મારી મંઝિલ ક્યાં?

25 August, 2012 10:17 AM IST  | 

મારી મંઝિલ ક્યાં?

 

(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

 

લો, ચલો, ઊઠો અભાગી ઓ ચરણ

ક્યાંક મંઝિલ ધારશે : થાકી ગયા

 

મંઝિલને આપણી ક્ષમતા વિશે શંકા જાય એ પહેલાં આપણે હાલતાં-ચાલતાં, દેખતાં-ભાળતાં, જોતાં-વિચારતાં છીએ એ પુરવાર કરવું પડે. ટાંચાં સાધનો સાથે જિંદગી વિતાવી શકાય, જીવી ન શકાય. મંઝિલ કેટલી દુષ્કર છે એના આધારે માર્ગ પસંદ કરવો પડે. કેટલાક પુણ્યાત્મા એવા હોય છે કે જો એ થાકી જાય તો ભગવાન ખુદ ગોઠવણો કરી આપે છે. આદિલ મન્સૂરીનો શેર છે :

 

થાકીને બેસી પડે જો માર્ગમાં દરવેશ તો

મંઝિલો આવીને એના પગ દબાવી જાય છે

 

આવું નસીબ બહુ ઓછાનું હોય. ગિરનાર ચડીને આવો પછી પગના ગોટલા અચાનક વયસ્ક લાગવા માંડે તો એનો થાક ઉતારવા માલિશની સુવિધા ઉપલબ્ધ છે. પૈસા ચૂકવીને આ કામ કરાવી શકાય, પણ પગેરું તો જાતે જ શોધવું પડે. શું કામ જન્મ્યા, શું કરવા જન્મ્યા, પછી ક્યાં કશું એવા યુગોથી પીડતા પ્રશ્નોનો જવાબ વ્યક્તિગત રીતે શોધવાનો હોય છે. દિલહર સંઘવી એક આશ્વાસન શોધે છે :

 

નથી કંઈ માગણી મારી કે પહોંચાડી દે મંઝિલ ઉપર

ફક્ત એ ખાતરી દઈ દે કે હું સાચી દિશામાં છું

 

રસ્તાની જાણ ન હોય ત્યારે સરનામું દૂર લાગવા લાગે છે. અનેક ગલીકૂંચીઓમાંથી વળતાં-વળતાં આપણે કુંજગલીમાં પહોંચવાનું છે. દરેકની કુંજગલીની કલ્પના જુદી હોય અને એ મેળવવા માટેનો પુરુષાર્થ પણ જુદો. બાલુભાઈ પટેલ હકીકત બયાં કરે છે :

 

કોઈને પણ ક્યાં મળી છે મંઝિલો

કોઈ પણ અવરોધ કે અડચણ વિના

 

મંઝિલે પહોંચતાં પહેલાં પ્રવાસ કરવો પડે. આ પ્રવાસ જો યાત્રા બને તો જિંદગીને અર્થ પણ મળે અને આયામ પણ. મંઝિલ આપણને અનેક સ્તર પર રમાડે છે. એને નિિત કરવામાં જ અડધી જિંદગી વીતી જાય અને બાકીની જિંદગી એને મેળવવામાં. એક પ્રવૃત્તિ પાછળ ત્રીસેક વર્ષ આપ્યાં હોય અને પછી રિયલાઇઝ થાય કે આ તો વર્ષો વેડફી નાખ્યાં. પછી એકડેએકથી શરૂ કરવું પડે ત્યારે મરીઝના શબ્દો આશ્વાસનમાં કામ લાગે :

 

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને

મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ

 

પ્રવાસની જિંદગીનો અર્થ છે અને મંઝિલે પહોંચવું જિંદગીનું લક્ષ્ય છે. લક્ષ્ય પામવામાં અર્થ ભૂલી જવાય છે. માથેરાન જતા હો કે મનાલી, ત્યાં પહોંચીએ એટલે પ્રવાસ શરૂ ન થાય. ઘરથી બહાર નીકળેલું પહેલું પગલું પ્રવાસની શરૂઆત હોય છે. મરીઝના મિજાજ સાથે સૂર પુરાવતો સગીરનો શેર છે :

 

મંઝિલ ભલે મળે ન મળે રાહબર! મને

પણ પંથ ચાલવામાં મઝા હોવી જોઈએ

 

મંઝિલની મહત્તા હોય અને પ્રવાસનો આનંદ હોય. બધા આ આનંદ લૂંટી નથી શકતા. કેટલાક વિચલિત થઈ જાય છે. કેટલાક ઓસરી જાય છે. કેટલાક બદલાઈ જાય છે. કેટલાક ફંટાઈ જાય છે. બેફામસાહેબ નમþતાથી કબૂલ કરે છે :

 

મંઝિલે પહોંચું નહીં તો દોષ ના દેશો મને

હું તો કેવળ માર્ગ છું, ફંટાઈ પણ જાઉં કદાચ

 

જિંદગીના રસ્તા જુદા હોય અને પ્રેમના રસ્તા જુદા. અમેરિકાના શાયર પ્રેમને દરિયાપારનો અર્થ આપે છે.

 

પ્રેમમાં હોતી નથી મંઝિલ કશી

બસ સતત પ્રવાસ જેવું હોય છે

 

કેટલીક વાર મંઝિલની લાલસા તમને મૂળથી પણ ઉખાડી શકે છે. રવિ ઉપાધ્યાયનો વિચ્છેદની વેદનાને વાચા આપતો શેર છે :

 

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે

છોડી જૂનું વતન નવી નગરી જવું પડે

 

ક્યા બાત હૈ


મંઝિલ નજીક આવતાં થાકી જશું અમે

બેચાર ડગ હશે ને તમે યાદ આવશો

- રસિક મેઘાણી

 

અંત રસ્તાઓનો આવે છે ‘નકાબ’

લાગે છે મંઝિલ ઉપર પહોંચી ગયો

- સતીશ નકાબ

 

હે પથિક! મંઝિલ મળે કે ના મળે

રાહથી પાછા કદી વળવું નથી

- ગણપત પરમાર

 

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ

હસ્તરેખામાં વિચરતા હોય છે

- કુમાર જૈમિની શાસ્ત્રી

 

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો

મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો

- શ્યામ સાધુ

 

તમે ચાંદ-સૂરજ તરફ દોટ મૂકી

અમારી છે મંઝિલ હૃદયની દિશાઓ

- અઝીઝ ટંકારવી