25 May, 2026 10:04 AM IST | Muzaffarnagar | Gujarati Mid-day Correspondent
આ જાન રાજસ્થાનના કોટાથી છેક બિહાર આવી હતી
બિહારના મુઝફ્ફરનગરમાં ૨૧ મેએ એક લગ્ન હતાં. જાન આવી અને સ્વાગત પણ સરસ રીતે થયું. જયમાલા પણ થઈ ગઈ. જોકે લગ્નના મંડપમાં જ્યારે દુલ્હન પહોંચી તો તેને ખબર પડી કે જે છોકરો તેને બતાવવામાં આવ્યો હતો તે આ દુલ્હો નથી. તેણે પસંદ કરેલો છોકરો યુવાન હતો, જ્યારે આ કોઈ ૪૦ વર્ષની આસપાસનો પુરુષ હતો. આ જાન રાજસ્થાનના કોટાથી છેક બિહાર આવી હતી. નવાઈની વાત એ હતી કે બારાતમાં માત્ર પાંચ જ જણ આવ્યા હતા. આ બધાથી શંકા ઘેરી બની. કન્યાએ કહી દીધું કે આ છોકરા સાથે હું લગ્ન નહીં કરું. કન્યાપક્ષને પણ વાત સાચી લાગી કે ફોટોમાં જે યુવક દેખાડ્યો હતો તે આ નથી. ફોન પર તે જેની સાથે વાત કરતી હતી તે પણ આ યુવક નહોતો લાગતો. સચ્ચાઈ સામે આવતાં જ લગ્નનો માહોલ કુરુક્ષેત્રમાં તબદીલ થઈ ગયો. પહેલાં તો જાનૈયાઓએ બહુ દલીલો કરી, પણ પછી મારપીટ શરૂ થઈ. જાનમાં આવેલા ૩ લોકો ભાગી છૂટ્યા એટલે કન્યાપક્ષે દુલ્હાને અને તેના નાના ભાઈને પકડીને બંધક બનાવી લીધા. એ પછી પોલીસને ફોન કરીને તેમને છેતરપિંડીની ફરિયાદ સાથે સોંપી દીધા.