05 June, 2026 01:50 PM IST | Etawah | Gujarati Mid-day Correspondent
કોમલ સિંહ
ઉત્તર પ્રદેશના ઇટાવાની સેન્ટ્રલ જેલ જોવાની ધૂનમાં એક યુવકે પત્નીને તમંચો તાણીને ડરાવી અને પછી જાતે જ બે કારતૂસ લઈને પોલીસચોકીમાં પહોંચી ગયો હતો. પત્ની પર જુલમ કરનારા પતિઓ તો ઘણા જોયા હશે, પણ અહેરીપુર ગામનો ટ્રૅક્ટર ચલાવવાનું કામ કરતો કોમલ સિંહ સનકી દિમાગનો છે. આએ દિન કંઈક છમકલાં કરીને પોલીસના હાથે ચડી જતો કોમલ સિંહ પોલીસ-કસ્ટડીની હવા તો ખાઈ જ ચૂક્યો છે, પણ તેને સેન્ટ્રલ જેલનો માહોલ જોવાની બહુ ઇચ્છા હતી. થોડા દિવસ પહેલાં તેણે પોતાનો તમંચો પત્ની પર તાણી દીધો હતો. એને કારણે ઘરમાં થોડીક વાર માટે તંગદિલી થઈ ગઈ. એ પછી તે તમંચો લઈને પોલીસ-સ્ટેશન પહોંચી ગયો. એ વખતે પણ તેણે તમંચો હાથમાં લહેરાવ્યો હતો. પોલીસે તેની પાસેથી ૩૧૫ બોરનો તમંચો અને બે કારતૂસ જપ્ત કર્યાં હતાં. ગેરકાનૂની હથિયાર રાખવાના અને પત્નીને ધમકાવવાના આરોપમાં પોલીસે તેને પકડ્યો તો ભાઈસાહેબે કહ્યું કે મને સેન્ટ્રલ જેલમાં મોકલો તો સારું; મારે સાદી કસ્ટડીમાં નહીં, સેન્ટ્રલ જેલમાં જવું છે; એવી જેલમાં જ્યાં કેદીઓને મળવા માટે પરિવારજનો આવે ત્યારે વચ્ચે જાળી રાખવામાં આવે છે. તેની અસંદિગ્ધ વાતો સાંભળીને પોલીસે મેડિકલ તપાસ માટે તેને હૉસ્પિટલમાં મોકલ્યો હતો. અહીં પણ તેણે કહ્યું કે તે થોડાક સમય માટે સેન્ટ્રલ જેલની હવા ખાવા માગે છે એટલે તેણે પોલીસને સરેન્ડર કર્યું હતું, બાકી તેને વિશ્વાસ છે કે તેની પત્ની થોડા જ દિવસમાં તેને છોડાવી દેશે. તેની પત્ની જ્યારે મળવા આવી ત્યારે તેણે કહ્યું કે જેલમાંથી છૂટીને હું તને નવાં કપડાં લઈ આપીશ.