27 September, 2023 09:01 PM IST | Moradabad | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે કીમતી વસ્તુ સાચવવા માટે લોકો બૅન્કનું લોકર પસંદ કરતાં હોય છે, પણ જો આ લોકર જ જોખમી બની જાય તો હાલત કેવી કફોડી બને? આવું જ કંઈક ઉત્તર પ્રદેશ (UP News)માં બન્યું છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ (Moradabad)માં એક મહિલાએ લગભગ દોઢ વર્ષથી બૅન્કના લોકરમાં 18 લાખ રૂપિયા રોકડા સાચવીને રાખ્યા હતા. જોકે, તેણીના પૈસા સુરક્ષિત રહ્યા ન હતા. ના! બૅન્કમાં ચોરી તો નહતી થઈ, પરંતુ ઊધઈ લૉકરમાં મૂકેલા રોકડા પૈસા ચાવી ગઈ હતી.
આ મહિલાનું નામ અલકા પાઠક છે. તેમણે ઑક્ટોબર 2022માં તેની પુત્રીના લગ્ન માટે રાખવામાં આવેલા કેટલાક દાગીના સહિત પૈસા લોકરમાં મૂકી દીધા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બૅન્ક દ્વારા લોકરના વાર્ષિક મેન્ટેનન્સ અને KYC વેરિફિકેશન માટે અલકા પાઠકને બોલાવવામાં આવ્યાં હતાં. જ્યારે તેણીએ લોકરનું તાળું ખોલ્યું, ત્યારે તે ચોંકી ગઈ હતી.
જ્યારે તેણીએ લોકરનું તાળું ખોલ્યું, ત્યારે તેણીએ જોયું કે તેમની રોકડ રકમને ઊધઈ (Offbeat News) ખાય ગઈ છે. મહિલાએ તરત જ બૅન્કના શાખા મેનેજરને આ ઘટનાની જાણ કરી હતી, જેથી બૅન્કમાં પણ ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. બૅન્કના શાખા મેનેજરે મહિલાની ફરિયાદ સાંભળીને તપાસનો આદેશ આપ્યો હતો.
નાનો ધંધો કરતી અને ટ્યુશન ક્લાસ ચલાવતી અલકા પાઠકે પોતાની રોકડ બચત અને દાગીના લોકરમાં સાચવી રાખ્યા હતા. લોકર સ્ટોરેજ માટે જરૂરી સાવચેતીઓથી અજાણ, તેણીએ તેની પુત્રીના લગ્ન માટે ભંડોળનો ઉપયોગ કરવાના ઇરાદાથી કેટલાક મૂલ્યવાન દાગીનાની સાથે આશરે રૂા. 18 લાખ મૂક્યા હતા.
બૅન્ક લોકરમાં રોકડ અને કીમતી ચીજવસ્તુઓ સાચવવા માટે જરૂરી ચોક્કસ શરતોથી તે અજાણ હોવાનું સ્વીકારતા, અલ્કાએ ખુલાસો કર્યો કે તેણી જાણતી નહતી કે, આ રીતે પૈસા બૅન્કના લોકરમાં મૂકવા જોઈએ નહીં. બ્રાન્ચ મેનેજરે ઘટનાની જાણ કરી છે અને નુકસાનની હદની આકારણી કરવા તપાસ શરૂ કરી છે.