બિગ બૅન્ગ: જિજીવિષા હશે તો જ સફળતા પામી શકાશે

17 November, 2019 01:06 PM IST  |  Mumbai | Bhavya Gandhi

બિગ બૅન્ગ: જિજીવિષા હશે તો જ સફળતા પામી શકાશે

પ્રતિકાત્મક તસવીર


‘નાઇન્થ સ્ટાન્ડર્ડમાં હું ફેલ થયો, એ દિવસ પછી મને સ્કૂલ જવાનું ક્યારેય મન થતું નહીં. પહેલા ચાર દિવસ તો હું સ્કૂલના ગેટ પરથી પાછો આવી જતો. ક્યાંય ભટકવા નહોતો જતો, પણ સીધો ઘરે જ આવતો. ઘરે પાછો આવેલો જોઈને મને મારા પેરન્ટ્સ સમજાવતા કે સ્કૂલ તો જવું પડશે અને આગળ ભણવું પણ પડશે. મારી હિંમત તૂટી ગઈ હતી. મને સ્કૂલથી ત્રાસ છૂટવા માંડ્યો હતો. નાઇન્થમાં ફેલ થયા પછી મને સ્કૂલ જવામાં અપમાન લાગતું હતું અને એટલે હું સ્કૂલ જવાનું તો ઠીક; સ્કૂલની બુક્સ, સ્કૂલ-બસ અને સ્કૂલ-બિલ્ડિંગ પણ યાદ કરવા નહોતો માગતો અને સામા પક્ષે, મને સ્કૂલ અને એની સાથે જોડાયેલી વાતો સિવાય બીજી કોઈ વાતનો વિચાર નહોતો આવતો. મહામહેનતે મેં સ્કૂલ જવાનું શરૂ કર્યું, સ્કૂલ જવાનું શરૂ કર્યું એટલે થયું કે મારે બુક્સ પણ ખોલીને જોવી જોશે. ઍટ લીસ્ટ ખબર પડે કે એમાં શું લખ્યું છે, એમાં શું કહેવા માગે છે અને ટીચર શું સમજાવે છે? સવાલના જવાબ હું શોધવા માંડ્યો અને પછી ધીમે-ધીમે મારો કૉન્ફિડન્સ પણ વધવા લાગ્યો અને હું ભણવામાં તો હોશિયાર થયો, પણ સાથોસાથ આગળ જઈને હું અમારા ક્રિકેટનો કૅપ્ટન પણ બન્યો. મેં ફુટબૉલ-ટીમ પણ જૉઇન કરી અને એ પછી ધીમે-ધીમે મેં થિયેટરની શરૂઆત કરી. આજે એ દિવસને યાદ કરું છું તો પણ ખરેખર એવું લાગે છે એ જે અપમાનની ભાવના હતી, એ જે નિષ્ફળતા હતી એનાથી મોટું બીજું કશું મારા જીવનમાં આવ્યું નથી. એ નિષ્ફળતાએ મને અને મારા જીવનને બદલી નાખ્યું. જેમ એક પ્રચંડ ધડાકા સાથે પ્રલય આવે અને એમાં બધું વેરવિખેર થઈ જાય, તબાહી છવાઈ જાય એમ મારી સાથે પણ એવું જ થયું હતું, પણ વાત અહીં પૂરી નથી થતી. એ પ્રલય પછી જે તબાહી આવે છે એમાં કંઈક એવું હોય છે જે બચી જાય છે અને કંઈક એવું હોય છે જે નવું આવે છે. મારી સાથે પણ એ જ બન્યું હતું. એ નિષ્ફળતા પછી હું વાંચવા તરફ વળ્યો. મેં લિટરેચર વાંચ્યું, આપણા વેદ વાંચ્યા. હાથમાં જે આવે, જે મળે એ હું વાંચું. પુષ્કળ વાંચને મને પહેલાં તો એ સમજાવી દીધું કે નિષ્ફળતા મારા એકના જીવનમાં નથી આવી, એ અગાઉ લાખો અને કરોડો લોકોને આવી ગઈ છે એટલે તારે નિષ્ફળતાને માથે ચડવા નથી દેવાની. બન્યું પણ એવું કે એ પછી મેં મારી કોઈ નિષ્ફળતાને મારાથી મોટી નથી થવા દીધી. અગાઉ મારા મનમાં સ્કૂલની એક ઇમેજ હતી. એક વર્ષની બુક્સ આપવામાં આવે, આખું વર્ષ એ વાંચવાની, પછી એક્ઝામ આપવાની અને એ પછી આગળના ક્લાસમાં જવાનું પણ એક ફેલ્યર પછી મારે ફરી નિષ્ફળ ન જવું પડે એ માટે બધું વાંચવાનું શરૂ કરી દીધું જે મને આજ સુધી ઉપયોગી થઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ મને એ જ હેલ્પફુલ થવાનું છે.’
આ મારા શબ્દો નથી. આ આપણા ફેવરિટ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની વાત છે. હમણાં એક સ્ટુડિયો પર અમે મળી ગયા. આ ઇન્ટરવ્યુ ત્યારે ચાલતો હતો અને હું એ જ જગ્યા પર સ્ટિક થઈ ગયો, રીતસર જડાઈ ગયો અને ત્યાં જ ઊભો રહીને મેં એ આખો ઇન્ટરવ્યુ સાંભળ્યો. ઇન્ટરવ્યુની કેટલીક વાતો ખરેખર ટચી અને ક્યાંક-ક્યાંક આંખમાં પાણી લાવી દે એવી હતી. એ વાતો માત્ર મારા સુધી સીમિત રહે એના કરતાં એ બધા સુધી પહોંચે એવું મને લાગ્યું અને એટલે જ આજે મેં તમારી સાથે આ વાત શૅર કરવાનું નક્કી કર્યું છે. તમને એનો બેનિફિટ થશે જ થશે.
દુનિયામાં એવી ઘણી વ્યક્ત‌િઓ છે જેને આપણે જિનીયસ માનીએ છીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઇન હોય કે પછી સ્ટીવ જૉબ્સ હોય. ઇમ્તિયાઝ અલી હોય કે પછી શાહરુખ ખાન હોય. આ દરેક જિનીયસનું જીવન તમે જોશો તો ખરેખર ખ્યાલ આવશે કે તેમની લાઇફમાં એક પ્રચંડ ધક્કો એવો આવ્યો છે જેણે તેમને બદલી નાખવાનું કામ કર્યું છે. એક આડવાત કહી દઉં કે જેની લાઇફમાં ધક્કો નથી આવતો કે ફેલ્યર નથી આવતી એ ક્યારેય મહાન બનતો નથી કે એવી વ્યક્ત‌િઓ મહાનના લિસ્ટમાં હોતી નથી એવું મારું કહેવાનો ભાવાર્થ નથી જ નથી, પણ જેની લાઇફમાં એવું બન્યું છે તેમની લાઇફ હંમેશાં મોટા પડાવ પર જઈને ઊભી રહી છે એ નક્કી છે.
આ બધાની લાઇફ જોવાની શરૂઆત કરો ત્યારે એ સૌ તમને અલગ માટીના બનેલા દેખાય, પણ બધામાં એક સામ્ય પણ જોવા મળ્યું. કયું સામ્ય?
ડિસ્ટર્બન્સ.
સવાલ એ છે કે શું કામ?
જવાબ છે, બિગ બૅન્ગ.
કહેવાય છે કે બ્રહ્માંડમાં બિગ બૅન્ગ થયું અને આપણી આકાશગંગાથી માંડીને પૃથ્વી અને ગ્રહોનો જન્મ થયો. એક પ્રચંડ ધડાકો થયો. બધું વેરવિખેર થયું અને એ પછી ધીરે-ધીરે સંકોચનની સાથે પૃથ્વીનું અસ્ત‌િત્વ આવ્યું. પૃથ્વી, એમાં જીવન અને એ પછી પણ પ્રલય અને ઉત્ક્રાન્તિ ચાલુ રહી. કહેવાનો મતલબ એ જ કે એ વાત જરા પણ ફિલોસૉફી નથી કે પ્રચંડ ધડાકો માણસની અંદર ઘણું બદલી શકે છે. ના, માત્ર ફિલોસૉફી નથી. આ હકીકત છે, કારણ કે આપણું અસ્તિત્વ પણ આ બિગ બૅન્ગને આધા‌રિત છે.
આ દરેકના જીવનમાં કોઈ એક ઘટના એવી બની છે જેણે તેમને મરવા સુધી જવાની અવસ્થા પર મૂકી દીધા હોય, પણ તેમણે એની સામે લડવાનું સ્વીકાર્યું. શાહરુખ ખાનની જ વાત કરીએ. તેના અબ્બાનું અવસાન થવું, સ્ટેટ અને કન્ટ્રી લેવલનો ફુટબૉલ પ્લેયર હોવા છતાં છેલ્લી ઘડીએ પગમાં ઈજા થવી અને પહેલાં ટીમમાંથી બહાર અને પછી કાયમ માટે ફુટબૉલથી દૂર જઈ જવું. સ્ટીવ જૉબ્સને જુઓ. બાપ તેને છોડી દે છે, ગૅરેજમાં કંપની ચાલુ કરે અને એ જ કંપની તેને કાઢી મુકે. પછી એ જ કંપની તેને પાછો લે અને પછી એ કંપનીને વર્લ્ડની બેસ્ટ કંપની સુધી પહોંચાડી દે. આજે તેમના મોબાઇલ ફોન વાપરવા એ સ્ટેટસ ગણાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને જુઓ. ચાર વર્ષની ઉંમરે આ મહાન વૈજ્ઞાનિક બોલી નહોતો શકતો અને તેણે દુનિયાને એ સ્તરે પ્રદાન કર્યું કે આજે આખી દુનિયા તેને પૂજે છે. અમિતાભ બચ્ચન. એવું કહીને તેને રેડિયો-સ્ટેશન રિજેક્ટ કરે છે કે તમારો અવાજ બરાબર નથી અને આજે એ રેડિયો પર અમિતાભનો અવાજ આવે તો રેડિયો ધન્ય થઈ જાય છે. ઍક્ટિંગના ફીલ્ડમાં પણ એવું જ થયું હતું તેમની સાથે. ઊંચાઈના નામે વાંધાવચકા રજૂ કરીને તેમને રિજેક્ટ કરવામાં આવતા, પણ આજે સાવ જુદી અવસ્થા છે. આજે, દુનિયાઆખી તેમને શહેનશાહ કહે છે.
આવું શા માટે? શું કામ આ જ સૌ આવી શોહરત ભોગવે છે. તેમની લાઇફ પણ આપણા જેવી જ છે. તેમને એ જ આપવામાં આવ્યું છે જે આપણી પાસે છે અને એ પછી પણ આ હસ્તીઓ બધાથી આગળ નીકળી કેવી રીતે શકી, શું કારણ એનું?
બિગ બૅન્ગ.
એક ધક્કો એવો આવ્યો કે ત્યાંથી જીવન અને મરણની અવસ્થા ઊભી થઈ અને તેમણે જીવનનો રસ્તો પસંદ કર્યો. કરવું કે છોડવું? આ પ્રશ્ન સામે આવ્યો અને તેમણે કરી લેવાની ભાવના દેખાડી. શું માનો છો તમે, નવમા ધોરણમાં ફેલ થવું એ શું બહુ મોટી ઘટના હોય? જો તમે એવું માનતા હો તો તમે ખોટા છો. જે ક્લાસમાં જે ટીચર્સ પાસેથી તમે એક વર્ષ ભણી લીધું છે તેની પાસે જ તમારે બીજું વર્ષ કાઢવાનું છે. તમારા બધા મિત્રો હવે આગળના ધોરણમાં ભણે છે અને તમને જેટલી વખત મળશે એટલી વખત એ રંજ રહેવાનો છે. તમે માનો એટલી ઘટના સામાન્ય નથી, પણ એ ઘટના એવી મોટી પણ નથી જે તમારું જીવન બગાડી નાખે, પણ તમે વાત કેવી રીતે લો છો, ઘટનાને કેવી રીતે મૂલવો છો એ મહત્ત્વનું છે. પોતાની લાઇફમાં આવેલા એ ઇન્સ‌િડન્ટ પછી ઇમ્તિયાઝ અલીએ શું કર્યું એ જાણવાનું છે અને જીવનમાં એને જ ઉતારવાનું છે.
લાઇફમાં કયારેક ને ક્યારેક પ્રચંડ ધક્કા આવ્યા જ હોય છે, પણ એ ધક્કા પછી આપણે એની આગળનું વિચાર્યું નહીં અને એટલે જ એ ધક્કો પ્રલય બનવાને બદલે ધરતીકંપ બનીને ઊભો રહી ગયો. એક વાર જો આ ધક્કાને ફીલ કરવો હોય તો તમારા જ હાથે તમારું નાક દબાવીને પ્રયત્ન કરી જોજો, એ ૨૦ સેકન્ડ પછી શ્વાસ લેવા માટે જ્યારે પ્રયત્ન કરવો પડે એ પ્રયાસ દરેક તબક્કે અકબંધ રાખવો પડે. માછલીને પાણીમાંથી બહાર કાઢો ત્યારે એ જેમ તરફડે એમ સફળતા માટે, પૈસા માટે, કામ માટે તરફડવું પડે. જો એ તરફડાટ હોય તો અને તો જ ધાર્યું કરી શકાય.

Bhavya Gandhi