ભૂકંપથી ડરી ગયેલા આ ભાઈએ છેલ્લાં બે વર્ષથી ગુફામાં જ ઘર વસાવી લીધું

04 March, 2025 01:13 PM IST  |  Ankara | Gujarati Mid-day Correspondent

ટર્કીમાં ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં ૭.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો અને એમાં હજારો લોકો બેઘર થઈ ગયા હતા

અલી બોઝોલેન

ટર્કીમાં ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં ૭.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો અને એમાં હજારો લોકો બેઘર થઈ ગયા હતા. અલી બોઝોલેન નામના ભાઈએ એમાં પોતાનું ઘર ગુમાવ્યું હતું. પોતાના ઘરની આજુબાજુનાં તમામ બિલ્ડિંગોને ધરાશાયી થયેલાં જોઈને અલીભાઈ અંદરથી હચમચી ગયા. પત્ની અને ત્રણ સંતાનો સહિત અલીનો આખો પરિવાર બચી તો ગયો પણ બિલ્ડિંગોને પત્તાંના મહેલની જેમ ખખડી પડતાં જોઈને તેના દિલમાં ધ્રાસ્કો પેસી ગયો છે. આ અસર એટલી ઊંડી થઈ ગઈ કે એ પછી તે કોઈ મેનમેડ બિલ્ડિંગમાં રહેવા તૈયાર નથી. આ ફોબિયાને કારણે તેણે પત્ની અને સંતાનોને છોડીને ગામના છેવાડે આવેલી એક ગુફામાં શરણું શોધી લીધું છે. છેલ્લાં બે વર્ષમાં તેણે આ ગુફામાં જ પોતાનું મજાનું ઘર વસાવી લીધું છે. ઇલેક્ટ્રિસિટીથી લઈને ગાદલાં-ગોદડાં, લાકડા-પથ્થરમાંથી કિચનનું પ્લૅટફૉર્મ અને તમામ ઘરવખરી તેણે ઘરમાં જ વસાવી લીધી છે. અલીનું કહેવું છે કે આ ગુફામાં તેને માનસિક શાંતિ મળે છે. અલી આ રીતે ગુફામાં રહે છે એ વિશે જ્યારે સ્થાનિક અધિકારીઓને ખબર પડી ત્યારે તેનો ફોબિયા દૂર કરવા સિટીની નજીકમાં જ એક કન્ટેનર હોમ ફાળવ્યું હતું જેથી તેણે ખુલ્લી ગુફામાં ન રહેવું પડે. જોકે તેને એ કન્ટેનરમાં પણ બંધિયાર વાતાવરણ લાગતું હતું અને ભૂકંપની ભૂતાવળી યાદો સતાવી રહી હતી એટલે ફરીથી અલી ગુફામાં શિફ્ટ થઈ ગયો છે. એવું નથી કે તે કોઈ સંન્યાસીની જેમ ઓછી ચીજ-વસ્તુથી ચલાવી લેવા માગે છે. તેણે ઘરમાં હોય એ તમામ ફૅસિલિટી વિકસાવી લીધી છે. સોલર પાવર પૅનલ બેસાડીને તેણે ઘરમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો પણ વસાવી લીધાં છે. તે જાતે જ રાંધે છે અને એકલો રહે છે. તેની આ વિચિત્ર જીવનશૈલી આસપાસના લોકોને ગમતી નથી એટલે કોઈ તેની સાથે વાત કરતું નથી. જોકે ભાઈસાહેબ આ એકાંતવાસમાં ખૂબ ખુશ છે.

turkey international news news world news offbeat news earthquake mental health