તમને પોલૅન્ડના ઇતિહાસનું ગુજરાત કનેક્શન ખબર છે?

22 December, 2019 02:35 PM IST  |  Mumbai | Darshini Vashi

તમને પોલૅન્ડના ઇતિહાસનું ગુજરાત કનેક્શન ખબર છે?

મેઇન માર્કેટ સ્ક્વેર : માર્કેટ સ્ક્વેર ખૂબ જ વિશાળ વિસ્તારમાં છે જેનું નિર્માણ ૧૩મી સદીમાં કરવામાં આવ્યું હતું. અહીં ઐતિહાસિક ગોદામ, ચર્ચ અને મહેલ બનાવવામાં આવ્યાં છે.

બીજા વિશ્વયુદ્ધ વખતે વિસ્થાપિત થયેલા કેટલાક પોલૅન્ડવાસીઓને જામનગરના એ સમયના જામસાહેબે આવકાર્યા હતાં. જેની ઝાંકી આજે પણ પોલૅન્ડમાં દેખાય છે. ફોટોજેનિક દેશ તરીકે ઓળખાતા અને યુરોપની મધ્યમાં વસેલા આ દેશમાંટ્રાવેલિંગને પર્ફેક્ટ ઓપ મળે એ બધું જ છે એટલે જો આગામી ટૂર માટે બીજે કશે જવાનો પ્લાન ન બન્યો હોય તો પોલૅન્ડ જવા જેવું છે.

યુરોપમાં એકથી એક ચડે એવા સુંદર દેશ આવેલા છે જેમાંનો એક દેશ પોલૅન્ડ પણ છે. આમ તો આ દેશ વધુ સમાચારોમાં રહેતો ન હોવાથી એ વધારે લાઇમલાઇટમાં આવ્યો નથી, પરંતુ થોડા દિવસ પૂર્વે બૉલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચને અહીં કરેલી વિઝિટ અને તેમના દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરાયેલા અહીંના ફોટોએ લોકોમાં પોલૅન્ડ વિશે જાણવાની ઉત્કંઠા વધારી દીધી છે, કેમ કે આપણે જાણીએ છીએ ત્યાં સુધી અમેરિકા, કૅનેડા, દુબઈ, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયોનો ડંકો વાગે છે, પણ યુરોપની મધ્યમાં આવેલા પોલૅન્ડમાં પણ ભારતીયોનું અને એમાં પણ ગુજરાતીઓનું વર્ચસ છે એ તો કંઈક નવું જ સાંભળવા મળે છે. અહીં સુધી તેમના નામના રસ્તા અને યુનિવર્સિટી સુધ્ધાં છે, તો ભાઈ, આ દેશ વિશે જાણવામાં રસ તો પડવાનો જને! તો ચાલો જાણીએ આ રૂપકડા દેશ પોલૅન્ડ વિશે થોડી વધુ માહિતી.

મલબૉર્ક કૅસલ : ઈંટની બનાવેલી આ કૅસલ વિશ્વની સૌથી મોટી બ્રિક કૅસલ માનવામાં આવે છે. આ કૅસલનું બાંધકામ કરતાં ૨૦૦થી અધિક વર્ષ લાગ્યાં હતાં.

જોકે સફર શરૂ કરતાં પૂર્વે એ સ્થળ વિશેની થોડી માહિતી મળી જાય તો ફરવાની મજા આવે એટલે પોલૅન્ડથી પહેલાં થોડા ફૅમિલિયર થઈ જઈએ. આગળ કહ્યું એમ, પોલૅન્ડ એક યુરોપિયન કન્ટ્રી છે જેની એક તરફ જર્મની છે તો એક તરફ સ્લોવેકિયા છે તો એક તરફ યુક્રેન અને બેલારુસ તો એક તરફ બાલ્ટિક સાગર છે. આમ પોલૅન્ડનો ફેલાવો ઘણો મોટો છે, અંદાજે ત્રણ મિલ્યન વર્ગ કિલોમીટરનું ક્ષેત્રફળ તો ખરું જ. જેટલો અહીંનો વિસ્તાર એટલી અહીંની જનસંખ્યા નથી. અંદાજે ૪૦ મિલ્યન લોકો અહીં વસે છે, પરંતુ યુરોપમાં લગભગ બધા જ દેશોની જનસંખ્યા ભારતના એકાદ રાજ્ય જેટલી અથવા તો એના કરતાં પણ ઓછી હોય છે એટલે યુરોપમાં પોલૅન્ડની ગણના વસ્તીની બાબતમાં ટૉપ-ટેન દેશમાં થાય છે. ખેર, આપણને શું? વસ્તીની વાત નીકળી એટલે જણાવી દઈએ કે અહીંના મહત્તમ લોકો ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે, જ્યારે અન્ય ધર્મના ફૉલોઅર્સની સંખ્યા અહીં ઓછી છે. પોલૅન્ડમાં રહેતા લોકોને પૉલિશ કહેવામાં આવે છે અને તેમની ભાષા પણ પૉલિશ છે જે સાંભળવામાં થોડી રશિયન જેવી લાગે છે. અહીંનું ચલણ ઝ્‌લોટી છે જેનો દર ભારતના એક રૂપિયા સામે ૨૦ ઝ્‌લોટીનો છે. અહીંની રાજધાની વૉર્સો છે જ્યાં મિની ગુજરાત વસે છે અને એની આપણે ડિટેલમાં આગળ વાત કરીશું. આ ઉપરાંત વૉર્સો એ પોલૅન્ડનાં જોવાલાયક સ્થળોમાં સ્થાન ધરાવે છે. અન્ય જોવાલાયક સ્થળોમાં લૉડ્ઝ, પોજનાન, વ્રોકલા, સ્ટૅચીન, બેલિસ્ટૉક વગેરેનો સમાવેશ છે. તો ચાલો, હવે પોલૅન્ડને માણવાની મજા આવશે.

પોલૅન્ડ: સફેદ અને લાલ રંગનનાં મકાનો આટલાંબધાં સુંદર લાગતાં હશે! એવો અનુભવ તો માત્ર અહીં આવીને જ મળી શકે. 

મુલાકાત કરીએ મિની ગુજરાતની

પોલૅન્ડની રાજધાની વૉર્સો છે. વૉર્સોમાં ફરતાં-ફરતાં કોઈ બોર્ડ પર અંગ્રેજીમાં કે પૉલિશ ભાષામાં કોઈ ગુજરાતીનું નામ વાંચવા મળે તો નવાઈ પામતા નહીં, કેમ કે ગુજરાતી અને પોલૅન્ડની વચ્ચેનું કનેક્શન ઘણું જૂનું છે. વાત જાણે એમ છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે પોલૅન્ડ દેશ અને અહીંના લોકોને તમામ પ્રકારે ભારે નુકસાન થયું હતું. અહીં હજારો લોકોના માથેથી છત છીનવાઈ ગઈ હતી એટલે સેંકડો પોલૅન્ડવાસી મહિલાઓ તેમનાં બાળકો સાથે દરિયાઈ માર્ગે મદદ માગવા અને આશરો મેળવવા અનેક દેશોમાં ફરી વળી હતી, પરંતુ કોઈએ તેમને આશરો આપ્યો નહોતો. આખરે તેઓ ગુજરાતના જામનગર બંદરે ઊતર્યા અને ત્યાં તેમને જામનગરના એ સમયના જામસાહેબે આવકાર્યા અને જામનગરમાં તેમને આશરો આપ્યો. બસ, ત્યારથી વૉર્સોમાં જામસાહેબના નામના રસ્તા છે. અહીં યુનિવર્સિટી પણ છે. આ જ કારણસર વૉર્સોમાં મોટી સંખ્યામાં ગુજરાતી લોકો વસેલા છે. અહીં જોવા જેવું શું છે તો એનો જવાબ છે ઘણુંબધું. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અહીં ટ્રામની ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત સેવા છે. વૉર્સોની મૅનેજમેન્ટ યુનિવર્સિટી પણ એક સુંદર નજરાણું બની રહે એવી છે.

વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ-પૂલ

જો તમે આગામી વર્ષે પોલૅન્ડ જવાનું વિચારી રહ્યા હો તો તમે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ-પૂલ જોઈ શકશો. વૉર્સો નજીક એક શહેરમાં આ પૂલ અત્યારે બની રહ્યો છે. આ સ્વિમિંગ-પૂલ ૪૫ મીટર ઊંડો અને ૮૦૦૦ ક્યુબિક મીટર પાણી ધરાવતો હશે. હા, એક મિનિટ જો તમને સ્વિમિંગ ન આવડતું હોય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે અહીં અન્ડર વૉટર ટનલ પણ બનાવવામાં આવી છે જેમાંથી આખા સ્વિમિંગ-પૂલનો નજરો જોઈ શકાય છે. આ સ્વિમિંગ-પૂલ ૨૪ કલાક ખુલ્લો રાખવામાં આવશે તેમ જ અહીં કેટલીક વૉટર સ્પોર્ટ્‌‌સ પણ શીખવાડવામાં આવશે.

સ્ટેચીન સિટી

સ્ટેચીન સિટી એના ઓલ્ડ ટાઉન માટે જાણીતી છે. જે અહીં સૌથી લોકપ્રિય જગ્યા છે. અહીં સ્થાનિક તેમ જ ટૂરિસ્ટ લોકો ખાસ ખાવા માટે આવે છે. એવું નથી કે અહીં એક જ પ્રકારનું ભોજન મળે છે, પરંતુ અહીં પોલૅન્ડની સાથે થાઇ, જૅપનીઝ, ચાઇનીઝ, ઇટાલિયન, અમેરિકન એમ તમામ પ્રકારની રેસ્ટોરાં મળી રહેશે. અહીં જેટલું ખાધાખોરાકીમાં વૈવિધ્યતા જોવા મળે છે એટલું જ અહીંનાં મકાનોમાં પણ જોવા મળે છે. અલગ-અલગ રંગ અને આકારનાં મકાનો અહીંની રોનક વધારે છે. પોલૅન્ડની વન ઑફ ધ બેસ્ટ યુનિવર્સિટી અહીં છે. યુનિવર્સિટીની વાત નીકળી છે તો જણાવી દઈએ કે અહીં ઘણા લોકો કામ કરવાની સાથે યુનિવર્સિટીમાં ભણે પણ છે, પરંતુ અહીં વર્કિંગ અવરનો કોઈ પ્રૉબ્લેમ હોતો નથી એટલે સ્ટુડન્ટને કોઈ મુશ્કેલી નડતી નથી.

ક્રૅકોવ

બેહદ ખૂબસૂરત શહેર તરીકે ક્રૅકોવનું નામ અહીં લેવાય છે. અહીંની સુંદર આકારની ઇમારતો અને એને જોડીને બનાવેલા રસ્તા કોઈ ડિઝની ફિલ્મોની યાદ અપાવી જાય એવા છે. આ શહેર જૂનું હોવાથી અહીં એ સમયના રાજઘરાનાની રાજકીય રૂમો હજી એ જ રીતે રાખવામાં આવી છે જે પ્રાચીન પૉલિશ લોકોની રીતભાત પર પ્રકાશ પાડશે. જો કોઈને પોલૅન્ડના ઇતિહાસમાં રસ હોય તો તેમને અહીં મજા આવશે. અહીંનાં આકર્ષણોમાં વૉવેલ શાહી મહેલનું નામ મોખરે છે. માત્ર ભારતમાં જ શાનદાર મહેલ આવેલા છે એવું માનતા હો તો અહીં આવીને એવું વિચારવાનું ભૂલી જશો. પોલૅન્ડનાં સૌથી મુખ્ય આકર્ષણોમાં વૉવેલ મહેલનું નામ અગ્રતાક્રમે આવે છે. કહેવાય છે કે આ મહેલ ૧૪મી સદીમાં પૉલિશના સમ્રાટ કાસીમીરે બનાવેલો હતો. મહેલની અંદર ઘણી પ્રસિદ્ધ તલવારો મૂકવામાં આવી છે. આ સિવાય એક ભાગમાં લાયબ્રેરી બનાવાઈ છે જેની અંદર સુંદર કલાકારી અને ઝવેરાતથી જડિત તલવારો પ્રદર્શની માટે મુકાયેલી છે. આમ તો આ મહેલ અનેક રીતે સુંદર અને આકર્ષક છે, પરંતુ અહીં મૂકવામાં આવેલી તલવારની વાત જ અલગ છે. બીજું એક અહીં આવેલું સ્થળ છે વિલ્લીજકા ખાણ. જેને નમકની ખાણ કહેવામાં આવે છે. ૧૩મી સદીથી અહીં નમકનો વેપાર કરવામાં આવે છે. અહીં નમકમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ પણ છે.

ક્રિસમસ: ક્રિસમસના દિવસોમાં અહીંનો નજરો ખૂબ સુંદર બની જાય છે. આટલાં સુંદર ઘરો અને એના પર પડતો બરફ રોમૅન્ટિક ફિલ્મોની યાદ અપાવી જાય છે.

બેલિસ્ટૉક સિટી

વૉર્સોથી બેલિસ્ટૉક સિટી ૧૮૦ કિલોમીટર દૂર છે એટલે બે કલાકનો સમય લાગે છે. અહીં પહોંચવા માટે ટ્રેન તેમ જબસ-સર્વિસ ઉપલબ્ધ રહે છે. અહીં જોવા જેવાં સ્થળોમાં સેન્ટ રૉક ચર્ચનું નામ આવે છે જે આશરે ૧૦૦ વર્ષ જૂનું છે.

આવું જ બીજું અહીં ફારસ ચર્ચ છે જે ૪૦૦ વર્ષ જૂનું છે. અહીં ઘણી યુનિવર્સિટીઓ છે જેમાં ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. ચોખ્ખાઈની બાબતમાં પણ આ શહેર આગળ છે.

કૅસલનું શહેર

મલબૉર્ક શહેર કૅસલના શહેર તરીકે જાણીતું છે. કહેવાય છે કે અહીં ત્રણ મોટી કૅસલ આવેલી છે જે ૧૩મી સદીની છે, પરંતુ વર્લ્ડ વૉર દરમ્યાન આ કૅસલને ઘણું નુકસાન થયું હતું. જોકે એના કેટલાક હિસ્સાને ફરીથી સરખો પણ કરવામાં આવ્યો હતો. કૅસલને જોવા માટે પણ ઘણા ટૂરિસ્ટો ખાસ પોલૅન્ડ આવવાનું પસંદ કરે છે. ઈંટની બનાવેલી આ કૅસલ વિશ્વની સૌથી મોટી બ્રિક કૅસલ માનવામાં આવે છે. આ કૅસલનું બાંધકામ કરતાં ૨૦૦થી અધિક વર્ષ લાગ્યાં હતાં. અહીં લડાઈ સમયે સૈનિકોને આશ્રય આપવામાં આવતો હતો.

બિયાલોવીઝા ફૉરેસ્ટ

પોલૅન્ડની બૉર્ડર પર આવેલું બિયાલોવીઝા ફૉરેસ્ટ પોલૅન્ડ માટે જ નહીં, પરંતુ યુરોપનું પણ મહત્ત્વનું જંગલ છે, જેનું કારણ છે યુરોપિયન બાયસન, જે અહીં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય બીજાં અનેક યુરોપિયન પ્રજાતિનાં પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. આ જંગલને જોવા માટે ગાઇડ મળી રહે છે એટલે જો અહીં આવવા માગતા હો તો ગાઇડ કરી લેવો જે તમને યોગ્ય જગ્યાએ લઈ જશે.

ટોરાન

ટોરાનનું નામ કદાચ બધાથી પરિચિત નથી, પરંતુ તમને જણાવી દઈએ કે આ સ્થળ નૅશનલ જ્યૉગ્રાફિકે જાહેર કરેલાં વિશ્વનાં સૌથી સુંદર ૩૦ ફોટોજેનિક શહેરમાં પોતાનું નામ નોંધાવે છે. ૧૩મી સદીના ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલાં ચર્ચ, ઇમારતો અને સ્મારકો જોવાનું ગમે છે. આ શહેર વિશ્વની હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે.

ક્યારે અને કેવી રીતે જવું?

પોલૅન્ડ જવા માટે માર્ચથી મે મહિના સુધીનો સમય બેસ્ટ રહેશે, જ્યારે અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમ્યાન અહીંનું વાતાવરણ એકદમ ઠંડું હોય છે એટલે વધુ ટૂરિસ્ટ અહીં આવતા નથી એટલે આ ગાળા દરમ્યાન ફરવાની મજા આવે છે. મુંબઈ જેવા મેટ્રો શહેરથી અહીં આવવા માટે ઍરલાઇન્સ મળી રહે છે.

પોલૅન્ડની રોચક અને ધ્યાનમાં રાખવા જેવી વાતો

પોલૅન્ડમાં સાંજે ચાર વાગ્યે રાત પડી જાય છે. 

અહીં મેડિકલ સ્ટોરને અપટેકા કહેવામાં આવે છે એટલે અહીં આવીને કોઈને દવા જોઈતી હોય તો અપટેકાનું બોર્ડ શોધવા જવું નહીં.

અહીં વધુમાં વધુ લોકો ટ્રાવેલિંગ માટે સાઇકલનો ઉપયોગ કરે છે.

પોલૅન્ડમાં ટ્રાફિકના નિયમોનું સખતાઈથી પાલન કરવામાં આવે છે. જો કોઈ નિયમ તોડે તો ભારતીય ચલણ મુજબ ૨૦૦૦ રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.

અહીં જો કોઈ બાળકનો જન્મ સરકારી વાહનોમાં થાય તો આજીવન તેનું સરકારી પરિવહન ફ્રી કરવામાં આવે છે.

અહીંના કપલનું લગ્નજીવન લાંબું ટકતું નથી જેને લીધે અહીંની સરકાર લગ્નનાં અમુક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનારનું સન્માન કરે છે. 

પોલૅન્ડના મહત્તમ લોકો મૃત્યુ બાદ તેના દેહનું દાન કરે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન પોલૅન્ડમાં સૌથી વધુ લોકો માર્યા ગયા હતા. 

પોલૅન્ડમાં એક ગુપ્ત યુનિવર્સિટી આવેલી છે જેમાં સરકાર દ્વારા બૅન કરવામાં આવેલા વિષયોને જ ભણાવવામાં આવે છે.

એક સમયે પોલૅન્ડમાં આવેલું રેડિયો ટાવર દુનિયાની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી.

પોલૅન્ડના લોકોની માથાદીઠ આવક ભારતીયો કરતાં ચારગણી વધારે છે.

poland travel news