બ્રાઝિલના પશુમેળામાં ૪૦ કરોડ રૂપિયામાં વેચાઈ ભારતીય નેલ્લોર નસલની આ ગાય

08 February, 2025 09:03 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

સફેદ ફરવાળી લટકતી ચામડી, ઊંચી ખડતલ કાયા, પીઠ પર ઊભરેલી ખૂંધ એને ખૂબસૂરત બનાવે છે. ઢીલી ત્વચાને લીધે ગરમી દૂર કરવામાં મદદ મળે છે, ખૂંધમાં જમા થયેલી ચરબી ભોજનની કમી હોય ત્યારે એને પોષણ આપે છે.

બ્રાઝિલના પશુમેળામાં ૪૦ કરોડ રૂપિયામાં વેચાઈ ભારતીય નેલ્લોર નસલની આ ગાય

બ્રાઝિલના મીનસ ગેરે નામના રાજ્યમાં યોજાયેલી પશુઓની લિલામીમાં નેલ્લોર નસલની ગાય વિયાટિના-19 ૪.૮ મિલ્યન ડૉલર (લગભગ ૪૦ કરોડ રૂપિયા)માં ખરીદવામાં આવી છે. અત્યાર સુધી દુનિયામાં સૌથી મોંઘી વેચાયેલી ભારતીય નેલ્લોર નસલની આ ગાયને એની રેકૉર્ડબ્રેકિંગ કિંમત માટે ગિનેસ ‌વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. વિયાટિના-19નું વજન ૧૧૦૧ કિલો છે જે એની જ નસલની ગાયના ઍવરેજ વજન કરતાં બમણું છે. ચૅમ્પિયન્સ ઑફ વર્લ્ડ પ્રતિયોગિતામાં આ ગાયને ‘મિસ સાઉથ અમેરિકા’નો ખિતાબ પણ મળ્યો છે. એના ભ્રૂણ દુનિયાભરમાં પશુઓના પ્રજનન કાર્યક્રમમાં ઉત્તમ નસલનું સર્જન કરવા માટે નિકાસ કરવામાં આવે છે. ગાયોની એકદમ ઉત્તમ નસલ ગણાતી નેલ્લોર નસલ મૂળ ભારતની આંધ્ર પ્રદેશ અને તેલંગણની છે અને એને ઑન્ગોલ નસલ પણ કહેવામાં આવે છે. આ નસલની ખાસિયત એની અનુકૂલનશીલતા અને અતિશય ગરમી સહન કરવાની શક્તિ છે. આ સાથે એની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોય છે એથી આફ્રિકા અને સાઉથ અમેરિકા જેવા ઉષ્ણ કટિબંધમાં આવેલા દેશોમાં એની વિશેષ ડિમાન્ડ રહે છે. ઓછામાં ઓછી દેખભાળ સાથે એકદમ કપરા સંજોગોમાં જીવિત રહેવાની આ નસલની ક્ષમતા એને વધુ ખાસ બનાવે છે. નેલ્લોર નસલની ગાયની શારીરિક બનાવટ પણ એકદમ આકર્ષક હોય છે. સફેદ ફરવાળી લટકતી ચામડી, ઊંચી ખડતલ કાયા, પીઠ પર ઊભરેલી ખૂંધ એને ખૂબસૂરત બનાવે છે. ઢીલી ત્વચાને લીધે ગરમી દૂર કરવામાં મદદ મળે છે, ખૂંધમાં જમા થયેલી ચરબી ભોજનની કમી હોય ત્યારે એને પોષણ આપે છે. નેલ્લોર નસલની ગાયોએ પ્રભાવશાળી માંસપેશીઓ ઉચ્ચતમ પ્રજનનક્ષમતાને કારણે બ્રાઝિલમાં પશુધનની ઉત્પાદકતા વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

offbeat news united states of america international news world news guinness book of world records new york