ગુજરાતના વિકાસ માટે કોઈ એક વ્યક્તિ કે પાર્ટી જશ લે એ યોગ્ય નથી

09 December, 2012 09:34 AM IST  | 

ગુજરાતના વિકાસ માટે કોઈ એક વ્યક્તિ કે પાર્ટી જશ લે એ યોગ્ય નથી




(અસરાની) - હમ અંગ્રેઝ કે ઝમાને કે જેલર હૈં... ફિલ્મ ‘શોલે’નો આ ડાયલૉગ યાદ આવતાં જ અસરાનીનો હિટલર સાઇઝની મૂછવાળો ચહેરો આંખ સામે આવી જાય. અસરાની - આ નામ ગુજરાતીઓ માટે સહેજ પણ નવું નથી. ૧૯૪૧ની ૧ જાન્યુઆરીએ જન્મેલા ગોવર્ધન અસરાનીએ ૧૦૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ૭૧ વર્ષની વયે પણ આ વષ્ોર્ તેમની પાંચ ફિલ્મ રિલીઝ થઈ હતી. ૧૯૬૦થી ઍક્ટિંગના ફીલ્ડમાં આવેલા અસરાની ખરા અર્થમાં હૃષીકેશ મુખરજીની શોધ હતા. લગભગ પંદર વર્ષ સુધી હિન્દી ફિલ્મોમાં એકધારું કામ કર્યા પછી તેમણે ગુજરાતી ફિલ્મોની દિશા પકડી અને ચાલીસથી વધુ ગુજરાતી ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી છે. ૮૦ના દાયકામાં પૌરાણિક કે રાજવી ઘરાનાની ગુજરાતી ફિલ્મો બનતી હતી ત્યારે અસરાનીએ ગુજરાતી ફિલ્મોને નવી દિશા આપી અને શહેરની તથા વર્તમાન વાર્તાઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. અસરાનીએ કરેલી ‘માબાપ’, ‘અમદાવાદનો રિક્ષાવાળો’, ‘પારકી થાપણ’, ‘માવતર’, ‘જીવનમૃત્યુ’ જેવી ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં માઇલસ્ટોન ગણાય છે. ઍક્ટર, સપોર્ટિંગ ઍક્ટર અને કૉમેડિયન એમ ત્રણ-ત્રણ પ્રકારના રોલ કરનારા અસરાનીએ ડિરેક્શનના ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો હતો અને ‘ચલા મુરારી હીરો બનને’, ‘સલામ મેમસાબ’ અને ‘હમ નહીં સુધરેંગે’ જેવી પાંચ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. અસરાની આજે પણ પોતાના કામ પ્રત્યે અત્યંત સિરિયસ અને પૂરતા ઍક્ટિવ છે. ૨૦૧૩માં તેમની ‘ગ્રૅન્ડ મસ્તી’, ‘મહોત્સવ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી મોટા બૅનરની ફિલ્મ સહિત પાંચ ફિલ્મ રિલીઝ થશે.)


જન્મ રાજસ્થાનમાં થયો અને કામ કરવા મુંબઈમાં સેટલ થયો, પણ મુંબઈમાં મળેલાં કામોમાં સપોર્ટિંગ રોલ જ મળ્યા એટલે કામ માટે ગુજરાતી ફિલ્મો તરફ નજર કરી અને ગુજરાતી ફિલ્મોએ અપનાવી લીધો. જૂજ લોકોને ખબર છે કે સિત્તેરના દશકામાં હું મુંબઈ છોડીને ગુજરાત જ રહેવા આવી ગયો હતો. લગભગ આઠેક વર્ષ સળંગ અમદાવાદમાં રહ્યો અને એ પછી પણ પાંચેક વર્ષ અમદાવાદ-મુંબઈ વચ્ચે અપડાઉન કર્યું. એ પછી મુંબઈ ફરી સેટલ થયો.

ગુજરાત મને હંમેશાં ગમ્યું છે. આજે પણ હું શુદ્ધ ગુજરાતી બોલી શકું છું. આજે પણ મારા ઘરની રસોઈમાં કોઈ ને કોઈ ગુજરાતી વરાઇટી બની જ હોય. મારો આ ગુજરાત પ્રત્યેનો જે પ્રેમ છે એ મારી આત્મીયતામાંથી જન્મ્યો છે. એવું નથી કે ગુજરાતી ફિલ્મોએ મને હીરો બનાવ્યો એટલે મને આ પ્રદેશ માટે આત્મીયતા હોય, એવું પણ નથી કે અહીંથી મને નામના મળી એટલે આ લાગણી હોય. હકીકત એ છે કે મને ગુજરાત એટલા માટે ગમ્યું છે કે મને ગુજરાતીઓ ગમે છે. ગુજરાતીઓની એક ખાસિયત હમણાં જ મેં મારા કેટલાક મિત્રોને કહી હતી. ગુજરાતીઓ ગતિશીલ છે અને એટલે જ વિકાસશીલ છે. તેઓ ક્યાંય પણ હોય, ગમે એવા સંજોગો વચ્ચે હોય; ક્યારેય નાસીપાસ થઈને બેસી નહીં રહે, સહેજ પણ નહીં. બેસી રહે એ ગુજરાતી નહીં. ગુજરાતી તો દોડતો રહે અને દોડીને, મહેનત કરીને પોતાનું નામ રોશન કરે. મજાકમાં ઘણા કહે છે કે ચંદ્ર પર પહેલો પગ ભલે કોઈ પણ દેશનો નાગરિક મૂકે, પણ ત્યાં પહેલી દુકાન તો ગુજરાતી જ ખોલશે. આવા છે આ ગુજરાતીઓ. આવા આ વિકાસશીલ ગુજરાતીઓ માટે કોઈ એક પાર્ટી કે નેતા જશ લે અને કહે કે એનો વિકાસ મેં કર્યો છે તો હું ચોક્કસ કહીશ કે આ વધુપડતી મોટી વાત છે. ગુજરાત અને ગુજરાતીનો કોઈ વિકાસ કરી જ ન શકે. હા, એવું બને કે ગુજરાત અને ગુજરાતીઓને વિકાસ દેખાડવામાં આવ્યો હોય અને ગુજરાત એ દિશામાં ચાલીને વિકાસને થોડું વહેલું પામ્યું હોય.

એ વાત સો ટકા સાચી છે કે આજનું આ ગુજરાત એંસીના ગુજરાત કરતાં બેટર છે, પણ એવું તો દરેક શહેરને લાગુ પડે છે. મુંબઈ પાંચ વર્ષ પહેલાં હતું એના કરતાં આજે વધુ સારું છે જ. કલકત્તા પણ પહેલાં કરતાં ઉત્તમ છે અને ચેન્નઈ, દિલ્હી પણ પહેલાં કરતાં વધુ સારાં થયાં છે. ચૂંટણી સમયે જ્યારે એવું કહેવામાં આવે કે અમે વિકાસ કર્યો ત્યારે મને પહેલાં તો એ પૂછવાનું મન થાય કે ‘આ વિકાસ કરીને તમે રાજ્ય પર ઉપકાર ક્યાં કર્યો છે? તમને એ કામ માટે તો ચૂંટ્યા હતા.’

આપણા દેશની આ દુર્દશા ગણો તો દુર્દશા અને અધોગતિ ગણો તો અધોગતિ, પણ આ હકીકત છે. હવે પૉલિટિશ્યન પોતાનું કામ કરીને એવી રીતે વર્તે છે જાણે તેમણે પ્રજા પર ઉપકાર કર્યો હોય. એક સમય હતો જ્યારે રાજકારણને ધર્મ અને સેવા માનવામાં આવતું હતું. પછીનો એક સમયગાળો એવો આવ્યો કે રાજકારણને ગુંડાઓનું આશ્રયસ્થાન માનવાનું શરૂ થયું અને ગુંડાઓ આ ક્ષેત્રમાં આવવા લાગ્યા, પણ હવેનો આ જે ઉપકાર વર્તાવવાનો સમય આવ્યો છે એ તો એનાથી પણ ખરાબ હોય એવું મને લાગે છે. આ કાળ પૂરો કરવાની જવાબદારી પાંચ વષ્ોર્ એક વાર આવતી હોય છે - ઇલેક્શન. ઇલેકશન સમયે આવી માનસિકતા ધરાવતા લોકોને ઘરે બેસાડી દેવા જોઈએ એવું મારું માનવું છે. હું તો એવું પણ માનું છું કે આ દેશમાં એવો નિયમ બનવો જોઈએ કે પાંચ અથવા દસ વર્ષ સુધી ઍક્ટિવ પૉલિટિક્સમાં રહેનારા મેમ્બરે ફરજિયાત એક ટર્મ કે બે ટર્મ માટે રજા લેવાની અને ઇલેક્શનથી દૂર રહેવાનું. આ સજેશન મેં થોડા સમય પહેલાં અણ્ણા હઝારે અને તેમના એ સમયના સહયોગી અરવિંદ કેજરીવાલને આપ્યું હતું. એ સમયે અણ્ણાએ આવા નિયમ સામે સંદેહ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ટર્મ-લિમિટ બાંધવાથી ભ્રષ્ટાચાર વધવાની શક્યતા છે, પણ અરવિંદ કેજરીવાલને મારું આ સજેશન યોગ્ય લાગ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જ્યારે પણ તે પૉલિટિક્સમાં આવવાનું વિચારશે ત્યારે ચોક્કસ કોઈ ને કોઈ રીતે આ સજેશનને પોતાની પાર્ટીમાં દાખલ કરવાનો પ્રયાસ કરશે. ગયા અઠવાડિયે અરવિંદ કેજરીવાલનો સામેથી ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષે એક વાર ટર્મમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની વાત પર અમારી પાર્ટી ગંભીરતાપૂર્વક વિચારી રહી છે અને શક્ય હશે તો એનો અમલ પણ વહેલી તકે કરાવશે.

જો સરકાર પોતે અવ્વલ દરજ્જાના અધિકારીઓને પણ ફરજિયાત નિવૃત્ત કરાવી શકતી હોય તો નિવૃત્તિનો એ નિયમ રાજકારણમાં શું કામ લાગુ ન પડવો જોઈએ. કાં તો રાજકારણનો આ ખેલ નિવૃત્તિ પછીની રમત બનાવી નાખવો જોઈએ અને કાં તો રિટાયરમેન્ટનો પ્લાન અહીં પણ દાખલ કરવો જોઈએ.

ગુજરાતી ફિલ્મો માટે શું કરીએ?


આજે ગુજરાતી ઍક્ટરોની બોલબાલા છે. ગુજરાતી રાઇટર આખી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ચલાવે છે એટલે નવી ફ્લેવરની વાર્તાની પણ કમી નથી. ગુજરાતી પ્રજા બિઝનેસમૅન છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દર ત્રીજો ફાઇનૅન્સર ગુજરાતી છે. આ દૃષ્ટિએ ફાઇનૅન્સનો પણ પ્રશ્ન નથી. હવે પ્રશ્ન રહ્યો રિક્વરી અને પ્રેઝન્ટેશનનો. પ્રેઝન્ટેશન માટે ગુજરાતી ફિલ્મ બનાવવા વાપરવામાં આવતી ટેક્નૉલૉજીથી માંડીને થિયેટર સુધ્ધાંમાં ચેન્જ લાવવો પડશે. માત્ર આ ફેરફાર કરવાથી કંઈ નહીં વળે. આ ફેરફાર કર્યા પછી એક-એક ઘરે જવું પડશે અને ત્યાં ગાઈ-વગાડીને કહેવું પડશે કે હવે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે, તમે આવો અને ફિલ્મ જુઓ.

વાત રહી રિકવરીની. ગુજરાત સરકાર અત્યારે પાંચ લાખ રૂપિયા સુધીની સબસિડી આપે છે. ગુજરાત સરકાર ધારે તો એવો નિયમ કરી શકે કે સબસિડી જોઈતી હોય તેમને ફિલ્મના પ્રેઝન્ટેશન માટે એટલે કે રિલીઝ માટે જોઈતાં થિયેટરોની વ્યવસ્થા સરકાર નહીં કરી આપે અને જે સબસિડી જતી કરશે તેમને સરકાર ફિલ્મની રિલીઝ માટે થિયેટરો અપાવીને પ્લૅટફૉર્મ પૂરું પાડવાનું કામ કરશે. આ પ્રૅક્ટિકલ રસ્તો વાપરવાથી ફિલ્મનું ભાવિ સુધરશે અને સારી ફિલ્મ લોકો સુધી પહોંચશે એવું મને લાગે છે. અત્યારે બન્યું છે એવું કે સારી ફિલ્મો બનવા લાગી છે, પણ એ હજી લોકો સુધી પહોંચતી નથી.