24 June, 2025 12:52 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ભોપાલની એક ટાઉનશિપમાં ૩૧ વર્ષથી વૃક્ષનો જન્મદિવસ કેક કાપીને મનાવાય છે
માણસો ઉપરાંત પાળતુ પ્રાણીઓના જન્મદિવસ મનાવવાની પ્રથા પણ હવે કૉમન થઈ રહી છે, પરંતુ ભોપાલમાં લીમડાના એક ઝાડનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી મનાવાય છે. ઇન્દ્રપુરી વિસ્તારમાં આવેલી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટડ (BHEL) ટાઉનશિપના કર્મચારી ૩૧ વર્ષના લીમડાના વૃક્ષનો બર્થ-ડે ઊજવે છે. ૧૯૯૫માં BHELના વેપારીઓ અને કર્મચારીઓએ જૂનમાં એક લીમડાનો છોડ વાવ્યો હતો. તેમને સમજાવવામાં આવ્યું હતું કે એક લીમડાનું વૃક્ષ દર વર્ષે એક લાખ સ્ક્વેર મીટરની દૂષિત હવાને ફિલ્ટર કરે છે. બસ, ત્યારથી આસપાસના લોકોએ એ લીમડાના ઝાડને ઉછેરવાનું અને એનું જતન કરવાનું નક્કી કરેલું. હવે તો એ છોડ વિશાળકાળ વૃક્ષ બની ગયો છે અને દરરોજ ૨૩૦ લીટરથી વધુ ઑક્સિજન આપે છે. આ વૃક્ષની નીચે લગભગ ચાર ડિગ્રી જેટલું તાપમાન રહે છે. એ જ કારણસર લોકોએ એક વૃક્ષનો જન્મદિવસ મનાવીને વધુ ને વધુ લોકોને વૃક્ષ વાવવા અને જતન કરવા પ્રેર્યા હતા. લોકો ભેગા થઈને વૃક્ષની નીચે કેક કાપે છે અને આખી ટાઉનશિપમાં આ પ્રસંગે મીઠાઈ વહેંચવામાં આવે છે.