03 November, 2025 05:56 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મુહમ્મદાબાદમાં એક ફાટક પાસે શનિવારે બપોરે દોઢ વાગ્યાના અરસામાં એક દુખદ ઘટના ઘટી. ફાટક પાસે પંચાવન વર્ષનાં મીલાદેવી પાંચ વર્ષના અનુજ અને પાડોશણ સુભાવતીદેવીની સાથે બકરીઓ ચરાવવા ગયાં હતાં. એ વખતે અચાનક જ બકરીઓ ચરતાં-ચરતાં ફાટક ક્રૉસ કરીને રેલવે-ટ્રૅક પર પહોંચી ગઈ હતી. કાખમાં અનુજને લઈને ઊભેલાં મીલાદેવીએ જોયું કે એક તરફથી ટ્રેન આવી રહી છે એટલે તરત જ તેઓ બકરીને હાંકવા ટ્રૅક પર દોડ્યાં. જોકે એ જ વખતે બીજા ટ્રૅક પર બીજી ટ્રેન આવી રહી હતી. પાડોશણ બહેને બૂમો પાડી, પરંતુ ટ્રેનના હૉર્નની વચ્ચે અવાજ મીલાદેવીને સંભળાયો જ નહીં અને એ ફાટક પાસે ગરીબ નવાઝ એક્સપ્રેસ અને ક્લોન એક્સપ્રેસ ટ્રેન સામસામેથી સ્પીડમાં પસાર થઈ રહી હતી એની વચ્ચે મીલાદેવી અને અનુજ કપાઈ ગયાં હતાં.