21 July, 2025 01:44 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
તામિલનાડુના નીલગિરિમાં બે દીપડા સાથે જોવા મળ્યો બ્લૅક પૅન્થર
તામિલનાડુના નીલગિરિમાં બે દીપડાઓ સાથે ફરતા એક દુર્લભ બ્લૅક પૅન્થરને દર્શાવતો વિડિયો વાઇરલ થયો છે. ૧૬ જુલાઈની વહેલી સવારે રસ્તાની બાજુના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં રેકૉર્ડ થયેલું આ આશ્ચર્યજનક ફુટેજ વાઇરલ થયું છે, જેનાથી વન્યજીવનપ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રાતે બે વાગ્યાની આસપાસ નીલગિરિ બાયોસ્ફિયર રિઝર્વમાં રસ્તા પર લગભગ સંપૂર્ણ લયમાં આ ત્રિપુટી શાંતિથી ફરતી જોવા મળી હતી. CCTV ક્લિપ્સમાં પ્રાણીઓને અનેક ઍન્ગલથી દર્શાવવામાં આવ્યાં છે, પહેલાં તેઓ રસ્તાની નજીક આવતાં દેખાય છે, પછી કૅમેરાની નજીકથી પસાર થતાં અને છેવટે આસપાસની ઝાડીઓમાં ગાયબ થઈ જતાં દેખાય છે.
આ સંદર્ભમાં ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS)ના એક અધિકારીએ કહ્યું હતું કે બઘીરા એટલે કે કાળો દીપડો અને અન્ય મિત્રો નીલગિરિના રસ્તાઓ પર રાતે ફરવા નીકળ્યા છે એ કેટલી દુર્લભ વાત છે, મેલનિસ્ટિક એટલે કે જેનામાં બ્લૅક પિગમન્ટેશન વધારે છે અને નૉન-મેલનિસ્ટિક પ્રજાતિઓ એકસાથે ભટકે એ અસામાન્ય છે.