20 March, 2023 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૅશન-બ્લૉગર શિવમ ભારદ્વાજે મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાની જેમ સ્કર્ટ પહેરીને કૅટવૉક કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.
કોઈએ સાચું જ કહ્યું છે કે ફૅશનને કોઈ સીમાડા નડતા નથી. સ્ત્રીઓ જ્યારે પુરુષસમોવડી થઈ રહી છે તો પછી પુરુષો કેમ પાછળ રહી જાય? સ્ત્રીઓ પુરુષો જેવાં વસ્ત્રો પહેરતી થઈ છે તો સામા પક્ષે પુરુષોએ પણ મહિલાઓનાં વસ્ત્રો તેમ જ અદાઓ અપનાવવા માંડી છે.
આવી જ એક ઘટનામાં એક ફૅશન-બ્લૉગર શિવમ ભારદ્વાજે મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાની જેમ સ્કર્ટ પહેરીને કૅટવૉક કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. શિવમ ભારદ્વાજ ઇન્સ્ટાગ્રામ પર ૩૦,૦૦૦ કરતાં વધુ ફૉલોઅર્સ ધરાવે છે.
શિવમ નિયમિત ઇન્સ્ટાગ્રામ પર ફૅશન રીલ્સ, મૂળ શૈલીની પ્રેરણા આપતા કૉસ્ચ્યુમ તથા ડીઆઇવાય સ્કર્ટ પ્રોજેક્ટ્સ શૅર કરે છે. એના વિડિયો પરની કમેન્ટ્માં કોઈકે લખ્યું હતું કે તમે પુરુષોને જાહેરમાં આવો પોશાક પહેરેલો જોશો નહીં તો આ પ્રકારનાં ગતકડાં કરવાનું બંધ કરો. બસ આ વિડિયોના જવાબમાં શિવમે મુંબઈની લોકલ ટ્રેનમાં મૉડલની જેમ તૈયાર થઈને કાળા રંગનું સ્કર્ટ પહેરીને કૅટવૉક કર્યું હતું, ત્યારે લોકલ ટ્રેનના મુસાફરો તેને કુતૂહલતાથી જોઈ રહ્યા હતા. શિવમના વિડિયોને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.