અમેરિકાના આકાશમાં જોવા મળ્યો નૅચરલ લાઇટ શો

27 March, 2023 11:22 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નિષ્ણાતોએ દાવો કર્યો છે કે વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન આકાશમાં દેખાતા રંગો નક્કી કરે છે

અમેરિકાના આકાશમાં જોવા મળ્યો નૅચરલ લાઇટ શો

તાજેતરમાં અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં ઔરોરા બોરિયલિસને કારણે લીલા રંગનો લાઇટ શો જોવા મળ્યો હતો. લોકોએ સોશ્યલ મીડિયામાં એના ઘણા વિડિયો શૅર કર્યા હતા. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઇટ્રોજન આકાશમાં દેખાતા રંગો નક્કી કરે છે. નાઇટ્રોજન અને ઑક્સિજન અનુક્રમે લીલો, લાલ અને વાદળી રંગનો મુખ્ય સ્રોત છે. 
નાસાએ જણાવ્યા અનુસાર જો તમે નૉર્થ અને સાઉથ પોલની નજીક જાઓ તો તમને ઔરોરા જોવા મળી શકે છે. ઘણી વાર આકાશમાં સુંદર લાઇટ શો થાય છે એને ઔરોરા કહેવામાં આવે છે. જો તમે નૉર્થ પોલ નજીક હો તો એને ઔરોરા બોરેલ અથવા નૉર્ધર્ન લાઇટ્સ અને જો તમે સાઉથ પોલની નજીક હો તો ઔરોરા ઑસ્ટ્રેલિસ અથવા સધર્ન લાઇટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે. 
સૂર્યને કારણે ઔરોરા થાય છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી સિવાય પણ ઘણું આપે છે. એ અન્ય ઊર્જા અને નાના કણોને પણ મોકલે છે, પરંતુ પૃથ્વીની ફરતે રહેલુ ચુંબકીય ક્ષેત્ર આપણને આવી ઊર્જા અને કણોથી બચાવે છે. જોકે સૂર્ય એકસમાન ઊર્જા મોકલતો નથી. સૂર્યમાં પણ તોફાન છે. આવા વાવાઝોડા દરમ્યાન સૂર્ય એક ઇલેક્ટ્રિફાઇડ ગૅસનો એક વિશાળ પરપોટો બહાર કાઢે છે, જે અવકાશમાં ખૂબ ઝડપે મુસાફરી કરી શકે છે. આવી કેટલીક ઊર્જા અને કણો ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર આપણા વાતાવરણમાં વાયુ સાથે પ્રતિક્રિયા કરે છે જેને પરિણામે આકાશમાં સુંદર પ્રકાશ દેખાય છે.

offbeat news international news united states of america nasa washington