11 December, 2025 02:36 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
મોજડી અને કારીગર
રાજસ્થાનના જોધપુરમાં મોહનલાલ ગુર્જર નામના રાજસ્થાની મોજડી બનાવતા કારીગરે તૈયાર કરેલો એક માસ્ટરપીસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચંપલ, સૅન્ડલ, સ્લિપર, શૂઝ હંમેશાં વ્યક્તિના પગના માપ મુજબ બનાવવામાં આવે છે; પણ જોધપુરના મોહનલાલ ગુર્જરે પોતાની મોજડી બનાવવાની કળાને લાર્જર ધૅન લાઇફસાઇઝમાં બનાવી છે. એમાં જોધપુરી જૂતી જેવી બારીક કારીગરી કરવામાં આવી છે; પરંતુ સાઇઝ એટલી જાયન્ટ છે કે એમાં વ્યક્તિનો પગ નહીં, આખી વ્યક્તિ આવી જાય તોય જૂતી મોટી પડે. આ મોજડીને મોહનલાલે પોતાની દુકાનની બહાર સજાવીને મૂકી છે એટલે આવતા-જતા દરેકની નજર એના પર પડે છે. આ મોજડી બનાવવામાં એ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે જે સામાન્ય પગમાં પહેરાતી મોજડીમાં હોય. પગમાં પહેરાતી સાઇઝની મોજડી આઠથી ૧૦ ઇંચની હોય છે, જ્યારે આ મોજડી સાડાઆઠ ફુટની છે. ચાર કારીગરોએ ત્રણ મહિના સુધી મહેનત કરીને આ એક મોજડી બનાવી છે. આ કામનું નેતૃત્વ મોહનલાલ ગુર્જરે કર્યું છે. દિલ્હીના એક એક્ઝિબિશનમાં એ મૂકવામાં આવી છે જે રાજસ્થાની મોજડીની કળાનું નિદર્શન કરે છે. રાજસ્થાની ચમકતા રેશમી ધાગાથી કરેલી એમ્બ્રૉઇડરી કરીને સૂતરના ધાગાથી એને સીવવામાં આવી છે. મોજડીના તળિયામાં ચામડું વપરાયું છે એના પર પણ એમ્બ્રૉઇડરી કરવામાં આવી છે. સાઇઝ જાયન્ટ છે એટલે એનું વજન પણ કિલોમાં છે. ૧૭ કિલો વજનની એક જૂતી કોઈ એક વ્યક્તિ પહેરી શકે એવું તો છે નહીં. મોહનલાલ ગુર્જર મમ્મી ચંદ્રા પાસેથી આ કળા શીખ્યા છે. તેમનાં માતા હવે ૭૫ વર્ષનાં થઈ ગયાં છે છતાં હજી બારીક કારીગરીમાં માહેર છે.