ત્યાં-ત્યાં નિશાની આપની

22 December, 2012 11:13 AM IST  | 

ત્યાં-ત્યાં નિશાની આપની





(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

હીરોની નિશાનીરૂપે હિરોઇનના હાથમાં રહી ગયેલી વીંટી અને સતત સાથે વિતાવેલા સમયની યાદ અપાવતી રહે. હનુમાન સીતાજીને મળવા આવે છે ત્યારે સીતાજી રામ માટે રત્ન નિશાની તરીકે મોકલે છે. પહેલી મુલાકાતમાં પ્રિયજનને અપાતું ગુલાબનું ફૂલ પ્રેમની નિશાની છે. શૂન્ય પાલનપુરી અર્ઝ કરે છે :

તું શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે

રાખે છે હૃદય પર કોરી ને રંગીન નિશાની ફૂલોની


કવિતાના રૂપનું ઘેલું તો કલાપીએ લગાડ્યું હતું. નાની ઉંમરે અઢળક આપી જનાર કલાપીની સૌંદર્યસૃષ્ટિ ગજબની વિસ્તરે છે.

માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની


ફૂલોમાં પ્રિયજનને જોઈ શકતી આંખો અનાયાસે સુગંધ પહેરી શકે છે. બગીચો ભરીને બેઠેલી આંખોને ઠંડા પાણીથી આંખ ધોઈ નાખો તોય દૃશ્ય ધોવાતું નથી. માશૂકના ગાલની લાલીને એક અલગ જ દૃષ્ટિથી જોવાનું બેફામસાહેબ પસંદ કરે છે અને સણસણતું અવલોકન શેરમાં પરોવે છે.

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે

તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી!


લાલી અને સૂઝન વચ્ચેનું અંતર અનુભવી આંખ જ પારખી શકે. રંગ ભલે બન્નેના લાલ હોય, પણ લાલીમાં હર્ષ હોય અને સૂઝનમાં પીડા. કોઈની સણસણતી થપ્પડ ગાલ પર રસીદ થઈ હોય અને તેની નિશાની લાંબો સમય સચવાય તો ગાલને નીચાજોણું થાય. છુપાવી-છુપાવીને બિચારો ગાલ કેટલું છુપાવી શકે. ચહેરા પર ઊપસેલી આંગળાંની છાપ ઘણા સંકેત ઊપસાવે છે. કેટલાક સંકેત સુંવાળા પણ હોય છે. મહેન્દ્ર સમીર તેનો અહેસાસ કરાવે છે.

અહો, રુદન અમારા છુપાયા ન રાતથી

ઝાકળરૂપે નિશાની સવારે રહી ગઈ!


ફૂલ પર બિરાજમાન થતાં પાણીનાં ટીપાંને જો ઝાકળ કહેવાય તો ગાલ પર સરકતાં આંસુનાં ટીપાંને શું કહેવાય? કેટલાંક આંસુ વહેતાં નથી. કેટલીક નિશાની દેખાતી નથી. કેટલીક દેખાય તો ઓળખાતી નથી. નાનપણમાં જે ભમરડાથી રમતા હોઈએ એ અચાનક ત્રીસેક વર્ષ પછી ભંડકિયામાંથી જડી આવે ત્યારે આંગળીઓ પર આપોઆપ દોરી વીંટળાઈ વળે. જે લખોટીમાંથી આખા આકાશને આરપાર જોવાની રમત ચાલતી હતી એ મળી આવે ત્યારે આંખો તરત નેમ લેવા માંડે. કોડી, પાંચીકા વગેરે નિશાનીઓ બાળપણને મૂર્તિમંત કરે છે. વસ્તુ ભલે મામૂલી હોય પણ એ જ્યારે યાદ બને ત્યારે એની વૅલ્યુ રૂપિયામાં આંકી શકાતી નથી. ભૂતકાળને સાચવીને બેઠેલી વસ્તુ પ્લૅટિનમ જ્વેલરી કરતાં પણ વધારે કીમતી હોય છે. જો એ ખોઈ નાખો તો આવો વસવસો કરવાનો વારો આવી શકે.

બાળપણની એક નિશાની જતી રહી હાથથી

ગામનું એ ઘર અમે વેચી દીધું ફળિયા સમેત

બાપદાદાઓની નિશાની જેવા ખોરડા હવે ગામમાં શ્વસતા નથી. માણસ રહેતા ન હોય એ ખોરડાને ખંડેર બનવા વાર લાગતી નથી. નવી પેઢીને આવી નિશાનીઓમાં રસ નથી રહ્યો, કારણ કે તેમનાં નિશાન જુદાં છે. મતદાન કર્યા પછી નખ પર મુકાતી કાળા ટપકાની નિશાની લિક્વિડ રબર સ્ટૅમ્પની ગરજ સારે છે. શાંત બેઠેલા નખ વીફરે તો લોહી નીકળતાં વાર નથી લાગતી. ચિનુ મોદી નવી જ અર્થછાયા આપે છે.

આંસુ ઉપર કોના નખની થઈ નિશાની

ઇચ્છાને હાથપગ છે એ વાત આજે જાણી

ઇચ્છાઓ પાસે કહેવા જેવું ઓછું અને કરવા જેવું વધારે હોય છે. નરગિસ અને રાજકપૂર પર ફિલ્માવાયેલા સદાબહાર ગીતમાં એક પંક્તિ આવે છે : ફિર ભી રહેગી નિશાનિયાં. નોટબુકનાં બે પાનાં વચ્ચે ચીમળાયેલી પડેલી ગુલાબની પાંખડીઓ પર બેસેલું સમયનું પતંગિયું પાંખો ફફડાવતું હોય છે. મોરપિચ્છમાં છુપાયેલા ટહુકા પાનું ખોલતાં જ સામા મળી આવે છે. સંબોધન પર અટકી ગયેલો પત્ર ટૂંટિયું વાળીને મેજના ખાનામાં પડ્યો રહે છે. સંવેદનોની નિશાની ગોતી શકાય, પણ વાત ઈશ્વરની આવે તો શું કરો? કવિ ઊર્મિની આ અપેક્ષા અસ્થાને નથી.

તારી હયાતીની મને કોઈ નિશાની દે

ઈશ્વર મને જ શોધે તું, એ જિંદગાની


ક્યા બાત હૈ

શું આપું નિશાનીરૂપે?

પહેલી વારનો સ્પર્શ!

પ્રતીક્ષારત ઉજાગરો!

આંખમાં અંજાતાં ગુલાબી સપનાં!

કદાચ તું આ બધું નહીં સ્વીકારે

એટલે આપું છું એક ઘડિયાળ

તું પહેરશે

તો થોડાં વરસો હું સચવાઈ રહીશ.