25 July, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ફ્લાઇટમાં મુસાફરોને થયેલી હેરાનગતિ કે પછી તેમની ક્રૂ મેમ્બર કે પછી બીજા પ્રવાસીઓ સાથે થયેલો વિવાદ, આવી અનેક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. તાજેતરમાં પણ એવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
મીડિયા અહેવાલ મુજબ, મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી ચીનના ચેંગડુ જતી ઍર એશિયાની ફ્લાઇટમાં કૅબિનની લાઇટ ઝાંખી થઈ ગયા પછી જોરથી વાતો કરવા બદલ મહિલાઓના એક જૂથ વચ્ચે પ્લેનમાં જ ઝઘડો થયો હતો. મહિલાઓના જૂથની પાછળ બેઠેલા એક પુરુષ મુસાફરે, જે સ્પષ્ટપણે તેમના જોરથી વાતો કરવાથી હેરાન થયો હતો. આ વ્યક્તિએ જોરથી બોલી રહેલી મહિલાઓના જૂથના અવાજ ઓછો કરવા કહ્યું ત્યારે તેમના વચ્ચે જોરદાર ઝઘડો શરૂ થયો. જ્યારે પુરુષે કથિત રીતે તેમને આવા વર્તન માટે ‘મૂર્ખ’ કહ્યા અને તેમને ‘ચુપ રહેવા’ કહ્યું ત્યારે બન્ને વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી ગઈ.
વિવાદ વધતાં જૂથમાંથી એક ગુસ્સે ભરાયેલી મહિલાએ તેની સીટ પર ચઢી જઈને પુરુષને મુક્કો માર્યો ત્યારે શાબ્દિક વાતચીત ટૂંક સમયમાં હિંસક બની ગઈ. બીજી એક મહિલા પણ તેમાં જોડાઈ ગઈ, જ્યારે તે તેના ફૂડ ટ્રે પાછળ ઢળી ગયો ત્યારે તેને માર માર્યો. ફ્લાઇટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કૅબિન ક્રૂ દરમિયાનગીરી કરીને મારપીટ કરી રહેલા પ્રવાસીઓને અલગ કરવાનો પ્રયાસ કરતા દેખાઈ રહ્યા છે. ઘણા પ્રયત્નો પછી, ફ્લાઇટ ક્રૂએ સફળતાપૂર્વક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી, જેનાથી સંઘર્ષનો અંત આવ્યો.
આ ઘટના ઍરબસ A320 પર બની હતી જે સોમવારે સાંજે 6.11 વાગ્યે કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી રવાના થઈ હતી અને રાત્રે 10.13 વાગ્યે ચેંગડુ તિયાનફુ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઉતરી હતી.
ઍર એશિયાની પ્રતિક્રિયા
વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઍરએશિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, તેના કૅબિન ક્રૂએ તાત્કાલિક અને વ્યાવસાયિક રીતે પરિસ્થિતિને સંભાળી હતી, પ્રમાણભૂત સલામતી પ્રોટોકોલનું પાલન કર્યું હતું. આ ઘટનાથી પરત ફ્લાઇટના સમયપત્રકને અસર થઈ ન હતી કે કામગીરીમાં વિક્ષેપ પડ્યો ન હતો. AAX એ તમામ મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન આદરપૂર્ણ રહેવા વિનંતી કરી હતી, અને બોર્ડમાં અન્ય લોકોના આરામ, સલામતી અથવા અનુભવ સાથે સમાધાન કરતા વર્તન માટે તેની શૂન્ય-સહિષ્ણુતા નીતિ પર ભાર મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક સમયથી ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન સતત આવી ઘટનાઓ બનવાના સમાચાર આવી રહ્યા છે. જેને લઈને મુસાફરોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. તાજેતરમાં ભારતમાં પણ એક ફ્લાઇટમાં કોકપિટમાં બે લોકોએ બળજબરીથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને પછીથી પકડી સુરક્ષા રક્ષકોને સોંપવામાં આવ્યો હતો.