ફૂટબૉલની પહેલી સુપર લીગમાં સલમાન ખાનની પુણેની ટીમમાં ગુજરાતી યુવાન

07 October, 2014 05:34 AM IST  | 

ફૂટબૉલની પહેલી સુપર લીગમાં સલમાન ખાનની પુણેની ટીમમાં ગુજરાતી યુવાન




રુચિતા શાહ

ક્રિકેટની ઇન્ડિયન પ્રીમિયર લીગની ફૉર્મેટમાં ભારતમાં પહેલી વાર ઇન્ડિયન સુપર લીગ નામની ફૂટબૉલ ટુર્નામેન્ટ આ રવિવારથી શરૂ થઈ રહી છે. કુલ આઠ શહેરોને રિપ્રેઝન્ટ કરતી આઠ ટીમો આ સુપર લીગમાં રમવાની છે જેમાંથી FC પુણે સિટી નામની સલમાન ખાનની ટીમ વતી મલાડમાં રહેતો ૨૩ વર્ષનો આશુતોષ મહેતા રમવાનો છે. છેલ્લાં છ વર્ષથી મુંબઈ ફૂટબૉલ ક્લબ માટે રમતા આ ગુજરાતી યુવકને અત્યાર સુધીમાં અનેક મેડલ અને ઇલકાબ મળી ચૂક્યા છે. તે મુંબઈ લીગ, મહારાષ્ટ્ર સ્ટેટ લેવલની અન્ડર-૧૯ અને અન્ડર-૨૧માં રમી ચૂક્યો છે. ૨૦૧૨માં દેશની સૌથી મોટી ફૂટબૉલ લીગ આઇ-લીગમાં તે રમ્યો હતો. ફૂટબૉલની અનેક મહત્વની મૅચોમાં મૅન ઑફ ધ મૅચનો ખિતાબ તેને મળ્યો છે. તાજેતરમાં એક જાણીતી સ્પોર્ટ્સ વેબસાઇટે આશુતોષનું નામ ફૂટબૉલના બેસ્ટ યંગ ઇન્ડિયન પ્લેયર ઑફ ધ યરમાં નોંધ્યું છે. આજકાલ ૧૨ ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી આ નવી ટુર્નામેન્ટની ઇન્ડિયન સુપર લીગની તૈયારીઓ આશુતોષ પુણેમાં કરી રહ્યો છે. સ્પોર્ટ્સના મામલામાં ગુજરાતીઓ હજી એટલા વ્યાપ્યા નથી ત્યારે ફૂટબૉલમાં આ લેવલ સુધી પહોંચેલા આ ગુજરાતી યુવાને ખેડેલી સફર કાબિલેદાદ કહેવાય.

નાનપણમાં ઍથ્લેટિક્સમાં વધુ રસ ધરાવતા આશુતોષનું ફૂટબૉલ સાથે દૂર-દૂરનું કોઈ કનેક્શન નહોતું. પ્રોફેશનલી ફૂટબૉલ પ્લેયર બની જશે એવું તો તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું. તે કહે છે, ‘હું આઠમા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર સ્કૂલની ફૂટબૉલ ટીમમાં મારા કોચની ઇચ્છાને માન આપવા જોડાયો હતો. એ પહેલાં મને ઍથ્લેટિક્સમાં વધારે રસ પડતો હતો. રનિંગ, શૉર્ટ જમ્પ, લૉન્ગ જમ્પ જેવી ગેમ્સ રમતો. પરંતુ મારી સ્કૂલના કોચે મને ફૂટબૉલ ટીમમાં જોડાવાનું કહ્યું અને હું જોડાઈ ગયો. ત્યારે તો નૉર્મલ વેથી રમતો હતો. કૉલેજમાં પણ આ કન્ટિન્યુ કર્યું. એ વખતે પણ બિલકુલ સિરિયસ નહોતો. કૉલેજમાં બહુ બંધનો નહોતાં એટલે માત્ર ટાઇમપાસ માટે જૉઇન કરી લીધું હતું. ત્યારથી પછી ઍક્ચ્યુઅલ જર્ની શરૂ થઈ.’

થોડા દિવસ પહેલાં જ ઇટલીમાં પ્રૅક્ટિસ કરીને પાછા ફરેલા આશુતોષને છેલ્લાં ચાર વર્ષમાં ખાસ ઘરે રહેવા નથી મળ્યું. તે કહે છે, ‘આજકાલ ઘરે રહેવા નથી મળતું. સતત ટ્રાવેલિંગ અને પ્રૅક્ટિસ-સેશન ચાલતાં હોય જેમાં મોટા ભાગનો સમય જતો રહે છે એટલે ફૅમિલી-ટાઇમને ખૂબ મિસ કરતો હોઉં છું. અત્યારે હું જ્યાં પણ પહોંચ્યો છું ત્યાં મારી ફૅમિલીના ભરપૂર સપોર્ટને કારણે જ પહોંચ્યો છું, કારણ કે આજે પણ ક્યારેક કોઈ મારી કાસ્ટ વિશે મને પૂછે અને હું ગુજરાતી કહું તો લોકોને તાજ્જુબી થાય છે. એક તો મારો દેખાવ પણ ખાસ ગુજરાતી જેવો નથી અને બિઝનેસ કરનારી કમ્યુનિટીનો બંદો સ્પોટ્ર્‍સમાં ક્યાંથી એ પણ ફૂટબૉલમાં એનું લોકોને હંમેશાં આશ્ચર્ય થાય છે.’