29 July, 2025 02:10 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલી મહિલાને બેહોશીનું ઇન્જેક્શન આપીને તેના પર હૉસ્પિટલના કમ્પાઉન્ડર યોગેશ પાંડેએ બળાત્કાર કર્યો હોવાની આંચકાજનક ઘટના બની છે. ૨૬ જુલાઈએ વહેલી સવારે ૪ વાગ્યે ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)ના બેડ પર હૉસ્પિટલના કર્મચારી યોગેશ પાંડેએ સારવારના બહાને મહિલાને ઍનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું હતું અને એને કારણે મહિલા બેભાન થઈ ગઈ એ પછી આરોપીએ તેના પર બળાત્કાર કર્યો હતો.
ભાનમાં આવ્યા બાદ મહિલાએ પરિવારને ઘટનાની જાણ કરી હતી અને પોલીસમાં ફરિયાદ કરતાં યોગેશની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન આરોપીએ જણાવ્યું હતું કે નાઇટ-શિફ્ટમાં ફરજ દરમ્યાન તેણે અન્ય દરદીઓ અને તેમનાં સગાંસંબંધીઓને ઇમર્જન્સી વૉર્ડમાંથી બહાર મોકલી દીધાં હતાં. જ્યારે મહિલાએ ભાનમાં આવ્યા બાદ વિરોધ કર્યો ત્યારે તે ગભરાઈને હૉસ્પિટલમાંથી ભાગી ગયો હતો.