જરા આંખ મેં ભર લો પાની...પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયાની સંધિની ૧૦૧મી વરસી

10 November, 2019 10:55 AM IST  |  Mumbai | Sanjay Pamdya

જરા આંખ મેં ભર લો પાની...પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયાની સંધિની ૧૦૧મી વરસી

પહેલા વિશ્વયુદ્ધની વરસી

પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ઑગસ્ટ ૧૯૧૪માં થઈ હતી. ઑસ્ટ્રિયાના આર્ચડ્યુક અને તેની પત્નીની હત્યા બોસ્નિયાના ગ્રેવિલો પ્રિન્સિપ નામના એક રાષ્ટ્રવાદીએ કરી હતી. વિશ્વયુદ્ધ શરૂ થવા આ ઘટના નિમિત્ત બની. પ્રથમ વિશ્વયુદ્ધે આખા યુરોપને ભરડામાં લીધું. આ વિશ્વયુદ્ધમાં કુલ ૩૨ દેશો બે જૂથમાં વહેંચાઈ ગયા. બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા એક તરફ હતા; તો સામા છેડે જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, ઑટોમૅન એમ્પાયર અને બલ્ગેરિયા હતાં. અમેરિકા જોકે મોડેથી યુદ્ધમાં પ્રવેશ્યું હતું. આર્ચડ્યુકની હત્યા એ એક કારણ તો હતું જ એ ઉપરાંત બ્રિટન અને જર્મન સામ્રાજ્ય વચ્ચે સાગરી સત્તામાં પોતાનો હાથ ઊંચો રાખવા માટેનો ડખો વર્ષોથી ચાલુ હતો. બીજી તરફ ફ્રાન્સ અને જર્મની વચ્ચે પણ કેટલાય સમયથી લાવા ઊકળી રહ્યો હતો. 
જ્યારે આ વિશ્વયુદ્ધનો આરંભ થયો ત્યારે ઘણાએ એમ માની લીધું હતું કે ઑગસ્ટમાં શરૂ થયેલું આ યુદ્ધ ચાર મહિનામાં ડિસેમ્બરની નાતાલ અગાઉ સંકેલાઈ જશે, પણ આ યુદ્ધ તો ૪ વર્ષ કરતાં વધુ ચાલ્યું. છેક ૧૯૧૮માં આ દેશોને અહેસાસ થયો કે હવે ઘણું થયું એટલે ૧૯૧૮ના અગિયારમા મહિના (નવેમ્બર)ની ૧૧મી તારીખે સવારે ૧૧ વાગ્યે યુદ્ધ અટકાવી દેવું એવું નક્કી થયું. સંધિનો પ્રસ્તાવ જર્મની તરફથી હતો. આ સંધિએ જર્મનીને ભીંતસરસું કરી દીધું હતું અને એ જ તો ફ્રાન્સ, યુએસ અને ગ્રેટ બ્રિટન ઇચ્છતાં હતાં!
યુદ્ધમાં જાનમાલની નુકસાનીના આંકડા કંપાવી દે એવા હોય છે. ૧૯૧૮ની ૧૧ નવેમ્બરે વિશ્વયુદ્ધ રોકવામાં આવ્યું એ અગાઉ આ યુદ્ધમાં જોડાયેલા બધા દેશોના મળીને ૯૦ લાખ, હા જી, ૯૦ લાખ જેટલા સૈનિકો યુદ્ધમાં હોમાઈ ગયા. બે કરોડ દસ લાખ જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. નાગરિકોને ભોગવવા પડેલા નુકસાનનો આંકડો તો ઘણો મોટો હતો. યુદ્ધને કારણે મૃત્યુ પામેલા કે ઈજા પામેલા નાગરિકોનો આંકડો પણ એક કરોડની સંખ્યા વટાવી ગયો હતો. સૌથી વધુ નુકસાન ભોગવ્યું હતું જર્મની અને ફ્રાન્સે. આ બન્ને દેશના ૮૦ ટકાથી વધુ યુવાનો (૧૫થી ૪૯ વર્ષ સુધીના) યુદ્ધમાં જોતરાઈ ગયા હતા. આ વિશ્વયુદ્ધને કારણે જર્મની, ઑસ્ટ્રિયા, હંગેરી, રશિયા અને ટર્કીમાં ઘણી રાજકીય ઊથલપાથલ પણ થઈ અને એ દેશોનાં રાજકીય સમીકરણો બદલાયાં.
પ્રથમ વિશ્વયુદ્ધના અંત સાથે જોડાયેલી ૧૧ નવેમ્બરને હવે વિશ્વ, આર્મસ્ટિસ ડે તરીકે કે રિમેમ્બરન્સ ડે તરીકે યાદ કરે છે. આ દિવસે ફ્રાન્સમાં જાહેર રજા હોય છે અને યુદ્ધ વખતના સાથીરાષ્ટ્રો પણ નૅશનલ હૉલિડે રાખીને આ દિવસે શ્રદ્ધાંજલિ આપે છે. 
૧૧ નવેમ્બરે આ સંધિ દિવસની સ્મૃતિ તાજી કરવા બરાબર એક વર્ષ પછી એટલે કે ૧૧ નવેમ્બર ૧૯૧૯માં ગ્રેટ બ્રિટનના બકિંગહૅમ પૅલેસના ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જે સૈનિકો તથા અન્યોએ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાનો જીવ આપ્યો તથા એ સૈનિકો જે યુદ્ધ પછી જીવિત રહ્યા તેમને બે મિનિટના મૌન દ્વારા માન આપવામાં આવ્યું. આર્મસ્ટિસ ડે અથવા સંધિ દિવસ તરીકે શહીદો તથા અન્ય સૈનિકોને યાદ કરવાની ૧૧મી નવેમ્બરની પરંપરા એ વર્ષથી શરૂ થઈ. 
આ પ્રકારે શહીદોને યાદ કરવાની પરંપરા અન્ય દેશોમાં પણ શરૂ થઈ. સાઉથ આફ્રિકામાં પણ શહીદોને યાદ કરવાના કાર્યક્રમમાં મૌન પળાતું અને સાથોસાથ ગાઢ અંધકાર રખાતો. ત્યાં ફક્ત એક સ્મૃતિ જ્યોત જ પ્રજ્વલિત રખાતી હતી જે હૉલમાં કે મેદાનમાં આછો, ઝાંખો પ્રકાશ ફેંકતી.
૧૯૩૯ પછી બ્રિટને ૧૧ નવેમ્બરે અપાતી મૌન અંજલિ નજીકના રવિવારે અપાય એવું ગોઠવ્યું અને એને રિમેમ્બરન્સ સન્ડે એવું નામ આપ્યું. અમેરિકાએ પોતાના દેશના શહીદ થયેલા અને જીવિત એવા સૈનિકોને માન આપવા માટે અલગથી વેટરન્સ ડે નક્કી કર્યો. જોકે અમેરિકાના જ કેટલાક બુદ્ધિજીવીઓએ ૧૧ નવેમ્બરનું મહત્ત્વ ઓછું ન કરવા માટે સરકારને જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ આ એ દિવસ હતો જ્યારે વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પ્રયત્નનો આરંભ થયો. ફ્રાન્સ અને બેલ્જિયમ હજી આજે પણ ૧૧ નવેમ્બરને આર્મસ્ટિસ ડે તરીકે યાદ કરે છે.
સર્બિયાએ પહેલા વિશ્વયુદ્ધમાં સૌથી વધુ ખુવારી ભોગવી હતી. ૨૦૧૨થી સર્બિયા ૧૧ નવેમ્બરે જાહેર રજા પાળે છે અને એ દિવસે ત્યાંની પ્રજા વિશ્વયુદ્ધમાં ખપી ગયેલા શહીદોને તથા સામાન્ય નાગરિકોને એક સ્મૃતિચિહ્‍ન પહેરી અંજલિ આપે છે. 
કેન્યામાં આર્મસ્ટિસ ડે બે અઠવાડિયાં પછી રાખવામાં આવ્યો છે. વિશ્વયુદ્ધ અટકાવવાનું જાહેર થયું પછી એ સમાચાર કેન્યા અને ઝામ્બિયા બે અઠવાડિયે પહોંચ્યા ત્યાં સુધી કેન્યાની કિંગ્સ આફ્રિકન રાઇફલ્સનું આક્રમણ, બ્રિટિશ દળોના સહકારમાં ઝામ્બિયા પર ચાલુ જ હતું! 
તાજેતરમાં ગ્રેટ બ્રિટનમાં લાલ કલરનું પૉપી અનેકનાં વસ્ત્ર પર લગાડેલું જોવામાં આવે છે. ટીવીના ઍન્કર સુધ્ધાં પૉપી ધારણ કરે છે. વિશ્વયુદ્ધના શહીદો હોય કે આતંકવાદને કારણે આખા વિશ્વમાં જેમણે પોતાનો જીવ ખોયો હોય એવી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા બ્રિટનના નાગરિકો ૧૧ નવેમ્બરના કેટલાક દિવસો અગાઉથી પોતાનાં વસ્ત્રો પર પૉપી પ્રદર્શિત કરવાની શરૂઆત કરે છે. આ લાલ રંગની પૉપી તેઓ ૧૧ નવેમ્બર સુધી પહેરે છે.
આ લાલ રંગની પૉપી ફક્ત શહીદોની સ્મૃતિ માટે જ નથી, પણ દેશ માટેના તેમના બલિદાનને સલામ કરવા તથા તેમના પરિવાર તરફની સહાનુભૂતિ દર્શાવવા માટે પણ છાતી પર લગાવાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં લાખો પૉપી બ્રિટનમાં વહેંચવામાં આવી છે. આ રિમેમ્બરન્સ પૉપી એક પ્રકારનું આર્ટિફિશ્યલ લાલ રંગનું ફૂલ છે જે પિન દ્વારા  શર્ટ, ટૉપ કે બ્લેઝર પર લગાવાય છે. શહીદો કે લશ્કરના જવાનોને પોતાનો સપોર્ટ છે એ દર્શાવવાનો તો આશય છે જ, સાથોસાથ વિશ્વમાં શાંતિ ફેલાઈ રહે એવી શુભેચ્છાના પ્રતીક તરીકે પણ એને ઘણા જુએ છે.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સના ઉત્તરી ભાગમાં તથા બેલ્જિયમમાં જ્યાં યુદ્ધ ખેલાયું હતું ત્યાં સાવ ઊજડી ગયેલાં મેદાનોમાં સૌપ્રથમ જે છોડવા ઊગી નીકળ્યા એ આ લાલ પુષ્પોના હતા. યુદ્ધમાં જીવિત રહેલા સૈનિકો એવું માને છે કે તેમના સાથીઓ જેમણે આ રણભૂમિમાં પોતાનું લોહી વહાવ્યું છે એ લોહીનો ઘાટો રંગ આ પુષ્પોએ ધારણ કર્યો છે. ફ્રાન્સની સરકારે તો આ પુષ્પનાં ચિહ્નનો ઉપયોગ કરીને શહીદોની પત્ની અને બાળકો માટે ફન્ડ પણ ઊભું કર્યું છે. ૨૦૧૮ના વર્ષમાં બ્રિટને પણ પૉપીના વેચાણ દ્વારા ૫૦૦ કરોડ પાઉન્ડસ તેમનાં સશસ્ત્ર દળો તથા તેમના પરિવાર માટે જમા કર્યા છે. 
લાલ પૉપી છેલ્લાં ૧૦૦ વર્ષથી લોકોને વહેંચાય છે. કેટલીક સંસ્થાઓએ અન્ય કલરના પૉપી આપવાનું શરૂ કર્યું છે. ૧૯૩૩થી સફેદ કલરના પૉપી વહેંચતી સંસ્થા શાંતિના પ્રતીક તરીકે આ પૉપીનો પ્રચાર કરે છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિ નાયડુસાહેબ ગયા વર્ષની ૧૧ નવેમ્બરે ફ્રાન્સમાં હતા. ફ્રાન્સના ઉત્તરી ભાગમાં ભારત દ્વારા પ્રથમ મેમોરિયલ બાંધવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન તેમણે કર્યું હતું. આ મેમોરિયલ દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતના હજારો જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ભારત એ વખતે બ્રિટિશ શાસન હેઠળ હતું અને આ જવાનો બ્રિટન તરફથી આ યુદ્ધમાં લડીને શહીદ થયા હતા.
વિશ્વમાં આજે દરેક દેશ પોતાનો શસ્ત્રભંડાર વધારી રહ્યો છે. મોટા ભાગના દેશો પોતાના પાડોશીઓ સાથે કે દૂરના કોઈ દેશ સાથે પણ એક કે બીજા કારણસર વિખવાદમાં છે. અનેક ઠેકાણે યુદ્ધનાં નગારાં વાગી રહ્યાં છે ત્યારે ૧૧ નવેમ્બરના આ દિવસના યુદ્ધવિરામને યાદ કરીએ, સદી પહેલાંના એ ચાર વર્ષોમાં લાખો લોકોના જાનમાલની ખુવારીને યાદ કરીએ તો શાંતિનું મહત્ત્વ માનવીને સમજાય. 
આઇઝનહોવરે કહ્યું હતું કે હું યુદ્ધને નફરત કરું છું, કારણ ફક્ત જેણે યુદ્ધને જોયું છે, અનુભવ્યું છે તેની પીડાને, વેદનાને, નિર્મમતાને અને મૂર્ખતાને જાણી છે એવા સૈનિકની નજરે જ તમે એનો અહેસાસ કરી શકો. 
આપણા જાણીતા કવિ માધવ રામાનુજે પણ કાવ્યની બે પંક્તિમાં સમગ્ર વાતનો સાર આપી દીધો છે...
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો 
ટૅન્ક પર માથું મૂકી ઊંઘી શકું!

gujarati mid-day