સિંચાઈકૌભાંડમાં વિરોધ પક્ષો અને મિડિયા શા માટે શાંત છે?

09 December, 2012 09:33 AM IST  | 

સિંચાઈકૌભાંડમાં વિરોધ પક્ષો અને મિડિયા શા માટે શાંત છે?




સુરેશ કલમાડીના કૌભાંડ કરતાં અનેકગણું મોટું, નુકસાનના અડસટ્ટાઓ વિનાનું રોકડું અને ગરીબોનાં મોંમાંથી નાણાં આંચકી જનારું કૌભાંડ કર્યા પછી શરદ પવારના ભત્રીજા અજિત પવાર મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણના પ્રધાનમંડળમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે ફરી પાછા સુખરૂપ ગોઠવાઈ ગયા છે. તેમને સિંચાઈ ખાતું આપવામાં નહીં આવે, કારણ કે હવે એ ખાતાની તિજોરીમાંથી સીંચવા માટે કંઈ બચ્યું નથી. અજિતદાદા હવે કોઈ બીજા ખાતા પર હાથ અજમાવશે.

આઝાદી પછીના સૌથી મોટા નકદ કૌભાંડે જોઈએ એટલો વિવાદ પેદા ન કર્યો એમાં આર્ય પામવા જેવું નથી. શરદ પવાર દરેક રીતે મોટી તાકાત છે. પવાર હોય તો આઇપીએલનું કૌભાંડ સંકેલાઈ જાય, પવાર હોય તો લવાસા સંકેલાઈ જાય, પવાર હોય તો સિંચાઈકૌભાંડ સંકેલાઈ જાય, પવાર હોય તો બધા જ મૅનેજ થઈ જાય. દરેક નારાજને રાજી રાખતાં તેમને આવડે છે, હજી કોઈ મોં ખોલે એ પહેલાં તેમની માગણી સંતોષતાં તેમને આવડે છે. મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષો શાંત છે અને દેશભરમાં મિડિયા શાંત છે.

સિંચાઈકૌભાંડ વિશેનો રાજ્ય સરકારનો શ્વેતપત્ર આંખમાં ધૂળ નાખનારો હતો. ખરું પૂછો તો અજિતદાદાને ઉગારી લેવા માટેનો હતો. મહારાષ્ટ્રના વિરોધ પક્ષો શ્વેતપત્ર એક નાટક છે એવો આક્ષેપ તો કરે છે, પરંતુ તેઓ શ્વેતપત્રની જગ્યાએ વધારે અસરકારક તપાસ માટે આગ્રહ રાખતા નથી. સીબીઆઇ દ્વારા તપાસનો આગ્રહ રાખી શકાય છે. અદાલતી તપાસપંચ રચવાની તેઓ માગણી કરી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની સંયુક્ત સમિતિ તપાસ કરી શકે છે. આïવી કોઈ સંસ્થા દ્વારા તપાસ કરાવવા માટે રાજ્ય સરકાર તૈયાર ન હોય તો રસ્તા પર આંદોલન કરી શકે છે. આમાંનું કંઈ જ એમણે કર્યું નથી, કારણ કે એવી તેમની દાનત નથી. કોઈ વજૂદવાળા કારણ વિના સંસદનાં આખેઆખાં સત્રો ખરાબ કરી નાખનાર બીજેપી મહારાષ્ટ્રના પ્રચંડ કદના સિંચાઈકૌભાંડ વિશે કેમ ચૂપ છે? શા માટે સંસદમાં બીજેપીએ એક પણ વાર મહારાષ્ટ્રના કૌભાંડનો મુદ્દો નથી ઉઠાવ્યો?

કારણ એ છે કે મહારાષ્ટ્રના સિંચાઈકૌભાંડમાં બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી પણ સંડોવાયેલા છે. આની વિગતો આ પહેલાં આ કૉલમમાં આપવામાં આવી છે. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવો મામલો છે. સિંચાઈકૌભાંડના મૂળ સુધી જવામાં જોખમ છે.

મિડિયાની હવે કોઈ પ્રતિષ્ઠા બચી નથી. સપ્ટેમ્બર મહિનામાં અજિતદાદાએ મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું ત્યારે મિડિયાએ જાણીબૂજીને એને કાકા-ભત્રીજા અને પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના યુદ્ધનું સ્વરૂપ આપ્યું હતું. સિંચાઈકૌભાંડથી ધ્યાન બીજે હટાવવા માટેનું આ નાટક હતું. અજિતદાદાના સમર્થનમાં મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી પક્ષના તમામ પ્રધાનોએ રાજીનામાં આપ્યાં એની પાછળ પણ ધ્યાન હટાવવાનો ઇરાદો હતો. દિવસો સુધી કૌભાંડની જગ્યાએ પવારપરિવારના આંતરિક રાજકારણની ચર્ચા થતી હતી. ‘તહલકા’ નામના સાપ્તાહિકે કૌભાંડની વિગતો સામે મૂકી આપી હતી જેની તરફ મિડિયાએ આંખ આડા કાન કર્યા હતા.

ખેર, અજિતદાદા બે મહિના બહાર રહીને ફરી પાછા ગોઠવાઈ ગયા છે. કાકા બેઠા છે એટલે તેમને ચિંતા કરવાની જરૂર નથી. કાકા ગમે તેને મૅનેજ કરી શકે છે અને હવે શામદામદંડભેદથી મૅનેજ ન થાય એવા બહુ ઓછા માણસો બચ્યા છે. અજિત પવાર સામે અદાલતમાં જાહેર હિતની અરજી પડી છે એનું શું થાય છે એ જોવાનું છે. અદાલત જો તપાસની બાબતમાં સક્રિય રસ લેશે તો વળી કંઈક કોઈ પ્રકારનો ન્યાય મળે.    ૩

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ, સીબીઆઇ = સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન