છેક ૨૫-૩૦ ફૂટની ઊંચાઈએથી બાળકને ફેંકવાથી તે સ્વસ્થ રહેશે

09 December, 2012 09:24 AM IST  | 

છેક ૨૫-૩૦ ફૂટની ઊંચાઈએથી બાળકને ફેંકવાથી તે સ્વસ્થ રહેશે




(માનો યા ન માનો)

બાળક જન્મે એ પછીનું પહેલું એકથી દોઢ વરસ તેને જાતજાતનાં ઇન્ફેક્શન્સ થવાનો ભય વધુ હોય છે અને નાની-મોટી બીમારી પણ ખતરનાક નીવડી શકે છે. જોકે પોતાના કાળજાના ટુકડા સમાન બાળકના સ્વાસ્થ્ય માટે પેરન્ટ્સ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. વિચારતાં જ કમકમાં આવી જાય એવી એક જબરદસ્ત અંધશ્રદ્ધા ભારતમાં પણ છે. એ છે બાળકને સ્વસ્થ રાખવું હોય તો કોઈ પવિત્ર સ્થળની અગાસી પરથી નીચે ફેંકવું. એ પવિત્ર સ્થળ મંદિર પણ હોઈ શકે અને મસ્જિદ પણ.

કર્ણાટકમાં આવેલા શ્રી સંતેશ્વર મંદિરમાં ડિસેમ્બર મહિનામાં આવો જ મંદિરના ઉપરના ભાગમાંથી બાળકોને નીચે ફેંકવાનો રિવાજ પળાય છે. એમાં બે વરસથી નાનાં બાળકોને મંદિરના પૂજારી કે પવિત્ર પુરુષો દ્વારા નીચે ફેંકવામાં આવે છે અને નીચે ચાદરની ઝોળી કરીને ઊભેલા લોકો એ પડતા બાળકને ઝીલી લે છે. આ મંદિરની ઊંચાઈ લગભગ ૨૫થી ૩૦ ફૂટ જેટલી છે. ફેંકનાર માણસ એક હાથે બાળકના બે પગ અને બીજા હાથે બન્ને હાથ પકડે અને પછી ટીંગાટોળી કરીને તેને પીઠભેર નીચે ફેંકે. છ મહિનાથી લઈને બે વરસનું બાળક આ ડરથી હેબતાઈ જાય, પણ આ રિવાજમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા લોકોનું કહેવું છે કે અમારા પરિવારોમાં વષોર્થી આવું જ થતું આવ્યું છે.

એક અંદાજ મુજબ દર વર્ષે ૨૦૦થી ૨૮૦ જેટલા પેરન્ટ્સ પોતાનાં બાળકોને આ રીતે ઉપરથી ફેંકવા માટે અહીં લઈ આવે છે.

આ રિવાજ ૪૦૦ વર્ષ જૂનો મનાય છે. હિન્દુ અને મુસ્લિમ બન્ને ધમોર્ના લોકોમાં આવો રિવાજ પ્રચલિત છે. મુંબઈથી ૨૮૦ કિલોમીટર દૂર સોલાપુર પાસે આવેલા બાબા ઉમર દુર્ગ મંદિરમાં પણ આ રિવાજ પળાય છે. આ મંદિરનું નામ જ બતાવે છે કે એની સાથે હિન્દુ અને મુસ્લિમ બન્ને ધમોર્ના લોકોની લાગણી જોડાયેલી છે. અહીં દર મે કે એપ્રિલ મહિનાની ચોક્કસ તારીખોએ આ વિધિ થાય છે.

નવાઈની વાત એ છે કે ભારત સરકારે સોલાપુર અને કર્ણાટક બન્ને જગ્યાએ થતી આ વિધિ પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં ત્યાંના સ્થાનિક અધિકારીઓ અને પોલીસો લોકોની અંધશ્રદ્ધા સામે કશું કરી શકતા નથી અને તેમની નજર સામે જ દર વર્ષે આ વિધિ થાય છે.

આ વિધિ દરમ્યાન દર વર્ષે બેથી ત્રણ બાળકોને ઈજા પણ થાય છે અને તેમને હૉસ્પિટલમાં પણ લઈ જવાં પડે છે. ઘણાં બાળકો હેબતાઈ જવાથી કે ડરના માર્યા તાવ જેવી બીમારીમાં પટકાય છે. એ છતાં શ્રદ્ધાળુઓની માન્યતા છે કે આ પ્રક્રિયા દરમ્યાન બાળકને જે દુ:ખો પડવાનાં હોય એ પડી જાય છે અને પછી જિંદગીભર તેનું સ્વાસ્થ્ય સારું રહે છે.