કાળાં નાણાં માત્ર વિદેશોમાં જ છે? ત્યાંની બૅન્કોમાં જ છે?

16 November, 2014 05:03 AM IST  | 

કાળાં નાણાં માત્ર વિદેશોમાં જ છે? ત્યાંની બૅન્કોમાં જ છે?




જયેશ ચિતલિયા


કાળાં નાણાંની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. સ્વિટ્ઝરલૅન્ડની કે પછી સ્વિસ બૅન્કોમાં ભારતીયોનાં કાળાં નાણાં પડેલાં છે એની યાદીમાં કોણ-કોણ છે એ વાતો માત્ર આર્થિક નહીં, બલકે સામાજિક અને રાજકીય મુદો બનીને ચાલી રહી છે. વિદેશી વસ્તુ કે વાત હોય, વિદેશી શબ્દ આપણને વધુ આકર્ષે છે, પરંતુ જ્યારે કાળાં નાણાંની વાત આવે છે ત્યારે શું કાળાં નાણાં ઉર્ફે બ્લૅક મની વિદેશોમાં જ છે? શું વિદેશોમાં જે ૬૦૦ કે ૭૦૦ ભારતીયોનાં બૅન્ક-અકાઉન્ટ્સ છે તેઓ જ કાળાં નાણાં ધરાવે છે? શું દેશમાં કાળાં નાણાં નથી? દેશમાં તો કાળાં નાણાં ધરાવનારાઓની સંખ્યા અનેકગણી મોટી હશે કે છે એટલું જ નહીં, એ માત્ર બૅન્કોમાં નહીં, બલકે અનેક ક્ષેત્રોમાં પડેલાં છે. જે જાહેર છે છતાં ગુપ્ત છે અને ગુપ્ત હોવા છતાં એ જાહેર જેવાં છે એનો સવાલ પણ જોરશોરથી કેમ ઊઠતો નથી? બીજું એ કે આ કાળાં નાણાં માત્ર વિદેશી બૅન્કોમાં જ છે એવું નથી, બલકે વિદેશોની પ્રૉપર્ટી-માર્કેટથી લઈને અનેકવિધ ઍસેટ્સમાં પડ્યાં છે જેના વિશે ચર્ચા તો શું સવાલ પણ ઊઠતા નથી. કારણ કે લોકોના માનસમાં સ્વિસ બૅન્કો જ વધુ ઘર કરી બેઠી છે. જેમ પરદેશોમાં અનેકવિધ સાધનોમાં કાળાં નાણાં હોઈ શકે એમ આપણા દેશમાં પણ વિવિધ ક્ષેત્રો-સાધનો-માર્ગોમાં કાળાં નાણાં હોઈ શકે છે. આ વિશે પણ ચર્ચા જાગવી અને એના ચિંતન સાથે ઉપાય થવો પણ જરૂરી છે.

કાળાં નાણાં ક્યાં-ક્યાં?

કહેવાય છે કે આપણા દેશમાં જેટલું સોનું છે એટલું વિશ્વના અન્ય કોઈ દેશમાં નથી. એ જ રીતે કાળાં નાણાં પણ ચિક્કાર છે, પરંતુ એનો ફેલાવો એટલો ઊંડો અને વ્યાપક છે કે કોણ કોની સામે સવાલ ઉઠાવે. અહીં રાજકારણીઓ પાસે, સરકારી બાબુઓ પાસે, મોટા ખેડૂતો પાસે પણ કાળાં નાણાં છે. ઉદ્યોગપતિઓ-વેપારીઓ પાસે એ ન હોય તો ન્યુઝ બને. આપણા દેશમાં કાળાં નાણાંનુ સમાંતર અર્થતંત્ર ચાલે છે, કંઈક અંશે એને જરૂરી પણ માનવામાં આવે છે. કાળાં નાણાં ન હોત તો લાંચની ચુકવણી કઈ રીતે થાત? ફાઇલો ક્લિયર કરાવવા માટે બાબુઓને લાભ કઈ રીતે આપી શકાત? જોકે કૅશ સિવાય કાઇન્ડ સ્વરૂપે પણ લાભ આપી-લઈ શકાય છે. આપણા દેશમાં સૌથી વધુ કાળાં નાણાંનું પ્રમાણ કન્સ્ટ્રક્શન-રિયલ એસ્ટેટમાં હોવાનું કહેવાય છે. સામાન્ય માણસ પણ જગ્યા ખરીદે ત્યારે અમુક ટકા રકમ કૅશ ચૂકવે છે. એના એ કૅશ જેને ચૂકવાય છે તે વ્યક્તિ એ નાણાંને કાળાં બનાવી દે છે, કારણ કે એ હિસાબી ચોપડામાં નોંધાતાં નથી. આયાત-નિકાસનો વેપાર બ્લૅક મની વિના થાય છે ખરો? કેટલો? સોના-ઝવેરાત-ડાયમન્ડ બિઝનેસમાં કાળાં નાણાં નથી? શૅરબજાર હોય કે કૉમોડિટીઝ માર્કેટના ડબ્બા ટ્રેડિંગ (બિનસત્તાવાર કામકાજ) હોય કે ગોલ્ડનું રોકાણ હોય, બ્લૅક મનીની બોલબાલા બધે જ જોવા મળે છે. દોસ્તો, કયા મોટા બિઝનેસમાં કાળાં નાણાં નથી એવી યાદી બનાવાય તો બહુ નાની યાદી બને.

જોકે આ કાળાં નાણાં પ્રત્યે સરકારનું ધ્યાન નથી એમ ન કહી શકાય, પરંતુ જે વિદેશી બૅન્કોમાં કાળાં નાણાંના આટલાંબધાં અને મોટે-મોટેથી ગીતો ગવાય છે એની તુલનાએ દેશમાં વધુ કાળાં નાણાં પણ છે અને એનો નક્કર-રચનાત્મક ઉપાય પણ થવો જોઈએ. આ સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે કાળાં નાણાં નામશેષ થવા અસંભવ છે.

સફેદ કામોમાં કાળાં નાણાં

દેશમાં ચાલતાં મોટાં-મોટાં આશ્રમો, ટ્રસ્ટો, સંસ્થાઓ, (ધાર્મિક હોય કે આધ્યાત્મિક સંપ્રદાયનાં હોય કે જ્ઞાતિનાં કે ગરીબો માટેનાં હોય કે અન્ય જરૂરિયાતમંદ માટેનાં) વગેરે પાસે દાનરૂપે અઢળક ધન આવતું રહે છે, જેનો ઉપયોગ પણ કાળાં નાણાં સફેદ કરવામાં થતો હોય છે. આ એક જાહેર સીક્રેટ છે અને એથી જ સરકાર સતત ટ્રસ્ટો કે ફ્ઞ્બ્ (નૉન -ગવર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન)ના નાણાકીય વ્યવહારો પર વિશેષ અને બારીક નજર રાખતી હોય છે. જોકે આવાં કાળાં નાણાંથી સફેદ કામો (સેવાનાં કામો) પણ ઘણાં થયા કરે છે, જેથી એની સામે સવાલ ઉઠાવવો સંવેદનશીલ પણ બનતો હોય છે. આવાં આશ્રમો-ટ્રસ્ટોના ટ્રસ્ટીઓના ઉદ્દેશો પણ ઘણા હોય છે.

સ્ટૉક માર્કેટમાં પણ

શૅરબજારમાં વિદેશોથી પી-નોટ્સ (પાર્ટિસિપેટરી નોટ્સ) મારફત આવતું રોકાણ વાસ્તવમાં કોનું હોય છે એ આજ સુધી સ્પક્ટ થયું નથી. કેમ કે પી-નોટ્સ મારફત રોકાણ કરનારનાં નામો અહીં ડિક્લેર થતાં નથી. જેમણે પોતાનું નામ અહીં ગુપ્ત રાખવું હોય છે અથવા અન્ય કોઈક કારણસર જાહેર ન કરવું હોય તેઓ પી-નોટ્સ મારફત ભારતીય શૅરબજારમાં રોકાણ કરતા રહે છે. આ નોટ્સ પણ ફરતી રહેતી હોય છે. કહેવાય છે કે વિદેશથી આવતાં જણાતાં આ નાણાં પણ મૂળ તો કોઈ ભારતીયોનાં જ કાળાં નાણાં હોય છે. એમ પણ કહેવાય છે કે આપણા જ રાજકારણીઓ, ઉદ્યોગપતિ-બિઝનેસમૅનનાં નાણાં (કાળાં) અહીંથી બહાર જાય છે અને વાઇટ થવા માટે આ માર્ગે અહીં રોકાણ મારફત આવે છે અથવા બહાર ફરતાં રહે છે. સરકાર આ બાબતે વધુ પૂછવાની હિંમત કરી શકતી નથી, કારણ કે શૅરબજારમાં આવાં નાણાં સામે સવાલ ઉઠાવી સરકાર બજારના ટ્રેન્ડને મુશ્કેલીમાં મૂકવા માગતી નથી. જોકે આ માર્ગે અમુક નાણાં જેન્યુઇન પણ હોઈ શકે છે.

સત્તાવાર માર્ગ પણ

કાળાં નાણાંનું સર્જન માત્ર બિનસત્તાવાર માર્ગે થાય એ જરૂરી નથી. આ કામ સત્તાવાર માર્ગે પણ થાય છે અને ક્યારેક તો ચાલાકીપૂવર્‍ક એ સત્તાવાર માર્ગ ઊભો કરવામાં આવે છે, જેથી કોઈને શંકા પણ ન થાય અને ઊંટનાં ઊંટ નીકળી જાય. કૉર્પોરેટ રીસ્ટ્રક્ચરિંગ-ટેકઓવરના કિસ્સા વગેરે જેવા માર્ગે પણ બ્લૅક મની આવતાં કે સર્જા‍તાં રહે છે. બાકી અન્ડર-ઇન્વૉઇસિંગ કે ઓવર-ઇન્વૉઇસિંગ જેવા માર્ગે પણ બ્લૅક મની કે મની ટ્રાન્સફર થયા કરે છે. અધધધ મોંઘા ભાવે ખરીદાતાં પેઇન્ટિંગ્સ કે આર્ટ પણ ઘણી વાર કાળાં નાણાં માટે કળાત્મક નિમિત્ત બની જાય છે, જેમાં ખરીદનારનો ઉદ્દેશ કંઈક જુદો જ હોય છે.

યાદ રહે કે જેમની પાસે ખૂબ નાણાં છે કે અઢળક નાણાં છે તેમણે જ કાળાં નાણાંનું સર્જન કરવું પડે છે કે તેમના મારફત અથવા તેમને માટે જ બ્લૅક મની બને છે અને નૅચરલી, આ અઢળક નાણાંવાળા લોકો ભરપૂર પ્રભુત્વ અને વર્ચસ પણ ધરાવતા હોય છે જેથી તેમની સામે સવાલ કે શંકા ઉઠાવનારાઓને પણ નાણાં પધરાવી (એ પણ કાળાં નાણાંમાંથી જ) દઈ ચૂપ કરી દેવાતા હોય છે. આવી ચુપકીદીઓ વષોર્ સુધી ચાલતી રહે છે, જેમાં સમાજમાં સતત અસમાનતા વધતી જાય છે એની ગંભીર નોંધ પણ લેવાવી જોઈએ. આપણે ભલે સમાજવાદ કે સામ્યવાદ લાવવાની વાત કે વિચાર ન કરીએ, પરંતુ માત્ર મૂડીવાદ વિકસતો રહે એ પણ સમાજ માટે આદર્શ ન કહેવાય. મૂડીવાદમાં ઘણાં સારાં પાસાં છે, સારાં પરિણામ પણ છે. સમાજમાં અસમાનતા પણ અમુક અંશે અનિવાર્ય હોય છે, પણ અતિશય અસમાનતા કે એનો અતિરેક થવો ન જોઈએ.

બ્લૅક મની ક્યાંથી સર્જા‍ય છે?

કાળાં નાણાંનું સર્જન કરતાં ત્રણ મુખ્ય તત્વોમાં એક છે ક્રિમિનલ પ્રવૃત્તિ-ગુનાહિત પ્રવૃત્તિ; જેમાં સ્મગલિંગ, ચીટિંગ, સ્કૅમ, કિડનૅપિંગ, ડ્રગ્સ બિઝનેસ વગેરેનો સમાવેશ છે. બીજું તત્વ છે લાંચ-રુશવત અને ત્રીજું તત્વ છે લોકો દ્વારા છુપાવવામાં આવતી પોતાની સાચી આવક. આ આવક છુપાવવામાં મધ્યમ વર્ગ, તેમને આવું કરવાની સલાહ-માર્ગદર્શન આપતા ટૅક્સ-એક્સપર્ટ, કથિત કરમાફી યોજનાઓ, જોગવાઈઓ, કરવેરા સંબંધી થતા વિવિધ દેશો વચ્ચેના કરારો, કહેવાતા ટૅક્સ-હેવન દેશોની કરામતો પણ આમાં ભાગ ભજવે છે. તેમને આવું કરવા માટે મજબૂર કરતા કરવેરાના દર, વાસ્તવિક કારમી મોંઘવારી તેમ જ સમય સાથે સતત વિકટ બનતા જતા સંજોગો લોકોને આવક છુપાવવાની રીત શીખવે છે અને મજબૂર પણ કરે છે.

ઇનોવેટિવ યોજના અને કો-ઑર્ડિનેશન પણ આવશ્યક

કાળાં નાણાંને નાથવા અથવા એને ઇકૉનૉમીમાં લાવી એનો રચનાત્મક ઉપયોગ કરવા માટે પણ સરકાર પાસે યોજના હોવી જોઈએ અને એમાં ઇનોવેશન પણ લાવવું જોઈએ. માત્ર દર વખતે કરમાફી યોજના લાવવાથી હેતુ બર આવી ન શકે. કાળાં નાણાં સાથે ડીલ કરવા માટે, એના ઇકૉનૉમિક્સને સમજવા અને એનો સાર્થક ઉપાય કરવા માટે વિવિધ સંબંધિત નિયમન તંત્રો, વેરાવિભાગો, તપાસ એજન્સીઓ વચ્ચે મજબૂત સુમેળ તથા માહિતીની આપ-લે અને ઍક્શનનું કો-ઑર્ડિનેશન હોવું પણ જરૂરી છે.