અણ્ણા હઝારે ફંટાઈ ગયા?

24 October, 2011 03:16 PM IST  | 

અણ્ણા હઝારે ફંટાઈ ગયા?



ના, અણ્ણા હઝારે તેમના મિશનમાંથી જરાય ફંટાયા નથી. બીજેપીના ઉમેદવારને જિતાડવા તેમણે હિસારમાં લોકોને એમ નહોતું કહ્યું કે કૉન્ગ્રેસને મત ન આપતા. ઘરમાં જેમ કંઈ થાય તો ઘરની વ્યક્તિ કહી દે કે હું ભૂખ્યો રહીશ પણ આ નહીં કરું એમ આ તેમનો ગુસ્સો હતો. ભ્રષ્ટાચારનાબૂદી માટે જે પગલાં લેવાનાં છે એ કૉન્ગ્રેસ સરકાર નથી લઈ રહી એટલે કૉન્ગ્રેસને મત ન આપવા તેમણે કહ્યું. ત્યારે જો બીજેપીની સરકાર હોત તો એને પણ કહ્યું હોત. તેમને તો લોકોનું સારું કરવું છે. અહીં તેમનો ઉદ્દેશ એ જ છે કે જેણે કામ નથી કર્યું એન વોટ ન આપો. તેઓ પૉલિટિશ્યન નથી કે શબ્દો માપી-તોલીને બોલે.

સરિતા જોશી,  ઍક્ટ્રૅસ

ના, મને નથી લાગતું કે અણ્ણા હઝારેનું મિશન ફંટાઈ ગયું છે. તેમણે હિસારમાં કે બીજે ક્યાંય એમ કહ્યું હોત કે પર્ટિક્યુલર પાર્ટીને જ મત આપો તો લાગ્યું હોત કે તેમનું મિશન ફંટાયું છે, પરંતુ તેમનું કહેવું છે કે જનલોકપાલ બિલ માટે સર્પોટ ન આપે એને મત ન આપો. હિસારમાં પણ તેમણે એમ નથી કહ્યું કે આને વોટ આપો કે પેલાને. અણ્ણાપાર્ટી પૉલિટિક્સમાં જઈ રહી છે એવું મને નથી લાગતું. કૉન્ગ્રેસને વોટ ન આપવા કહેવા માટે ભ્રષ્ટાચાર સિવાયનું બીજું કોઈ કારણ તેમની પાસે નથી. કૉન્ગ્રેસ જો ગૅરન્ટી આપે કે જનલોકપાલ બિલ પાસ કરશે તો તેઓ કૉન્ગ્રેસને પણ કંઈ નહીં કહે.

શૈલેશ ગાંધી, રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટિવિસ્ટ

ના-ના, અણ્ણા હઝરેનું મિશન જરાય ફંટાયું નથી કે ભ્રષ્ટાચાર સામેની લડતનો તેમનો ઇન્ટરેસ્ટ ઓછો થયો હોય એવું પણ નથી. કૉન્ગ્રેસ લોકપાલ બિલને જલદી પસાર કરે એ માટે હિસારમાં તેમણે આવું કહ્યું હતું. તાજેતરમાં તેમણે એમ પણ કહ્યું હતું કે કૉન્ગ્રેસ બિલ પસાર કરશે તો અમે એને વોટ આપવા માટે પણ કહીશું. તેઓ પૉલિટિક્સમાં નથી અને આવશે પણ નહીં. તેમને એમાં રસ જ નથી. તેમની લડતનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચારનાબૂદી છે અને એના પર જ તેઓ કામ કરી રહ્યા છે. તેમનું આ મિશન બીજે ફંટાવા માટે કોઈ જ કારણ નથી.

દામજી ઍન્કરવાલા, બિઝનેસમૅન

હા, અણ્ણા હઝારેનું મિશન ફંટાઈ ગયું છે એવું લાગવા માટે પૂરતું કારણ છે. એ સાચું ભલે ન પણ હોય, પરંતુ એનાથી લોકોમાં ગેરસમજ થાય છે એટલે એ ન થાય એવાં પગલાં ભરવાં જરૂરી છે. ભ્રષ્ટાચારના મુદ્દે લડતી વ્યક્તિ એક પક્ષને મત ન આપવાનું કહે તો એ પૂર્વગ્રહપ્રેરિત લાગે. શું કૉન્ગ્રેસને વોટ ન આપવાથી ભ્રષ્ટાચાર ટળવાનો છે? મત કોને આપવો અને કોને ન આપવો એ સલાહ આપવાનું તેમનું કામ નથી. કૉન્ગ્રેસને હટાવવાથી ભ્રષ્ટાચાર હટશે? માત્ર પ્રામાણિક હોવું જ જરૂરી નથી, પ્રામાણિક દેખાવું ણ જરૂરી છે.

પ્રવીણ સોલંકી, નાટ્યકાર

જરા પણ નહીં. અણ્ણા હઝારેને નથી કોઈ પૉલિટિકલ પાર્ટી બનાવવી કે નથી કોઈ પાર્ટી સાથે જોડાવું. કિરણ બેદી, કેજરીવાલ વગેરે તેમની ટીમના લોકો પર કૉન્ગ્રેસે ૧૦ વરસ જૂના કેસ ઉખેળ્યા છે એ તેમનું નાક દબાવીને મોઢું ખોલાવવાની ક્રૂર નીતિ છે. કૉન્ગ્રેસ તેમની વિરુદ્ધમાં કંઈ પણ બોલી શકે એમ છે અને જરૂર પડે તો મરાવી પણ નાખે. આ બધી કૉન્ગ્રેસે ઊપજાવી કાઢેલી વાતો છે. વરસોથી તેઓ કામ કરી રહ્યા છે એટલે ધાર્યું હોત તો ક્યારના પૉલિટિક્સમાં આવી ગયા હોત. હવે આવવાનું કોઈ કારણ નથી. જોકે રાજકારણમાં તેમને આવવું જ નથી. અહીં યંગ લોકો આવે એ જરૂરી છે.

જયવંતીબહેન મહેતા, બીજેપીનાં નેતા

ના, જરાય નહીં. અણ્ણા હઝારે ભ્રષ્ટાચારની લડત સામે પોતે નક્કી કરેલા માર્ગ પર જ છે. તેમનો માર્ગ જરાય ફંટાયો નથી. તેમના માટે જે લોકો આવી વાતો કરી રહ્યા છે તેમને એમ કહી શકાય કે જેવાં ચશ્માં પહેરીએ એવી દુનિયા દેખાય. તમે પીળા કલરનાં ચશ્માં પહેર્યા હોય તો દુનિયા પીળી દેખાય. જરૂર છે આપણી દૃષ્ટિને બદલવાની.

લોકો આંખોના જતન માટે ચશ્માં પહેરે છે, પણ અણ્ણા માટે જ્યારે આવું કહેવાઈ રહ્યું છે ત્યારે એ નક્કી કે આપણે આંખ (દૃષ્ટિ) જ ખોઈ નાખી છે. રાજકારણમાં તેમને જરાય રસ નથી એ સ્પષ્ટ છે. તેથી જ તેઓ પૉલિટિક્સ તરફ જઈ રહ્યા છે એ વાત જરાય સાચી નથી.

ડૉ. સુધા વ્યાસ, સોમૈયા કૉલેજનાં પ્રિન્સિપાલ