23 February, 2024 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુનિયાનો સૌથી મોટો સાપ
જ્યારે સાપની વાત આવે ત્યારે માણસો ભયથી ધ્રૂજવા માંડે છે. માત્ર નાના સાપને જોઈને જ વ્યક્તિનો આત્મા કંપી જાય છે, તો કલ્પના કરો કે જો તે દુનિયાના સૌથી મોટા સાપને પોતાની સામે જોશે તો શું થશે! હાલમાં એક ટીવી-ઍન્કર સાથે આવું જ થયું. તે પાણીમાં હતો ત્યારે અચાનક તેને એક સાપ જોવા મળ્યો જેની પ્રજાતિ નવી છે. એટલું જ નહીં, આ સાપ દુનિયાનો સૌથી મોટો સાપ છે. ઍમેઝૉન રેઇનફૉરેસ્ટમાં દુનિયાનો સૌથી મોટો સાપ જોવા મળ્યો છે, જે વાસ્તવમાં નૉર્ધર્ન ગ્રીન ઍનાકૉન્ડા છે. વાઇલ્ડલાઇફ ટીવી પ્રેઝન્ટેટર પ્રોફેસર ફ્રીક વૉન્કે એની શોધ કરી છે. આ સાપનું કદ ૨૬ ફુટ લાંબું છે અને વજન ૨૦૦ કિલો જેટલું છે. સાપનું માથું માણસના માથા જેટલું મોટું છે અને એનું શરીર કારના ટાયર જેટલું પહોળું છે. વૉન્કે આ સાપનો વિડિયો બે દિવસ પહેલાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેણે સાથે લખ્યું છે કે ૯ દેશોના ૧૪ વૈજ્ઞાનિકો સાથે મળીને મેં વિશ્વનો સૌથી મોટો સાપ શોધી કાઢ્યો છે જે ગ્રીન ઍનાકૉન્ડા છે. અત્યાર સુધી ઍમેઝૉનમાં ગ્રીન ઍનાકૉન્ડાની માત્ર એક જ પ્રજાતિ મળી આવી હતી જેને જાયન્ટ ઍનાકા!ન્ડા પણ કહેવાય છે. એક સ્ટડી મુજબ નૉર્ધર્ન ગ્રીન ઍનાકૉન્ડા એક અલગ પ્રજાતિ છે. આના અને અન્ય ઍનાકૉન્ડાના જનીનમાં ૫.૫ ટકાનો તફાવત છે જે ઘણો વધારે માનવામાં આવે છે. મનુષ્ય અને ચિમ્પાન્ઝીના જનીનમાં બે ટકાનો તફાવત છે, એથી એ સંદર્ભમાં ઍનાકૉન્ડા વચ્ચેનો આ તફાવત ઘણો વધુ છે.