દરિયાઈ શેવાળને બચાવવાના કામમાં એઆઇ ટેક્નૉલૉજીને કારણે મળી મદદ

06 June, 2023 08:03 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

નાગરિક સંસ્થા દ્વારા ધ ગ્રેટ ​બૅરિયર્સની ગણતરી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઑસ્ટ્રેલિયામાં બહુ મોટા વિસ્તારમાં દરિયાઈ શેવાળ છે, જે ૨૩૦૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે. એ ગ્રેટ બૅરિયર રીફ તરીકે પણ ઓળખાય છે, જેમાં એની અલગ-અલગ ૨૯૦૦ પ્રજાતિ મળી આવી છે. જોકે તાજેતરમાં દરિયાના પાણીનું તાપમાન વધવાથી એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એને બચાવવા માટે વાઇલ્ડલાઇફ એક્સપર્ટ, સામાન્ય નાગરિક અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે (એઆઇ) ભેગા મળીને કામ શરૂ કર્યું છે. નાગરિક સંસ્થા દ્વારા ધ ગ્રેટ ​બૅરિયર્સની ગણતરી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકો એના ફોટો પાડે છે અને ક્યાં-ક્યાં શેવાળને નુકસાન થયું છે એની ઓળખ કરવામાં આવે છે. સમુદ્રમાં ડાઇવિંગ કરવા જતા પ્રવાસીઓ અને નિષ્ણાતો આ શે‍વાળના ફોટો લે છે અને એને એક સિસ્ટમમાં અપલોડ કરવામાં આવે છે. એ પછી એનો અભ્યાસ કરવામાં આવે છે. શરૂઆતમાં આ પ્રક્રિયા ધીમી હતી, પરંતુ ડેલ ટેક્નૉલૉજી દ્વારા તૈયાર કરવામાં આવેલા એઆઇને કારણે એક જ દિવસમાં હજારો ફોટોની સમીક્ષા કરવામાં આવે છે. સમુદ્રમાં આ શે‍વાળ યુકે, સ્વિટ્ઝરલૅન્ડ અને નેધરલૅન્ડ્સના સંયુક્ત વિસ્તાર કરતાં મોટા વિસ્તારમાં ફેલાયેલી છે.

સૌથી વધુ નુકસાન થયાની નોંધ ૧૯૯૮માં લેવાઈ હતી. એ નુકસાન બ્લીચિંગને કારણે થયું હતું, જેમાં દરિયાના પાણીની ગરમી વધતાં શેવાળનો રંગ સફેદ થઈ જાય છે. ૨૦૧૬માં પણ આવી ઘટના બનતાં સમગ્ર દુનિયામાં એની નોંધ લેવાઈ હતી. ત્યાર બાદ એને બચાવવાની ઝુંબેશ શરૂ થઈ હતી. અગાઉ એનજીઓ દ્વારા ૬૦,૦૦૦ ફોટો પાડવામાં આવ્યા હતા ત્યારે તેમની પાસે પૂરતા પૈસા અને નિષ્ણાતો પણ નહોતા. એઆઇને કારણે શે‍વાળને ઓળખવાની પ્રક્રિયા ઝડપી બની હતી. કયા વિસ્તારમાં કયા પ્રકારની શે‍વાળ વધુ છે એ તમામ માહિતી એકઠી કરવામાં આવી હતી. 

offbeat news international news australia