ચલો દિવાળી ઝળહળ કરીએ

22 October, 2011 06:23 PM IST  | 

ચલો દિવાળી ઝળહળ કરીએ

 

(અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા)

બદલાતા વર્ષને આપણે તહેવાર સાથે જોડીને જિંદગીને થોડોક વિરામ આપીએ છીએ. બરોડાના શાયર ભરત ભટ્ટ ‘પવન’ અવસરને અજવાળું આપે છે.

કોડિયામાં રાત અજવાળી હતી
બારસાખો એટલે કાળી હતી
અવસરો આ ઓટલે વરસોવરસ
ગોખલામાં સ્હેજ દિવાળી હતી


નાનકડા ગોખલામાં મૂકેલા નાનકડા કોડિયામાં ઘરને રોશન કરવાની ક્ષમતા છે. સૂર્ય સાથે જેની કોઈ સરખામણી ન થઈ શકે એવા કોડિયાની શક્તિ જ્યોતમાં પ્રગટે ત્યારે ખ્યાલ આવે કે નાનામાં મોટા થવાની અપાર શક્તિ પડેલી છે, જરૂર છે માત્ર એને ઓળખવાની. માટીના કોડિયામાં રૂની દિવેટને તેલમાં ઝબોળી તેજને આવકાવાનું કામ દીવાસળી પાસે કરાવવાનું છે. જે દીવાસળી આગ ચાંપી શકે એ જ દીવાસળી જ્યોત પણ પ્રગટાવી શકે. કોની પાસે કયું કામ લેવું એ આપણી નિસ્બત અને દાનત પર નર્ભિર છે. બેમાંથી એક જણની નિષ્ઠામાં ઓટ આવે ત્યારે વિવેક કાણેની જેમ સ્પષ્ટ થઈ જવું પડે.

ઓછો પડે પ્રકાશ તો એ તારો પ્રશ્ન છે
બન્ને તરફથી પેટવું મારાથી નહીં બને

ઘરના ઉંબર પર મૂકેલો દીવો જેટલો પ્રકાશ ઘરમાં પાથરે છે એટલો જ પ્રકાશ આંગણામાં પાથરે છે. એને કોઈ પક્ષપાત નથી. એનું કામ છે ઝળહળવાનું. દિવાળીમાં આપણે પણ ઝળહળવાનું હોય છે પરિવાર સાથે, પ્રિયજન સાથે. પણ જેઓ એકલા છે તેમના માટે પરિસ્થિતિ જુદી હોય છે. અશોક ચાવડા ‘બેદિલ’ની જેમ તેમણે નમ્રપણે આવી વિનંતી કોઈકને કરવી પડે.

મારી જ જેમ જર્જરિત છે બારસાખ પણ
રોકાઈ જાવ આજ ઘર, દીવો કરી જુઓ


દિવાળી માત્ર દીવા પૂરતી સીમિત નથી. દીવો તો એક પ્રતીક છે. મૂળ વાત આનંદની છે. આપણી અંદરની પીડાને શામવાનો આ તહેવાર છે. છતાં વિષાદ જો વકરી ગયો હોય તો એને નાના બાળકની જેમ છાનો રાખવાનું અઘરું કામ બધાના વશની વાત નથી. મનોજ ખંડેરિયા લખે છે.

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ


પહેલાંના સમયમાં દિવાળીની પૂર્વતૈયારી પંદરેક દિવસ પહેલાં શરૂ થઈ જતી. ઘર સાફ કરવાથી માંડીને, નવાં કપડાં સિવડાવવા ને ઘરની દીવાલને સફેદીથી ધોળવાનો ઉપક્રમ રહેતો. દિવાળી એ ઘર અને જાત, બન્ને માટે રિનોવેશનનો તહેવાર. દિવાળી એ રામના આગમન અને રાવણ પરના વિજયનું પર્વ છે. ભગવાન મહાવીરે મેળવેલા નિર્વાણનું પ્રતીક છે.

તહેવારની ઉજવણીમાં દાર્શનિકતાને બદલે દેખાદેખીનો પ્રવેશ થાય ત્યારે મામલો બગડે છે. પડોશીની ટૂ બીએચકે સમૃદ્ધિને ઝાંખો પાડવાનો પ્રયત્ન જો આપણાં વન રૂમ-કિચન કરતાં હોય તો ખલીલ ધનતેજવીનો આ શૅર મનમાં ઉતારવા જેવો છે.

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળાં ન કર


જેટલું પોસાય એટલું ઊજવાય. જે વ્યક્તિ બોનસના પૈસા ફટાકડામાં ઉડાડી દે છે તેની સિલકમાં ધુમાડા સિવાય કંઈ બચતું નથી. દસ હજારની લૂમ ફોડવાથી અવાજની જે ધમાચકડી થાય છે એટલા પૈસામાં ગરીબનાં ડૂસકાંને થોડાક દિવસ ખાળી શકાય. ચોપડાપૂજનની સાથે ચોપડીપૂજન કરતાં શીખી જઈએ તો આંખોને સમજણનો મોતિયો નહીં આવે. નવા વર્ષને આવકારતા આ તહેવાર માટે હેમેન શાહ નર્દિેશિત એક હકીકત ગમે કે ન ગમે, સ્વીકારવી તો પડશે.

જે નવા વર્ષે અટલ સંકલ્પ બનતો હોય છે
થાય છે એનો પરાજય વર્ષના વચલા દિને


ક્યા બાત હૈ!

દિલના દીપ જલાઓ
પ્રકાશનું આ પર્વ પનોતું, દિલના દીપ જલાઓ
અંતરનાં અંતર ઓળંગી, એક થઈ સૌ ગાઓ
સહુના સુખની કરી કામના, જગમંગલ સહુ ગાઓ
કલહ અને કંકાસો ભૂલી, સૌને ગળે લગાઓ
હોઠ ઉપર બે શબ્દો આજે સાલ મુબારક લાઓ
ઊગે સુખનાં ગુલાબ અહીંયાં, દુ:ખના કાંટા સાથે
માગું છું બસ, પ્રભુ આપજે, પ્રસન્નતા સંગાથે
સત્ય અને સંતોષની જગમાં નવી ઉષા પ્રગટાવો
અશ્રુ લૂછો રંકતણાં જ્યાં ટંક ટંકના સાંસા
જેનું કોઈ નથી દુનિયામાં, આપો જઈ દિલાસા
રૂંધાયેલા કંઠોમાંથી ગાન નવાં રેલાવો

- મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ (બંધુત્રિપુટી)