03 September, 2025 12:11 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
૭ વર્ષ પહેલાં ગાયબ થઈ ગયેલો પતિ ઇન્સ્ટાગ્રામની રીલમાં દેખાયો, તપાસ કરી તો બીજાં લગ્ન કરી લીધેલાં
ઉત્તર પ્રદેશમાં જિતેન્દ્રકુમાર ઉર્ફે બબલુ નામના ભાઈ ૨૦૧૮માં ગાયબ થઈ ગયા હતા. ૨૦૧૭માં તેમનાં શીલુ નામની મહિલા સાથે લગ્ન થયેલાં. જોકે લગ્નના એક જ વર્ષમાં તેમની વચ્ચે ખટરાગ ચાલુ થઈ ગયા. શીલુએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી. પોલીસતપાસ ચાલી રહી હતી ત્યારે જ અચાનક બબલુ ગાયબ થઈ ગયો. પોલીસે ખૂબ શોધ ચલાવી, પણ બબલુ મળ્યો નહીં એટલે આખરે તેને લાપતા ઘોષિત કરી દેવામાં આવ્યો. બબલુના પરિવારે શીલુ પર આરોપ લગાવ્યો કે તેણે જ દીકરાની હત્યા કરીને શબ ગાયબ કરી નાખ્યું છે. જોકે શીલુ એ આશામાં હતી કે ક્યારેક તો તેના પતિની ભાળ મળશે. ૭ વર્ષ પછી જ્યારે તે ઇન્સ્ટાગ્રામ પર ટાઇમપાસ કરતી હતી ત્યારે એક રીલમાં તેને પોતાનો પતિ દેખાયો. તે પુરુષ બીજી મહિલા સાથે હતો. તેણે તરત જ પોલીસમાં આ મામલે ખબર કરી. પોલીસે અકાઉન્ટના ઍડ્રેસ પરથી તે વ્યક્તિને શોધી કાઢી ત્યારે ખબર પડી કે લગ્નથી છુટકારો મેળવવા માટે બબલુએ પોતાના ગાયબ થવાનું નાટક કર્યું હતું. તે લુધિયાણા જઈને સેટ થઈ ગયો હતો અને બીજી મહિલા સાથે લગ્ન કરીને સંસાર માંડી દીધો હતો.