દીવાનગીની દોલત

06 November, 2011 12:48 AM IST  | 

દીવાનગીની દોલત



(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

 


દીવાનગી જ પ્રેમની એક સાચી રીત છે
બીજું તો તારા રાહમાં ખોટું ગણિત છે


દીવાનગી એ તલસાટના ઉચ્ચ તબક્કામાં મળતું અવ્યાવહારિક ઇનામ છે. દુનિયાને આવું ઇનામ આપવામાં અને ઇનામ જીતનાર વ્યક્તિમાં બહુ રસ પડે છે. પ્રેમીઓના બાયોડેટામાં દીવાનગી નામની પદવી આપમેળે ઉમેરાઈ જાય છે. પ્રેમની યુનિવર્સિટીમાં સ્નેહનો સિલેબસ જેને આવડી જાય તેમને ગૌરાંગ ઠાકરનો આ શેર બરાબર બંધબેસે છે.

તારા સુધી જવા મને પરવાનગી હતી
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી

આ યોગ્યતા મેળવવા પ્રયાસ કરવો પડે. વીસીના તબક્કામાં પાંગરતો પ્રેમ દીવાનગીને ફેસ ટુ ફેસ ઓળખે એટલો આત્મીય હોય છે. અને ભરચક રસ્તામાં હાથમાં હાથ પરોવી ચાલતાં શરમ નડતી નથી. ભિડાયેલા હાથ એક કમિટમેન્ટની લાગણી નિર્માણ કરે છે. વિશ્વાસ ઓછો હોય તો પકડ ઢીલી હશે. પકડ સાબૂત હોય ત્યારે બેફામસાહેબનો આ શેર કૉલેજની બહાર વિનાસંકોચે ભજવાતો દેખાશે.

હતા દીવાનગી ઉપર સમજદારીના પરદાઓ
તને પૂછી રહ્યો છું હું તને મળવાના રસ્તાઓ

મંજિલ સુધી પહોંચવું હોય તો જોખમ ખેડવું પડે. આ જોખમ અનિશ્ચિત ભવિષ્યનું હોઈ શકે. આ જોખમ સંબંધ ક્લિક થશે કે નહીં એનું હોઈ શકે. આ જોખમ પરિવારના લોકો સ્વીકારશે કે નહીં એનું હોઈ શકે. જોખમ લીધા વગર પૂજા થાય, પ્રેમ નહીં. પરિસ્થિતિમાં ધુમ્મસ હોય તો પણ એ ધીરે-ધીરે વીખરાય એ પ્રક્રિયાની મજા છે. પછી જ મરીઝની જેમ આ હકીકત સમજાય.

દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે
જાણી ગયાં બધાં કે મુજને તુજથી પ્યાર છે

લોકો જાણી જાય ત્યાં સુધી વાંધો નથી, પણ લોકો તાણી જાય ત્યારે સંભાળવું પડે. પોતાના નિષ્ફળ અનુભવો બયાં કરી કોઈ નિરુત્સાહ કરી મૂકે ત્યારે સાચી દરકાર છે કે નહીં એ ચકાસી લેવું પડે.

દીવાનગી જ્યારે મન પર સવાર થઈ જાય ત્યારે રાત્રે પણ સૂરજ દેખાય અને દિવસે પણ તારા દેખાય. અરીસામાં વારંવાર જોયા કરતી આંખો પ્રતિબિંબમાં કોઈ બીજા ચહેરાને શોધ્યા કરે. દીવાનગીને દેખાવ કરવામાં રસ નથી હતો. એને આકાશમાં આકાશ નથી લાગતું અને નદી નદી નથી લાગતી. અસ્તિત્વ ઓગળવા લાગે ત્યારે આ અવસ્થા પ્રાપ્ત થતી હોય છે. તીવ્રતા એ દીવાનગીનો આઇએસઆઇ માર્ક છે. આ માર્ક વિનાની દીવાનગીમાં શાણપણ છુપાયેલું હોય છે. આંકડાઓ ભૂંસી નાખો એ પછી મળતી અવસ્થામાં અદમ ટંકારવી જેવો અહેસાસ થવો જોઈએ.

ઘર શૂન્ય ગામ શૂન્ય ને પિનકોડ શૂન્ય શૂન્ય
દીવાનગીનું તો ક્યાં કશું નામઠામ છે

સરનામું ભૂલી જવા જેટલા ઓતપ્રોત કોઈમાં થઈ જઈએ એ એક મોટી ઉપલબ્ધિ છે. આ ધ્યાનની જ એક રીત છે. વિઝિટિંગ-કાર્ડમાં છાપેલી ડિગ્રીઓ સાથે દીવાનગીનો કોઈ મેળ બેસતો નથી. પ્રેમની ગલીઓમાં જાસૂસ જેવા સંબંધોને પાર કરીને જુઓ ત્યારે ઇચ્છિત ઘર તમને મળે. અમૃત ઘાયલની તપાસમાં આ હકીકત સામે ઊભરીને આવે છે.

જોયું પગેરું કાઢી મહોબ્બતનું આજ તો
એના સગડ દીવાનગીના ઘર સુધી ગયા

બહુ ડાહ્યા માણસો બહુ એકલા પડી જાય છે. થોડી સમજણ સાથે થોડી નર્દિોષતા, થોડું વિસ્મય અને થોડી દીવાનગી હોય તો જિંદગી હળવીફૂલ લાગે. નામનો અને પદનો ભાર લઈ ફરનાર લોકોને સ્ટેટસની સમજણ ને ઈગોનું વળગણ એટલી હદે હોય છે કે તેઓ એની પકડમાંથી છૂટી શકતા નથી. એટલે જ ગની દહીંવાળાનો આ અનુભવ ગાંઠે બાંધવા જેવો છે.

ગની દીવાનગીનું એટલું સૌજન્ય સ્વીકારો
કે એણે જિંદગીને કંઈક અંશે બેફિકર રાખી

ક્યા બાત હૈ

મારી દીવાનગીની ચર્ચા બધે થવાની
કારણ તરીકે તું પણ મશહૂર થઈ જવાની

સ્મરણો ને સાંજ સાથે હું સૂર્ય જેમ સળગું
પ્રાચી બની પ્રશંસા તો તું જ પામવાની

તારી હરેક પળમાં મારી જુએ નિશાની
તો વાત યાદ કરજે સુગંધ ને હવાની

સાગર બની હું ખળભળું ને બર્ફ જેમ પીગળું
ત્યારે જ તું સરિતા સુજલામ લાગવાની

મારી કથા વચાળે વિરામચિહ્ન માફક
પ્રત્યેક વાક્યમાં તું, બસ તું જ આવવાની

- વિજય રાજ્યગુરુ