05 September, 2025 02:12 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
માત્ર ૫૦૦ રૂપિયાની શરત માટે યુવાને યમુનામાં છલાંગ લગાવતાં વહી ગયો
ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં વિચલિત કરી દે એવી એક ઘટના ઘટી. એમાં દોસ્તો વચ્ચે લાગેલી ૫૦૦ રૂપિયાની શરત જીતવા માટે જુનૈદ નામના એક યુવકે જિંદગી જોખમમાં નાખી દીધી. તેમની વચ્ચે શરત લાગેલી કે તેમનામાંથી જે વ્યક્તિ બ્રિજ પરથી કૂદકો મારીને આ તોફાની યમુના નદી પાર કરી લેશે તેને ૫૦૦ રૂપિયા મળશે. આ વાત પર જોશમાં આવીને એક યુવકે છલાંગ લગાવી દીધી. શરૂઆતમાં તો તે તરતો દેખાયો, પણ યમુનાના જોરદાર પ્રવાહમાં તે ટકી શક્યો નહીં અને પાણીમાં ગાયબ થઈ ગયો હતો. બીજી તરફ આવી શરત લગાવનારા દોસ્તો પણ તેને બચાવવાને બદલે ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોમાંથી કોઈકે આ ઘટના વિશે પોલીસમાં ફરિયાદ કરતાં જુનૈદને શોધવા માટે તરવૈયાઓ ઉતાર્યા હતા, પણ કલાકો તપાસ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.