તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની-3

26 January, 2019 02:36 PM IST  |  | રુચિતા શાહ

તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની-3

શહીદ જવાનોના મુબઈમાં વસતાં પરિવારો કહે છે....

ઘાવ તાજો હોય કે જૂનો, એની તીવ્રતા અકબંધ રહે છે જ્યારે એમાં વાત સ્વજનની આવતી હોય. કાશ્મીરના કુપવાડામાં 2000ની સાલમાં પોતાના દીકરા લેફ્ટનન્ટ નવાંગ કાપડિયાને આતંકી હુમલામાં ગુમાવનારાં મા-બાપ મીના અને હરીશ કાપડિયાની આંખો દીકરાની વાત કરતાં આજે પણ ભરાઈ જાય છે. ઘટના ભલે 18 વર્ષ પહેલાંની છે, પણ દીકરાને ખોવાનો ગમ સમયની ગર્તામાં ઘટે નહીં એ નિશ્ચિત છે. મૂળ કાપડના વેપારી હરીશ કાપડિયા અને આર્ટિસ્ટ તથા સોશ્યલ વર્કર તરીકે સક્રિય ગીતાબહેનના પરિવારમાં દૂર દૂર સુધી કોઈ આર્મીમાં નથી. તેમને બે દીકરાઓ છે. મોટો સોનમ પણ બૅન્કિંગ પ્રોફેશનમાં છે, પણ તેમનો નાનો દીકરો નવાંગ ખૂબ નાનો હતો ત્યારથી જ આર્મીમાં જવું છે એ નિશ્ચિત કરીને જ બેઠો હતો. ગીતાબહેન કહે છે, ‘લગભગ બે વર્ષનો હતો ત્યારથી તેણે ક્યારેય શર્ટ-પૅન્ટ સિવાયનાં કપડાં નથી પહેર્યાં. પગમાં હંમેશાં શૂઝ પહેરાવો તો જ બહાર આવે. આવી બાબતોમાં જીદ પકડતો. બે વર્ષના બાળકને આટલી સમજ પડતી એની મને નવાઈ લાગતી. મને યાદ છે એક વાર મારા સસરા બીજી રૂમમાં સૂતા હતા અને નવાંગ તેમના રૂમમાં ગાઢ અંધારા પછી પણ ગયો અને તેમની બાજુમાં બેડ પર જઈને સૂતો. તેના દાદાએ પૂછ્યું કે તને ડર ન લાગ્યો. તો લગભગ સાડાત્રણ વર્ષનો નવાંગ કહે, હું શું કામ ડરું? મારે તો તમારું પણ ધ્યાન રાખવાનું છે. ખબર નહીં કેવી રીતે પણ બધાને પ્રોટેક્ટ કરવાની જવાબદારી તેની છે એ વાત તેના મનમાં પહેલાથી જ હતી. તે આર્મીમાં જશે એ તેણે ખૂબ પહેલાંથી જ ફિક્સ કરી રાખ્યું હતું. અમે ધારતાં હતાં કે મોટો થશે તો ભૂલી જશે, પણ તેણે યાદ રાખ્યું અને એ જ માર્ગમાં આગળ પણ વધ્યો.’

નવાંગ કાપડિયા

લેફ્ટનન્ટ નવાંગ બનતાં પહેલાં જ તેનો આર્મી ઑફિસરો સાથે પિતાને કારણે પરિચય હતો. હરીશભાઈ કહે છે, ‘હકીકતમાં હું માઉન્ટેનિયરિંગ ઘણાં વષોર્થી કરું છું. સિયાચીન ઘણી વાર ચડી આવ્યો છું. એટલે ત્યાંના આર્મી રેજિમેન્ટના કેટલાક અધિકારીઓ મિત્ર બની ગયા હોય. એ વખતે નવાંગ સાથે હતો એટલે તેણે પણ એ લોકો સાથે ખૂબ વાતો કરી અને પોતે આગળ શું કરવું છે એનો રોડ મૅપ પણ તૈયાર કરી લીધો. અમે તેને રોકીશું નહીં એની તેને ખાતરી હતી. હું અને મારી પત્ની માનીએ છીએ કે પૂરતી ટ્રેઇનિંગ પછી તમે આર્મીમાં જાઓ કે કોઈ પણ ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરો તો કશું ખોટું નથી. નવાંગે ટ્રેઇનિંગ શરૂ કરી. અમને એમાં કોઈ જ વાંધો નહોતો.’

નવાંગ કાપડિયાના માતાપિતા

ટ્રેઇનિંગ પૂરી થઈ એટલે પહેલું જ પોસ્ટિંગ કાશ્મીરમાં આવ્યું. કુપવાડામાં જ્યાં તેમની છાવણી હતી ત્યાંથી તેઓ શિફ્ટ થઈ રહ્યા હતા. છેલ્લા રેકી રાઉન્ડમાં કોઈ બીજા ઑફિસરના બદલે નવાંગ ગયો અને આતંકવાદીઓ સાથે મૂઠભેડમાં તેને ગોળી વાગી ગઈ. ડ્યુટી જૉઇન કર્યાના 70 જ દિવસમાં એક ઉત્સાહી અને હોનહાર જવાન દેશ માટે કુરબાન થઈ ગયો. મીનાબહેન કહે છે, ‘સૌથી પહેલાં આ સમાચાર મારા દીકરાને મળ્યા હતા અને હું બહાર ગઈ હતી. મને સાંજે ખબર પડી. મારા હસબન્ડ દાર્જીલિંગ હતા ત્યાંથી તેઓ પાછા ફર્યા. એ સમયે આજ જેટલા મોબાઇલ ઍક્સેસેબલ નહોતા. નવાંગ પણ અમારો ત્યાંથી સૅટેલાઇટ ફોન મળે ત્યારે જ સંપર્ક કરી શકતો. એનો ઉત્સાહ સાતમા આસમાન પર હતો કે તેને કાશ્મીરમાં પોસ્ટિંગ મળી છે. અમને ડર લાગતો, પણ અમે એકેય ડરને મૃત્યુ સાથે જોડ્યો નહોતો, કારણ કે મરવાનું હોય તો માણસ ક્યાંય પણ મરી શકે છે; એના માટે સરહદ એક જ સેન્સિટિવ જગ્યા નથી. પરંતુ જ્યારે આ બન્યું ત્યારે અમે હચમચી ગયાં હતાં. મેં મારા દીકરાને કહ્યું હતું કે આવું ન થવું જોઈએ. આનું સોલ્યુશન શું? ત્યારે તેણે કહ્યું હતું, શાંતિ. પીસ એકમાત્ર આનું સોલ્યુશન છે જે હજી સુધી નથી આવી.’

આ પણ વાંચો : તુમ ભુલ ન જાઓ ઉનકો ઇસ લિએ સુનો યે કહાની 2

નવાંગે પોતાની મિલિટરીની આકરી અને થકવી નાખનારી ટ્રેઇનિંગ દરમ્યાનની ડાયરી લખી છે, જે તેમના પરિવારે વેબસાઇટ પર અપલોડ કરી છે. આ પરિવાર ત્યારે પણ હચમચી ગયો હતો જ્યારે નવાંગે પહેલાં પોસ્ટ કરેલા કેટલાક પત્રો તેના મૃત્યુના ચાર-પાંચ દિવસ પછી મળ્યા. હરીશભાઈ અને ગીતાબહેન કહે છે, ‘ઘરમાં બેસનારા લોકોને ખબર નથી કે આર્મીના જવાનો કેવી તકલીફો વેઠીને સરહદ પર જીવી રહ્યા છે. ઘણા લોકો યુદ્ધની વાત સામાન્ય વાતચીતમાં કરી દેતા હોય છે. તમને અંદાજ પણ છે કે એક યુદ્ધમાં કેટલા જવાનો શહીદ થાય છે અને કેટલા પરિવારો ઉજડી જાય છે? ધર્મ કે પાડોશી દેશ પ્રત્યેનું વૈમનસ્ય છોડીને માત્ર ને માત્ર આતંકવાદને ખતમ કરવાનો જ આપણો સામાન્ય લોકોનો પણ ટાર્ગેટ હોવો જોઈએ. યુદ્ધમાં અને સરહદ પર ઘણા પરિવારો બરબાદ થઈ જાય છે અને એની જાણ સામાન્ય લોકો સુધી નથી થતી. હું એવા અઢળક લોકોને ઓળખું છું જેઓ શહીદ થયા ત્યારે તેમનાં બાળકો ખૂબ નાનાં હતાં. એક આર્મીમૅનની વાઇફ તો ત્રણ મહિનાની પ્રેગ્નન્ટ હતી જ્યારે તેના પતિ શહીદ થયા. આ પરિવારોની હાલત આપણે કલ્પી શકીએ એમ નથી. કટ્ટરવાદ છોડીને શાંતિની દિશામાં આગળ વધો એ સૌ માટે જરૂરી છે.’

republic day weekend guide