શાસ્ત્રને શસ્ત્ર ન બનાવીએ

11 October, 2014 06:31 AM IST  | 

શાસ્ત્રને શસ્ત્ર ન બનાવીએ

નો પ્રૉબ્લેમ-રોહિત શાહ

અજ્ઞાન માનવીને ગુમરાહ કરે છે અને અંધશ્રદ્ધા તેને સાચા રસ્તે આવતાં રોકે છે. ઢોંગી ધર્મગુરુઓ માટે તો ભક્તોનાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા બન્ને ઑક્સિજન જેવાં છે. સંસારમાંથી માત્ર અંધશ્રદ્ધા દૂર થઈ જાય તો આજના બની બેઠેલા ૯૮ ટકા સાધુઓ, તાંત્રિકો, વિધિકારો અને જ્યોતિષીઓ ભીખ માગતા થઈ જાય; કારણ કે ધતિંગો કરવા સિવાય તેમને બીજો કોઈ કામધંધો આવડતો નથી. પરાવલંબી બનીને જીવવાની તેમને આદત પડી ગઈ છે. એવા લોકોએ ભોટ ભક્તોને ગુમરાહ કરવા સિવાય બીજી કોઈ લાયકાત કેળવી જ નથી.


વાહિયાત વિધિવિધાનોના ખર્ચા કરવામાં ગરીબ માણસ વધુ ને વધુ ગરીબ બનતો જાય છે. ચમત્કારોએ જગતનો એક પણ પ્રfન સૉલ્વ નથી કર્યો. ઊલટાના અનેક પ્રfનો પેદા કર્યા છે. એ ચમત્કારોની પાછળ ટોળેટોળાં મુગ્ધભાવે દોડે છે. ચમત્કાર કરીને આજ સુધીમાં કોઈ ધર્મગુરુએ કે તાંત્રિકે આતંકવાદીઓને ખતમ કર્યા નથી, દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કર્યો નથી, વધતી જતી મોંઘવારી અને વિકરાળ બનતી જતી અછતને ચમત્કારથી ટાળી નથી. ચમત્કારિક દિવ્ય શક્તિ ધરાવતા બાબાઓ ચમત્કાર કરીને ગભરુ બાળકીઓ અને સ્ત્રીઓ પર થતા બળાત્કારને કેમ ખતમ કરતા નથી?

ભગવાન બુદ્ધ જ્યારે અંતિમ ક્ષણોમાં હતા ત્યારે જે વૃક્ષ નીચે બેઠા હતા એ વૃક્ષ પરથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. એ જોઈને સ્વયં ગૌતમ બુદ્ધે પોતાના શિષ્યોને કહેલું, ‘આ પુષ્પવૃષ્ટિ જોઈને કોઈ ભ્રમિત ન થશો. આ કોઈ દિવ્ય ચમત્કાર છે એવું ન માનશો અને એવો પ્રચાર પણ ન કરશો. આ વૃક્ષ પરથી તો દરરોજ પુષ્પો ખરતાં જ રહે છે. દરેક વૃક્ષ વાસી પુષ્પોને ખંખેરી જ નાખે છે. આજે હું આ વૃક્ષની નીચે બેઠો છું એ કારણે જ પુષ્પવૃષ્ટિ થઈ રહી છે એવી ભ્રાંતિ તમારા મનમાં જાગે તો જાણજો કે તમે મારા શિષ્ય થવાને લાયક નથી.’પ્રાચીન પરંપરાઓના ઘેનમાં મસ્ત રહેતા એક સાધુ તો ગળું ફાડીને કહે છે, ‘વિજ્ઞાને પ્રકૃતિને ભારે હાનિ પહોંચાડી છે. પ્રદૂષણો વધ્યાં છે અને ઓઝોન વારંવાર ક્ષતિ પામે છે. આ બધાં કારખાનાં, ઉદ્યોગો, સિંચાઈ યોજનાઓ, વીજળી ઉત્પાદન કેન્દ્રો વગેરે બંધ કરીને પ્રાચીન જીવનશૈલી અપનાવવી જોઈએ.’

હવે જો તે સાધુના ગાઇડન્સ પ્રમાણે આજે ખેતી કરવામાં આવે તો ૮૦ ટકા પ્રજા તો તાત્કાલિક ભૂખે જ મરી જાય; કારણ કે વસ્તી વધે છે, જમીન તો વધતી નથી. જમીન તો ઊલટાની મકાનો વગેરે બનવાને કારણે સતત ઘટતી રહે છે. જો ઓછી જમીનમાંથી મબલક ધાન્ય પકવવાનો વૈજ્ઞાનિક અભિગમ ન અપનાવીએ તો એક વરસમાં જ આ પૃથ્વી ખાસ્સી ખાલી થઈ જાય. અતાર્કિક પ્રચાર કરવાને બદલે વાસ્તવિક ઉકેલો આપવા એ વિજ્ઞાનનું કામ છે.

જગતમાં એક જ ક્ષેત્ર એવું છે કે એનાં શાસ્ત્રોમાં તમે જરાય હસ્તક્ષેપ ન કરી શકો. એ ક્ષેત્ર છે ધર્મક્ષેત્ર. તમે જોજો, વિજ્ઞાનનાં શાસ્ત્રો સતત અપડેટ થતાં રહે છે, અર્થશાસ્ત્રના ગ્રંથોમાં વારંવાર પરિવર્તનો થતાં રહે છે, રાજ્યશાસ્ત્ર હોય કે ખગોળનાં શાસ્ત્રો - એ તમામ ક્ષેત્રનાં શાસ્ત્રોમાં સમયે-સમયે નવી વિભાવનાઓ, નવાં તારણો અને નવાં સત્યો ઉમેરવામાં આવે છે; પરંતુ ધર્મના ક્ષેત્રમાં એક વખત જે શાસ્ત્ર લખાઈ ગયું એમાં ફેરફાર કરવાની વાત તો બહુ દૂરની છે, તમને એમાં ડાઉટ કરવાનો પણ અધિકાર નથી. સમસ્યાઓને ઢાંકી દેવી કે એને ભૂલી જવી અથવા તો હજારો સમસ્યાઓ વચ્ચે ઘેરાયલા હોવા છતાં અમને કોઈ સમસ્યા જ નથી અને અમે દિવ્ય શાંતિનો સાક્ષાત્કાર કરી રહ્યા છીએ એવી ભ્રાંતિઓ પાછળ લપાઈ-સંતાઈ જવું એને જ અધ્યાત્મ માનનારા મૂરખાઓનાં મસ્તિષ્ક સડી ગયાં છે.
શાસ્ત્રને શસ્ત્ર ન બનાવવાનું હોય. જૂનાં શાસ્ત્રોની બંદૂક તાણીને લોકોને ભયભીત કરી શકાય, પણ સાચા અર્થમાં ધાર્મિક ન બનાવી શકાય. જે શાસ્ત્ર અપડેટ થતું ન હોય એ વાસી અને વ્યર્થ છે. એવાં શાસ્ત્રોથી બચી શકાય તો નો પ્રૉબ્લેમ.