી, પણ ફ્રી ટાઇમમાં બોર થઈ ગયો. ટાઇમ કેમ પસાર કરવો એ મોટો સવાલ હતો. મોબાઇલ વિના નવરો ઘરે બેઠો હતો એટલે મમ્મીએ પણ ત્રણ-ચાર વાર પૂછ્યું કે બેટા, આજે તારો મોબાઇલ ક્યાં છે?

દર કલાક-બે કલાકે જાણે કંઈક ખોવાઈ ગયું હોય એમ બાવરો બનીને હું ચેક કરતો કે સર્વિસ શરૂ થઈ કે નહીં? બીજા દિવસે રાતે થોડીક વાર સર્વિસિસ શરૂ થયેલી, પણ એ બહુ લાંબું ન ચાલ્યું. ત્રીજા દિવસની સાંજે તો હું એકદમ ડેસ્પરેટ થઈ ગયો. ફાઇનલી ચોથા દિવસે સર્વિસ સ્મૂધ થઈ એટલે હાશકારો થયો અને ફરીથી મારી મિત્રોની દુનિયા હરીભરી થઈ ગઈ.

હેમા જાદવાણી (૨૬ વર્ષ, સિનિયર અકાઉન્ટન્ટ, અંધેરી)

મેં બ્લૅકબેરી લીધો એને હજી ૧૧ મહિના જ થયા છે, પણ ઑફિસના કામ માટે જ એ ખાસ લીધો છે. પહેલાં કોઈ પણ કમ્યુનિકેશન માટે ફોન કરવો પડતો એને બદલે હવે ઑફિસમાં બૉસ સાથે પણ બીબીએમ થ્રૂ જ કમ્યુનિકેશન કરવાની આદત પડી ગઈ છે.

પહેલા દિવસે જ્યારે સર્વિસમાં ગરબડ ચાલી રહી હતી ત્યારે અમને ખબર નહોતી એને કારણે ખૂબ મિસ-કમ્યુનિકેશન થયું. મને હંમેશાં બીબીએમથી જ ઇન્સ્ટ્રક્શન મળતી અને રિસ્પૉન્સ પણ અમે એમ જ આપતા. મેં રિપ્લાય કર્યો એ બૉસને ન મળ્યો અને બૉસે જે મેસેજ કર્યો એ મને ન મળ્યો એટલે પહેલા દિવસે તો ખૂબ કેઓસ ક્રીએટ થયેલો. વોડાફોનમાંથી સર્વિસમાં પ્રૉબ્લેમ છે એવો મેસેજ આવ્યો એટલે બધું કન્ફ્યુઝન સ્પષ્ટ થયું. જોકે એ પછીના બે દિવસ ખબર હતી કે મોબાઇલથી ઈ-મેઇલ ચેક નહીં થાય એટલે ફલાણી મેઇલ આવી કે નહીં, પેલા ભાઈનો રિસ્પૉન્સ આવી ગયો હશે કે કેમ એ ચેક કરવા માટે વારંવાર કમ્પ્યુટર પાસે દોડી જવું પડતું.

પર્સનલી ફ્રેન્ડ્સના ગ્રુપ સાથે ચૅટિંગ કરવા મળતું નહી એટલે ખૂબ એકલું-એકલું લાગતું. મારા ગ્રુપમાં અમે માત્ર ૧૩ જ ફ્રેન્ડ્સ છીએ, પણ એ એકદમ ક્લોઝ છીએ. સ્ટેટસથી લઈને શું કરીએ છીએ અને શું કરવાના છીએ એ બધું જ શૅર થાય. વીક-એન્ડનું પ્લાનિંગ પણ ચૅટ પર જ થાય.

હેતલ શાહ (૨૪ વર્ષ, પબ્લિક રિલેશન્સ મૅનેજર, ગોરેગામ)

પહેલા દિવસે બધાની મેસેજિંગ અને ઇન્ટરનેટ સર્વિસ બંધ નહોતી થઈ. કેટલાક લોકોની ચાલતી હતી એટલે દસ મેસેજ મોકલીએ તો પાંચ-છ મેસેજ જાય અને બાકીના નહીં. બીજા દિવસે તો સંપૂર્ણપણે સર્વિસ બંધ હતી. ત્રીજા દિવસે વહેલી સવારે એક કલાક માટે ચાલુ થઈ અને પાછી બંધ થઈ ગઈ. સાચું કહું તો એ ત્રણ દિવસ ખૂબ જ પ્રૉબ્લેમૅટિક ગયા. મારું કામ પણ એવું છે કે મારે સતત ક્લાયન્ટ્સના અને મિડિયા-ફ્રેન્ડ્સના સંપર્કમાં રહેવું પડે. બ્લૅકબેરી હોય તો ઈ-મેઇલ ચેક થઈ જાય અને જરૂરી રિપ્લાય સાથે ફૉર્વર્ડ પણ થઈ જાય. એ માટે ઑફિસમાં બેસી રહેવું ન પડે. જોકે આ ત્રણ દિવસ સર્વિસ બંધ થઈ હોવાથી મારો ઑફિસમાં વેઇટિંગ પિરિયડ વધી ગયો. ઇમ્પોર્ટન્ટ ઈ-મેઇલની રાહ જોવા માટે અને કેટલાક રિપ્લાય આપવા માટે કલાક-બે કલાક વધુ બેસી રહેવું પડ્યું. મારું કમનસીબ પણ એ કે આ ત્રણ દિવસ દરમ્યાન જ ઑફિસમાં ખૂબ કામ હતું.

બ્લૅકબેરી હોય તો ચાલુ કામે પણ ફ્રેન્ડ્સ સાથે જીટૉક કે અન્ય ચૅટિંગ-સાઇટ્સ પર કૉન્ટૅક્ટમાં રહી શકાય. ફ્રી સર્ફિંગ પણ મળે. મારા મોટા ભાગના ફ્રેન્ડ્સ બીબીએમ પર જ મળતા હતા એટલે જાણે પર્સનલ ફ્રેન્ડ્સની દુનિયામાં તો સૂનકાર છવાઈ ગયેલો. 

ત્રણ દિવસના ગૅપ પછીયે મારી તકલીફ તો લાંબી ચાલી. મોટા ભાગના લોકોનું કનેક્શન ઑટોમૅટિકલી ચાલુ થઈ ગયું, પણ મારે તો ત્રણ વાર ફરિયાદ કરવી પડી. સવારે ૧૧ વાગ્યે વોડાફોનમાં ફરિયાદ કરી પણ છેક પાંચ વાગ્યે મારા હૅન્ડસેટની સર્વિસ ચાલુ થઈ. વો ચાર દિન.... બહોત બુરે ગએ.

બીબીએમ શું છે?


બ્લૅકબેરી મેસેન્જર (બીબીએમ) એ ઇન્ટરનેટ-બેઝ્ડ ઇન્સ્ટન્ટ મેસેન્જર છે. એમાં રેન્ટની ટોકન રકમ ચૂકવીને અન્ય બ્લૅકબેરી ડિવાઇસ સાથે ફ્રીમાં અનલિમિટેડ મેસેજ મોકલી શકાય છે. કૉન્ટૅક્ટ્સનું ગ્રુપ બનાવીને રાખવાથી એક જ મેસેજ આખા ગ્રુપને મોકલી શકાય છે. અનલિમિટેડ લેન્ગ્થના ટેક્સ્ટ-મેસેજિસ જ નહીં; પિક્ચર્સ, ઑડિયો-વિડિયો રેકૉર્ડિંગ, ફાઇલ,

મૅપ-લોકેટર જેવી ચીજો પણ એકસાથે ઘણાબધા લોકોને મોકલી શકાય છે. ક્વિક રિસ્પૉન્સ કોડ (QRC) કે ભ્ત્ફ્ નંબરના શૅરિંગથી કૉન્ટૅક્ટ ઍડ કરી શકાય છે.

ફેસબુક અને અન્ય નેટવર્કિંગ સાઇટની જેમ પર્સનલ બીબીએમ ડિસ્પ્લે પિક્ચર્સ અને સ્ટેટસ પણ રાખી શકાય છે.