06 November, 2026 04:28 PM IST | San Francisco | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
આજના સમયમાં સારી નોકરી મેળવવા અનુભવ અને સ્કિલની જરૂર પડે છે, પરંતુ અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોમાં એક અનોખી જૉબ માટે ભરતી શરૂ થઈ છે. અત્યાર સુધી પાળેલા કૂતરાઓને વૉક પર લઈ જવાની સર્વિસ વિશે આપણે સાંભળ્યું હતું, પણ હવે સૅન ફ્રાન્સિસ્કોમાં એક સ્ટાર્ટઅપે રોબો ડૉગને ફેરવવા લઈ જવા માટે પ્લેસમેન્ટ ઑફર શરૂ કરી છે. એક કલાક સુધી રોબો ડૉગને રસ્તા પર ફરવા લઈ જવા માટે કંપની કર્મચારીને ૧૭૦૦ રૂપિયા ઑફર કરે છે. સાંભળીને આ કામ તો કોઈ મનોરંજન જેવું લાગે છે, રાઇટ? પણ એવું છે નહીં. આ કંપની રોબો ડૉગને ચલાવીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને તાલીમ આપવા માગે છે જેથી ભવિષ્યમાં રોબો માણસ વિના વાસ્તવિક દુનિયામાં કામ કરી શકે.
સૅન ફ્રાન્સિસ્કોમાં આવેલી ડાઇમેન્શનલ નામની રોબોટિક કંપનીએ ડૉગ-વૉકરની જગ્યાએ ભરતી થયેલા કર્મચારીઓને રોબો ડૉગ સાથે નિર્ધારિત રૂટ પર ચારથી ૬ કલાક સુધી રસ્તા પર પગપાળા ચાલવાનું કહ્યું હતું. આ માટે કોઈ રોબોટિક્સના અનુભવની જરૂર નથી. મોબાઇલ ઍપ કે કન્ટ્રોલરની મદદથી તમારે રોબોને ચલાવવાનો રહે. જોકે રસ્તામાં ચાલતાં-ચાલતાં રોબોની બૅટરી પૂરી થઈ જાય તો તમે એને એમ જ રસ્તે રઝળતો મૂકીને આવી શકો નહીં. તમારે ૧૫ કિલો વજનના રોબોને ઊંચકીને કંપનીના સેન્ટર સુધી લઈ આવવો પડે.