૮૨૦૨ ફુટ ઊંચે બે હૉટ ઍર બલૂન વચ્ચે દોરડા પર ચાલવાનો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો બે જર્મનોએ

31 January, 2025 10:41 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

આ જોડીએ ૨૦૨૧માં પોતે જ બનાવેલો ૬૨૩૬ ફુટનો રેકૉર્ડ તોડ્યો છે.

ઊડતાં બે હૉટ ઍર બલૂન વચ્ચે દોરડું બાંધીને એના પર એક માઇલથી વધુ અંતર કાપતા શખ્સ

તંગ દોરડા પર ચાલનારા બે જર્મન રમતવીર ફ્રીડી અને લુકસે ૮૨૦૨ ફુટ (૨૫૦૦ મીટર) ઊંચે આકાશમાં ઊડતાં બે હૉટ ઍર બલૂન વચ્ચે દોરડું બાંધીને એના પર એક માઇલથી વધુ અંતર કાપીને હાઇએસ્ટ સ્લૅકલાઇન-વૉકનો નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચ્યો છે. આ જોડીએ ૨૦૨૧માં પોતે જ બનાવેલો ૬૨૩૬ ફુટનો રેકૉર્ડ તોડ્યો છે.

લુકસે શરૂઆત કરી પણ તે બે વાર સામે પહોંચતાં પહેલાં અધવચ્ચે પડી ગયો અને રેકૉર્ડ સેટ કરવા તેણે ફરીથી શરૂઆત કરવી પડી હતી. લુકસે રેકૉર્ડ બ્રેક કર્યા બાદ જણાવ્યું હતું કે ‘રેકૉર્ડ બ્રેક કરવાનો આ પ્રયત્ન મારા માટે ઘણો અઘરો હતો. બહુ દબાણ હતું અને અત્યારે મને એકદમ રાહત લાગી રહી છે. મારા માટે આ યાદગાર ક્ષણ છે.’

ફ્રીડીએ લુકસ પછી ચાલવાની શરૂઆત કરી હતી અને લુકસની સ્ટ્રગલ જોતાં તેના પર દબાણ વધ્યું હતું. ફ્રીડીએ જણાવ્યું હતું કે ‘આ રેકૉર્ડબ્રેકિંગ જર્ની ઘણી અઘરી હતી. આટલી ઊંચાઈએ આકાશમાં ઊડતાં હૉટ ઍર બલૂન સતત હલતાં રહે અને ઉપર-નીચે થતાં રહે. ઘડીકમાં હિલ ચડતા હોઈએ એવું લાગે તો ઘડીકમાં ઢાળ નીચે તરફ થઈ જાય. દોરીનું તંગપણું પણ વધતું-ઓછું થતું રહે અને વળી જોરદાર પવનના અવરોધ જેવી બાબતો માટે કોઈ ટ્રેઇનિંગ મદદ કરી શકે નહીં. આ મારા જીવનનો મોસ્ટ બ્યુટિફુલ સ્લૅકલાઇન-વૉક હતો.’ બન્ને સ્લૅકલાઇનર્સે રેકૉર્ડબ્રેકિંગ સ્કાયવૉક પૂરો કર્યા બાદ ભેટીને સેલિબ્રેટ કર્યું હતું. 

offbeat news germany guinness book of world records international news world news