લખનવી શેરવાની અનારકલી કુરતા જુઓ, વરરાજાનો રજવાડી ઠાઠ

04 May, 2019 01:41 PM IST  |  | અર્પણા શિરીષ- શાદી મેં ઝરૂર આના

લખનવી શેરવાની અનારકલી કુરતા જુઓ, વરરાજાનો રજવાડી ઠાઠ

વરરાજાનો રજવાડી ઠાઠ

લગ્નમાં દુલ્હનને જ શૉપિંગ કરવામાં અને તૈયાર થવામાં ખૂબ સમય, અને ખૂબ મોટું બજેટ લાગે એ વાત હવે જૂની થઈ. દુલ્હાભાઈ પણ કંઈ પાછળ નથી. વધતા જતા ડિઝાઇનરોને પગલે હવે ગ્રૂમવેરમાં પણ રોજ નવી વેરાઇટીઓ ઉમેરાતી જાય છે. રણવીર સિંહના અનારકલી જેવા ઘેરવાળા કુરતા હોય, કે પછી પહેલાંના જમાનામાં રાજાઓ પહેરતા એવા જરીના પોશાક. આજકાલ છોકરાઓ પણ પોતાનાં લગ્નનાં કપડાંમાં નવા પ્રયોગો કરવા લાગ્યા છે. આ સીઝનમાં ઇન થિંગ શું છે એ જાણીએ.

શેરવાની

લગ્નમાં દુલ્હા માટેની ખાસ એવી શેરવાનીમાં આ વર્ષે કેવા ટ્રેન્ડ છે એ વિશે જાણીતા ડિઝાઇનર હિરલ ખત્રી કહે છે, ‘આ વર્ષે લખનવી વર્કની શેરવાની ખૂબ ચાલી રહી છે. આવી શેરવાનીમાં દોરાથી હેવી ચિકનકારી એમ્બ્રોઇડરી કરવામાં આવે છે. એ સિવાય જ્યૉર્જે‍ટ, રો સિલ્ક જેવા ફૅબ્રિકમાંથી બનેલી બુટ્ટા અને હેવી વર્ક કરેલી કલરફુલ શેરવાની લોકો વધુ પસંદ કરી રહ્યા છે. પ્રિન્ટેડ અને એમ્બ્રોઇડરી વર્ક બન્ને ચાલી રહ્યું છે. લખનવી કુરતામાં થોડું-ઘણું બીજું ચમકીલું કામ ઉમેરીને બનાવવામાં આવેલી શેરવાની સુંદર લાગે છે. લખનવી સિવાય રૉયલ લુક આપતી ઘેરવાળા કુરતાની શેરવાની પણ હવે લોકો પહેરી રહ્યા છે. આને અનારકલી શેરવાની પણ કહી શકાય. આવી શેરવાની સાથે બૉટમમાં ચૂડીદાર પહેરવામાં આવે છે.

ક્રીએટિવ હેમલાઇન

શેરવાનીનો નીચેનો ભાગ સીધો જ હોવો જોઈએ એવું જરૂરી નથી. હવે દુલ્હાઓ ક્લાસિક અને મૉડર્નનો સમન્વય એવા અનઇવન કટ પણ પસંદ કરી રહ્યા છે, જેમાં બે સાઇડને બદલે એક જ સાઇડ કટ હોય અથવા એક સાઇડ લાંબી અને બીજી સાઇડ ટૂંકી હોય, એ પ્રકારનું ક્રીએટિવ કામ કરવામાં આવે છે. હવે સિમ્પલ ચીજો આઉટ અને સ્ટાઇલિશ ચીજો વધુ પસંદ કરાઈ રહી છે એવું કહી શકાય. પ્લેટિંગવાળા કુરતા પણ આ વખતે ચાલી રહ્યા છે. એ સિવાય હેમલાઇનમાં થોડું વધુ ફૅબ્રિક ડ્રેપ સ્ટાઇલમાં દેખાય એવા કાઉલ કુરતા પણ ઇન છે. બૉટમમાં ચૂડીદાર સલવાર અથવા પેશાવરી મૅચ કરી શકાય.

ફ્લોરલ ફીવર

હળવા રંગોનાં ફૂલો-ફૂલોવાળાં કપડાં ઓ જ પહેરે અને ગર્લિશ લાગે, એવું આજ સુધી માનવામાં આવતું હતું. જોકે છેલ્લા એકાદ બે વર્ષથી પુરુષોમાં પણ ફ્લોરલ પ્રિન્ટ હિટ બની છે. સંગીત અને મેંદી સેરેમની વખતે ફ્લોરલ કુરતા અને જૅકેટ્સ પહેરવામાં આવે છે. ફ્લોરલ ફૂલ સ્લીવ જૅકેટ પણ સારાં લાગે છે. અહીં વધુ માહિતી આપતાં હિરલભાઈ કહે છે, ‘આજે ફૂલ-પત્તી જેવી પ્રિન્ટવાળા કુરતા અને નેહરુ જૅકેટ યુવકો પસંદ કરે છે, અને એ લગ્નના પ્રસંગમાં સારા પણ લાગે છે. આવા કુરતાઓ જામેવાર, રો સિલ્ક, જ્યૉર્જે‍ટ વગેરે ફૅબ્રિકમાંથી બનાવવામાં આવે છે. ફ્લોરલ સિવાય હાથી અને બર્ડની પ્રિન્ટવાળા નેહરુ જૅકેટ પણ ખૂબ ચાલી રહ્યાં છે.’

કલર કૉ-ઓર્ડિનેશન

ગ્રૂમ વેઅરમાં વધુ કરીને વાઇટ, બેજ, ક્રીમ, મરૂન વગેરે રંગો પસંદ કરવામાં આવે છે. જોકે હવે જમાનો છે ટ્વિનિંગનો. આવામાં પોતાની દુલ્હન સાથે મૅચ કરવા માટે દુલ્હેરાજા પણ પીચ, ગ્રીન, યલો, પિંક જેવા પેસ્ટલ શેડની શેરવાની પસંદ કરી રહ્યા છે.

રિસેપ્શન વેઅર

રિસેપ્શન માટે ફૉર્મલ ટક્સેડો સદાબહાર છે. હિરલભાઈ કહે છે, ‘રિસેપ્શનમાં આજે પણ યુવકો ટાઈ અથવા બો સાથે રિચ ફૅબ્રિકમાં બનેલો સૂટ પહેરવાનું પસંદ કરે છે. કેટલાક લોકો ઇન્ડો-વેસ્ટર્ન પણ પહેરે છે, જેમાં જોધપુરી સરસ લાગે છે. અહીં દુલ્હનનાં ગાઉન અથવા લહેંગા સાથે મૅચ કરવા માટે બ્લેઝરની અંદર શર્ટનો રંગ દુલ્હનનાં કપડાંના રંગ સાથે મૅચ કરવામાં આવે છે.’

આ પણ વાંચો: લગ્ન પછી પ્રત્યેક સ્ત્રીને પુછાતો યુનિવર્સલ પ્રશ્ન: ગુડ ન્યુઝ ક્યારે આપો છો?

 દુપટ્ટા શાલ અને કમરપટ્ટો

શેરવાની સાથે આજકાલ હેવી ર્બોડરવાળી પશ્મિના શાલ અથવા દુપટ્ટો ખભે રાખવાનો ટ્રેન્ડ છે. આ પ્રકારની શાલ શેરવાની અને અંગરખા કુરતા સાથે સારી લાગે છે. એ સિવાય અનારકલી પૅટર્નના ઘેરવાળા કુરતા સાથે લગ્નમાં રાજા રજવાડાંઓ બાંધતાં એવો મૅચિંગ કમર-પટ્ટો બાંધવાનો પણ ટ્રેન્ડ આવ્યો છે, જે ચૂડીદાર કુરતો, શાલ, અને સાફા સાથે નવાબી લુક આપે છે.

ranveer singh