13 June, 2023 12:13 PM IST | London | Gujarati Mid-day Correspondent
ડેવ વૉલ્શ
અનેક બૉડીબિલ્ડર ભારે વજન ઉઠાવવાનો અને ભારે વાહન ખેંચવાનો રેકૉર્ડ બનાવે છે. કોઈ દિવ્યાંગ વ્યક્તિ માટે આવું કંઈક કરવું વધારે મુશ્કેલ હોય છે. જોકે એક વ્યક્તિએ વ્હીલચૅરમાં રહીને જે રેકૉર્ડ કર્યો એ દરેકને આશ્ચર્યમાં મૂકી શકે છે. ઇંગ્લૅન્ડમાં રહેતા ડેવ વૉલ્શે વ્હીલચૅરમાં રહીને ૧૦ ટન વજનની ટ્રક ખેંચીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. આ વજન આ પહેલાંના રેકૉર્ડ કરતાં પાંચ ગણું વધારે હતું. ૩૬ વર્ષના ડેવને ૨૦૧૪માં મલ્ટિપલ સ્કેલેરોસિસ નામની બીમારી હોવાનું નિદાન થયું હતું, જેને કારણે તેના પગે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને એ સંપૂર્ણપણે વ્હીલચૅર પર નિર્ભર થઈ ગયો હતો. વૉલ્શે કહ્યું કે ‘હું ૨૦૧૨થી સ્ટ્રૉન્ગેસ્ટ મૅન કૉમ્પિટિશનમાં જતો હતો એને મેં અનેક હાઈ લેવલ કૉમ્પિટિશનમાં ભાગ લીધો છે. જોકે જ્યારે મને આ બીમારીની ખબર પડી ત્યારે હું ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ. એ સમયે મેં ૨૦૧૭માં સ્પોર્ટ્સનું ડિસેબલ્ડ સેક્શન જોયું. હું એમાં સામેલ થયો અને એ પછી મેં પાછળ વળીને જોયું નથી. મારો એક સ્ટ્રૉન્ગમૅન ફ્રેન્ડ મને ટ્રેઇન્ડ કરી રહ્યો હતો. તેણે મને કહ્યું કે ‘તું ટ્રક નહીં ખેંચી શકે’ અને હું તેને ખોટો પુરવાર કરવા ઇચ્છતો હતો અને મેં એ કરી બતાવ્યું.’