મહિલાએ લૅન્ડ રોવરને વૉટર શાવર સહિતના મોટરહોમમાં પરિવર્તિત કરી

11 January, 2023 11:26 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

૫૫ વર્ષની રિટાયર્ડ મેકૅનિક કૅટરિના સ્મિથ આવતા મહિને આફ્રિકાની ટૂર કરવાની છે એથી કારને તમામ સુવિધાથી સજ્જ કરી છે

મહિલાએ લૅન્ડ રોવરને વૉટર શાવર સહિતના મોટરહોમમાં પરિવર્તિત કરી

એક મહિલાએ લૅન્ડ રોવરને ઇન્ડોર શાવર સાથેના એક લક્ઝરી ઑફ રોડ મોટરહોમમાં પરિવર્તિત કરી છે. આ એસયુવી કારને મોટરહોમમાં પરિવર્તિત કરવા માટે તેણે ૫૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૦ લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો છે. હવે તેની ઇચ્છા આનામાં વિશ્વભ્રમણની છે. ૫૫ વર્ષની રિટાયર્ડ મેકૅનિક કૅટરિના સ્મિથ આવતા મહિને આફ્રિકાની ટૂર કરવાની છે એથી કારને તમામ સુવિધાથી સજ્જ કરી છે. કૅટરિનાના મતે આ કારમાં ગરમ અને ઠંડા પાણીના શાવરની વ્યવસ્થા છે. વળી એના કિચનમાં ગૅસ સ્ટવ, ફ્રિજ અને ઘણું બધું સ્ટોરેજ છે. એની છત પર એક પોપ-અપ ટેન્ટ છે, જે ડબલ બેડ માટેની સુવિધા છે. ગાડીની અંદર એક બીજો ડબલ બેડ છે. વળી આ ગાડીની ચોરી ન થઈ શકે એ માટે ઘણી સુરક્ષા-વ્યવસ્થા રાખી છે. કૅટરિનાએ કહ્યું કે આ એક સારું વાહન છે જેની પાછળ મેં ૩૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૩૦ લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો. કૅટરિના ઇજિપ્ત, સુદાન, ઇથિયોપિયા, કેપ ટાઉન અને મૉરોક્કો જવાની છે. કૅટરિનાએ શિક્ષક તરીકે પણ કામ કર્યું છે. તે યુગાન્ડામાં આવેલા લિટલ એન્જલ અનાથાલયમાં સ્વયંસેવક તરીકે પણ કામ કરશે. કૅટરિના કંઈ શિખાઉ નથી, તે અગાઉ ૧૧ વર્ષ પહેલાં એક ક્વેડ બાઇકમાં ટિમ્બકટુની સફર ખેડી ચૂકી છે. તેણે પોતાના એક મિત્ર સાથે ૧૨,૦૦૦ માઇલનો પ્રવાસ કર્યો હતો; જેમાં તે સ્પેન, મૉરોક્કો, સહારા રણ, સેનેગલ અને માલી થઈને ​ટિમ્બકટુ પહોંચી હતી.

offbeat news international news automobiles cape town africa