ચાલો, ભીતરનું સફાઈ-અભિયાન પણ કરીએ

11 October, 2014 06:32 AM IST  | 

ચાલો, ભીતરનું સફાઈ-અભિયાન પણ કરીએ


(મનોરંજનથી મનોમંથન-સુભાષ ઠાકર)


અને આપણે કંઈ ઓછા નથી. આપણો મોટો લોચો એ છે કે ‘હું ફલાણો છું, હું ઢીકણો છું’ બોલતાં-બોલતાં કડક થઈને જે માટી પર ચાલીએ છીએ ત્યારે અંતે આ માટી જ મારું ભાવિ રૂપ છે એનું ભાન થતું નથી, જ્ઞાન આવતું નથી ને ધ્યાન જતું જ નથી. આપણે ભૂલી જ ગયા કે હું જેના પર જિંદગીભર ચાલ્યો એ આવતી કાલે મારા પર આવી જશે. એટલે થશે શું કે નીચે માટી, ઉપર માટી ને તું પોતે પણ... અન્ડરસ્ટૅન્ડ?

હવે મારો વાંધો એ છે કે વડીલ બ્રહ્માએ આપણું સર્જન કર્યું, પણ આપણું નસીબ લખવાનો ર્પોટફોલિયો પેલી વિધાતાને આપ્યો. સાલું જીવન આપણું, નામ આપણું, શરીર આપણું, કામ આપણું ને નસીબ વિધાતા લખે? આપણી ચટી ન જાય? અને રોજ કરોડો-અબજોનાં નસીબ લખી-લખીને થાક ન લાગે? બાય ગૉડ, મને તો એક લેખ લખતાં-લખતાં વિચાર આવે કે મને સ્ટ્રૉન્ગ અટૅક આવશે તો? કોઈ વાચક લેખ વાંચીને મારા પર અટૅક કરશે તો? - તો દર શનિવારે મારા વાચકોનું શું થશે? તે વાંચશે શું એમ વિચારીને અટૅકને લાવવાનું માંડી વાળું છું. બોલો, મૃત્યુંજય મહાદેવ કી જય... હવે મને એક વાર જો ભૂલથી વિધાતા રસ્તામાં ભટકાઈ જાય તો મારે પૂછવું છે, ‘બહેન વિધુ, તું બેઠાં-બેઠાં બધાનાં નસીબ લખે છે એના કરતાં તારાં પોતાનાં જ નસીબ લખને. એમાં પણ લખ કે હવેથી હું કોઈનાં નસીબના લેખ નહીં લખું. પેલા ચીફ મિનિસ્ટરની જેમ આપી દે ભગવાનને રાજીનામું ને કહી દે લાવી દો સ્વર્ગમાં રાષ્ટ્રપતિશાસન. મને જવાબ આપ કે આમ ઊંધું ઘાલીને આટઆટલાં નસીબ લખ્યાં છતાં કોઈએ તારું મંદિર-દેરાસર કે મસ્જિદ બાંધ્યાં? સ્વાર્થી છે બધા.’
‘તમે વિધાતા પર એમ ન ભડકો...’ પાછળથી વાઇફ બોલી, ‘તે તો બિચારી મુનીમ છે. તે તો હિસાબ લખે પણ સાચો, ખોટો તો શેઠ તપાસે. શેઠ તો ઈશ્વર છે. વિધાતા લખે એ જ સારું છે, બાકી જાતે નસીબ લખવા ગયેલા પેલા ચંપકલાલ ને ચંબુપ્રસાદની વાત ખબર છેને? ચાલો આ બાજુ આવો, સમજાવું.’

ચંપકલાલ અને ચંબુપ્રસાદે વેવાઈ બનવાનું નક્કી કર્યું, પણ બન્યું એવું કે... કેવું? જાણી લો... ‘એય ચંપકલાલ, તમારી ખોપડીમાં મગજ છે કે અખરોટના ટુકડા? સાલું પહેલાં તમે મને કીધું કે તમારી દીકરીની કુંડળીમાં મંગળ છે એટલે સગાઈનો મેળ નહીં પડે. પછી પેલા જોશીડાને પૈસા ખવડાવી, પેલો નપાવટ દીકરો પોતાના બાપુજીને ઘરમાંથી તગેડી મૂકે એમ કુંડળીના કૂંડાળામાંથી મંગળ કઢાવી નાખ્યો અને હવે પેલું મંગલયાન સફળ થયું એટલે એમ કહેવાનું કે કુંડળીના બધા ઘરમાં મંગળ લઈ આવો તો જ તમારી દીકરી મારા ઘરમાં આવશે. બાપાનો માલ છે? એમ મંગળ લાવવો એ દશેરાના જલેબી-ગાંઠિયા લાવવા જેટલું સહેલું કામ નથી, સમજ્યા? અરે યાર, મંગળ હોય કે ન હોય, શું ફરક પડે છે. તારા દીકરાને મંગળ પર ચાની લારી ખોલવી છે? લારી કરવી હોય તો...’‘અબે એય ઓબામા...’ ચંપકલાલ ચંબુ પર ભડકેલા મૂડમાં બોલ્યા.‘એમ ઓ...બા...મા... કરીને ચીસો ન પાડો. હજી મારું બોલવાનું ચાલુ જ છે. મારું પૂરું થાય ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું, સમજ્યા? જો, સાંભળી લો, બધા દીકરા ચા વેચવાવાળા કંઈ પ્રાઇમ મિનિસ્ટર ન થાય, નહીં તો સંસદમાં રોજ ચા પહેલાં ઊકળે અને તારા દીકરાએ ચા સિવાય કશું ઉકાળ્યું છે?’

‘કરશે ચંબુપ્રસાદ, મારો દીકરો મંગળ પર ચાની લારી...’‘તંબૂરો કરશે, સાલું અંધેરી-બોરીવલીના પાસ કઢાવવા લોન લેવી પડે છે ને મંગળ પર...’‘એય ટોપ! તેને મોદીએ મંગળ માટે સફાઈ અભિયાન માટે પસંદ કર્યો છે. મંગળ પર પણ સફાઈ.’‘અરે ચંપકલાલ, મોદી ભૂલી ગયા કે આગળની સરકારે આખી તિજોરી સાફ કરી નાખી છે. હજી કેટલી સફાઈ - મોંઘવારીમાં હજી ખિસ્સાં સાફ થયાં જ કરે છે માય ડિયર ચંપકલાલ, તારા દીકરાને સમજાવ કે સફાઈ માટે મંગળ પર જવા કરતાં શરીરમાં અંદર જે ઈર્ષા, વેરઝેરનો કચરો છે એને દૂર કરીને જીવન મંગલ બનાવે. એ સાફસફાઈ વધુ જરૂરી છે. ને ખોટું ન લગાડતા, આપણામાં જે અંદર અહંકારનો રાવણ બેઠો છે એને એક વાર પૂરેપૂરો બાળવાની જરૂર છે.’


‘તો મિસ્ટર ચંબુપ્રસાદ, રાવણ તો દૂર થશે, પણ તમારી દીકરીમાં પણ જો કૈકેયી, મંથરા કે શૂર્પણખા બેઠી હોય તેને પણ શરીર-ઘરમાંથી કાઢવાની જરૂર છે.’હવે તો ચંબુપ્રસાદની દીકરી ને ચંપકલાલના દીકરાએ અંદરના સફાઈ-અભિયાનની લીડરશિપ લીધી છે. બહારની સફાઈ બરાબર થઈ જાય તો પછી આ અભિયાનમાં તમે પણ જોડાજો. પછી તો વિધાતાએ જ બન્નેને જોડી આપ્યાં. જીવનસફરની સફળતા માટે જાતે નસીબ લખવામાં ઘણા ડખા પડે છે. એટલે ભગવાન પર વાયા વિધાતા પર આધાર રાખવો સારો. જીવન રહસ્યવાળું છે. એટલે જ જીવવાની મજા આવે છે.
શું કહો છો?