26 August, 2025 09:48 AM IST | Britain | Gujarati Mid-day Correspondent
બ્રિટનની લા પોપોટે નામની ફ્રેન્ચ રેસ્ટોરાં છે એ એના વૉટર મેનુ માટે જાણીતી છે
ઘણી રેસ્ટોરાંમાં જઈએ ત્યારે વેઇટર સામાન્ય સવાલ કરે - નૉર્મલ વૉટર કે મિનરલ વૉટર? મિનરલ વૉટર એટલે પૅકેજ્ડ બૉટલનું પાણી એવો મતબલ થાય. જોકે બ્રિટનની લા પોપોટે નામની ફ્રેન્ચ રેસ્ટોરાં છે એ એના વૉટર મેનુ માટે જાણીતી છે. મતલબ કે લોકો ખાસ અહીં પાણી પીવા માટે આવે છે. એવું નથી કે અહીં બીજું કશું મળતું નથી, પરંતુ અહીં પાણીના જ એટલાબધા ઑપ્શન્સ છે કે તમે એમાંથી શું પસંદ કરવું એ નક્કી કરવામાં જ થાકી જાઓ. હા, જો તમને પાણીમાં રસ ન હોય તો ટૅપ વૉટર પણ હોય જ છે. એ મગાવીને તમે તમારી મનગમતી ડિશ તરફ વળી શકો છો.
વૉટર મેનુ રજૂ કરવા પાછળ શું કારણ હતું એ જણાવવા માટે રેસ્ટોરાંના માલિકોનું કહેવું છે કે અહીં આવતા લોકો દારૂ પીવા આવે છે અને તેમને અહીં એના અઢળક વિકલ્પો મળી રહે છે, પણ જે વ્યક્તિ આલ્કોહૉલ નથી લેવા માગતી તેને સૉફ્ટ ડ્રિન્ક્સ ઉપરાંત કંઈક નવું ટ્રાય કરવા મળે એ માટે વૉટર મેનુ બનાવ્યું છે. વૉટર સોમેલિયર ડોરન બાઇન્ડરે આ મેનુ તૈયાર કર્યું છે જેમાં બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ જેવા દેશોની ખાસિયત ગણાતા સ્પાર્કલિંગ વૉટર અને સ્વિટ્ઝરલૅન્ડના ગ્લૅસિયરમાંથી નીકળતું પાણી જેવા વિકલ્પો છે. એક લીટર પાણીની કિંમત ૫૭૦ રૂપિયાથી લઈને ૮૦૦૦ રૂપિયા સુધીની છે.