મોબાઇલનું નેટવર્ક ન આવ્યું એટલે ગામજનોનો ગુસ્સો ફાટ્યો, ટાવરના કર્મચારીને પકડીને ટાવર સાથે જ બાંધી દીધો

12 September, 2026 02:44 PM IST  |  Fatehpur | Gujarati Mid-day Correspondent

ગામજનોનો આરોપ છે કે ગામમાં આશરે બે વર્ષ પહેલાં જ મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હોવા છતાં નેટવર્કની સમસ્યા જેમની તેમ છે

ગ્રામજનોએ કર્મચારીને બાંધીને શરત મૂકી હતી

મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટની ખોરવાયેલી કનેક્ટિવિટીના મુદ્દે છેલ્લાં બે વર્ષથી ત્રાસી ગયેલા ગ્રામજનોનો આક્રોશ એ સમયે સીમા વટાવી ગયો જ્યારે ટાવરની દેખરેખ માટે એક ટેક્નિશ્યન ગામમાં પહોંચ્યો.

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હરદૌલી ગામમાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ આ કર્મચારીને ઘેરી લીધો અને ટાવરના થાંભલા સાથે જ બાંધીને બંધક બનાવી દીધો.

ગામજનોનો આરોપ છે કે ગામમાં આશરે બે વર્ષ પહેલાં જ મોબાઇલ ટાવર ઊભો કરવામાં આવ્યો હોવા છતાં નેટવર્કની સમસ્યા જેમની તેમ છે. ગામમાં નેટવર્ક એટલું નબળું આવે છે કે કૉલિંગ કરવું કે ઇન્ટરનેટ ચલાવવું અત્યંત મુશ્કેલ બની જાય છે. ઑનલાઇન કામકાજ અટકી જતાં લોકો લાંબા સમયથી પરેશાન હતા.

ગ્રામજનોએ કર્મચારીને બાંધીને શરત મૂકી કે જ્યાં સુધી સંબંધિત કંપનીના સિનિયર અધિકારીઓ સ્થળ પર આવીને નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવે ત્યાં સુધી કર્મચારીને મુક્ત કરવામાં નહીં આવે. ટાવરના કર્મચારીને ઘેરીને બાંધી રાખવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

uttar pradesh viral videos offbeat news national news news