મંદિરના મેળામાંથી ખરીદેલી બેડશીટ પર ‘Made in Pakistan’ ટેગ, પોલીસ એક્શનમાં

06 June, 2026 07:22 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Viral Video: મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં એક બેડશીટ પર ‘Made in Pakistan’ લખાયેલો ટેગ મળતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસન હરકતમાં આવી ગયા છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડ વિસ્તારમાં એક બેડશીટ પર ‘Made in Pakistan’ લખાયેલો ટેગ મળતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસન હરકતમાં આવી ગયા છે. એક સ્થાનિક મહિલાએ દાવો કર્યો છે કે તેણે સંકષ્ટી ચતુર્થી મેળામાંથી આ બેડશીટ ખરીદી હતી. ઘરે બેડશીટ ધોયા બાદ તેના પર લાગેલો ટેગ નજરે પડ્યો, જેમાં ‘Made in Pakistan’ લખેલું હતું. ત્યારબાદ મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યો કે પાકિસ્તાનમાં બનેલા ઉત્પાદનો સ્થાનિક બજારો સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં ‘Made in Pakistan’ લેબલ ધરાવતા કોસ્મેટિક ઉત્પાદનોના વેચાણના આરોપસર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ રીતે સામે આવ્યો મામલો

માહિતી મુજબ, મહિલાએ આ બેડશીટ ચિંચવડમાં આવેલા મોરયા ગોસાવી મંદિર પરિસર નજીક યોજાયેલા સંકષ્ટી ચતુર્થી મેળામાંથી ખરીદી હતી. ખરીદી વખતે તેને કોઈ શંકાસ્પદ બાબત જણાઈ નહોતી. જોકે, બેડશીટ ધોયા પછી તેણે ફરી તપાસ કરતાં તેના પર લાગેલો ‘Made in Pakistan’ ટેગ જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું. મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેના પગલે પિંપરી-ચિંચવડ પોલીસે મામલાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે.

તપાસ માટે વિશેષ ટીમની રચના

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેડશીટની વાસ્તવિક ઉત્પત્તિ, સપ્લાય ચેઇન અને વેચાણકર્તા સુધી પહોંચવા માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. ટીમ એ પણ તપાસ કરશે કે આ બેડશીટ મેળામાં કયા માધ્યમથી પહોંચી અને તેની પાછળ કોઈ મોટું વિતરણ નેટવર્ક કાર્યરત છે કે નહીં.

આ ઉપરાંત પોલીસે પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાને પત્ર લખીને મેળા તેમજ સ્થાનિક બજારોમાં આવા ઉત્પાદનો વેચતા વેપારીઓની તપાસ કરવા અને નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.