નકલી રિશ્તેદાર બનીને ઘરમાં આવી, વિશ્વાસ જીત્યો અને પછી નશીલો કાઢો પિવડાવીને ઘર લૂંટી લીધું

31 July, 2026 11:43 AM IST  |  Bhojpur | Gujarati Mid-day Correspondent

બિહારમાં એક મહિલાએ દૂરની સંબંધી હોવાનો ઢોંગ કરીને પરિવારમાં આશરો લીધો. બાદમાં કાઢો પીવડાવી બધાને બેભાન કરી લાખો રૂપિયાના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગઈ, જેને પોલીસે બાદમાં ઝડપી લીધી.

નકલી રિશ્તેદાર બનીને ઘરમાં આવી, વિશ્વાસ જીત્યો અને પછી નશીલો કાઢો પિવડાવીને ઘર લૂંટી લીધું

બિહારના ભોજપુર જિલ્લાના લસાઢી નામના ગામમાં એક મહિલાએ પોતાને દૂરના સંબંધીની દીકરી ગણાવીને એક પરિવારમાં રહેવાની જગ્યા કરી લીધી. સીમા નામની આ મહિલા મૂળ પટના પાસેના એતવારુપુર ગામની રહેવાસી છે, પરંતુ તેણે લસાઢીના રાકેશ રોશનના ઘરમાં આશરો લીધો ત્યારે પોતાને રાકેશની મમ્મીના ગામના દૂરના મામાની દીકરી ગણાવી હતી. રાકેશ અને તેની માએ તેને મોસાળ પક્ષની દૂરની સંબંધી છે એમ સમજીને ઘરમાં રાખી લીધી હતી. જોકે આ મહિલાએ રાતના સમયે જમ્યા પછી બધા માટે એક ખાસ કાઢો બનાવીને પિવડાવ્યો. એ કાઢાને કારણે બધા ઘેરી ઊંઘમાં સૂઈ ગયા. એ પછી સીમા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ હતી. બુધવારે રાતે પોલીસે સીમાને પકડી લીધી હતી અને તેની પાસેથી અઢી લાખ રૂપિયા રોકડા, સોનાના ત્રણ ઇઅર-રિંગ્સ, ત્રણ મંગલસૂત્ર, ત્રણ ચેઇન અને બે કિલો ચાંદી જેટલો માલ રિકવર કર્યો હતો. 
સીમા આ પહેલાં પણ ભોળવાઈ જાય એવા લોકોને ત્યાં સંબંધી બનીને રહેવા પહોંચી જતી હતી અને તેમને લૂંટી લેતી હતી. આ માટે તે કયા પરિવારને લપેટામાં લેવો છે એનું પ્લાનિંગ તેની ટોળકી સાથે મળીને કરતી હતી. 

bihar Crime News news offbeat news hatke news