પ્લેનમાં વધારે સામાન લઈ જવાની ટ્રિક ભારે પડી

21 May, 2023 08:14 AM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

દંડથી બચવા માટે ઉતાવળમાં બૅગનું વજન સાત કિલો જેટલું કરવા માટે જે હાથમાં આવ્યાં એ ટી-શર્ટ્સ, જૅકેટ્સ, જમ્પર્સ અને ટ્રાઉઝર્સ પહેરવા માંડી

ઍડ્રિયાના ઓકેમ્પો

ઍરલાઇન્સમાં પ્રવાસ કરનારાઓને એ વાતની જાણ હશે જ કે મર્યાદિત પ્રમાણમાં જ સામાન લઈ જવાની પરવાનગી હોય છે, એથી વધુ સામાન હોય તો એ માટે અલગથી ચાર્જ ચૂકવવો પડે છે. જોકે આ ચાર્જ ચૂકવવાથી બચવા માટે ઘણા લોકો અવનવી ટ્રિકનો ઉપયોગ કરતા હોય છે.

૧૯ વર્ષની ઍડ્રિયાના ઓકેમ્પો માર્ચમાં તેની ફ્રેન્ડ એમિલી અલ્ટામૂરા સાથે ગર્લ્સ ​િટ્ર‌પ કર્યા બાદ જેટ સ્ટાર ઍરલાઇન્સમાં મેલબર્નથી તેના ઘરે ઍડીલેડ, ઑસ્ટ્રેલિયા જઈ રહી હતી. હૉસ્પિટલિટી વર્કરને જાણ હતી કે ૭ કિલો કરતાં વધારે વજન લઈ જવાની પરવાનગી નથી હોતી, પણ ક્રૂને વજન ચેક કરવાનો સમય નહીં મળે એમ માનીને તેણે બૅગ ભરી હતી, જેનું વજન ૧૨.૫ કિલોગ્રામ હતું. જોકે ઍરપોર્ટ પર પહોંચીને જોયું કે ક્રૂ મેમ્બર બધી બૅગનું વજન કરી રહ્યો છે ત્યારે તે દંડથી બચવા માટે ઉતાવળમાં બૅગનું વજન સાત કિલો જેટલું કરવા માટે જે હાથમાં આવ્યાં એ ટી-શર્ટ્સ, જૅકેટ્સ, જમ્પર્સ અને ટ્રાઉઝર્સ પહેરવા માંડી. આમ કરીને તેણે લગભગ ૧૫ કપડાં પહેરી લીધાં.

ઍડ્રિયાના સાથે જ તેની મિત્રએ પણ અનેક ટૉપ્સ અને જૅકેટ્સ ચડાવ્યાં તેમ જ ટ્રાઉઝર્સમાં આઇપૅડ પણ સંતાડ્યું. બન્નેએ ફ્લાઇટમાં ચડવાની કોશિશ કરી, પરંતુ આટલું કર્યા છતાં તેની બૅગનું વજન એક કિલો વધારે હતું. છેવટે એ ક્રૂની નજરમાં આવી જતાં તેમણે બન્ને સહેલીઓને તેમણે પહેરેલાં વધારાનાં કપડાં ઉતારવા જણાવ્યું અને બન્નેએ પોતાની ભૂલ સ્વીકારીને ૬૫ ડૉલર (લગભગ ૫૩૮૯ રૂપિયા)નો દંડ ચૂકવી દીધો. 

offbeat news international news jet airways adelaide melbourne australia