24 August, 2025 11:11 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરના ડૉ. વિવેકાનંદે આ ચોંકાવનારી સત્ય ઘટના એક પૉડકાસ્ટમાં શૅર કરી હતી.
બૅન્ગલોરના ડૉ. શરન શ્રીનિવાસનના ‘રીબૂટિંગ ધ બ્રેઇન’ નામના પૉડકાસ્ટમાં તેઓ અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાતો સાથે અનુભવો અને કેસસ્ટડીઝની વાતો કરતા હોય છે. એમાં ગયા અઠવાડિયે બૅન્ગલોરના વૅસ્ક્યુલર સર્જ્યન ડૉ. વિવેકાનંદ ગેસ્ટ તરીકે આવ્યા હતા. આ ડૉક્ટરે તેમના જીવનના શૉકિંગ અનુભવોમાંનો એક કિસ્સો શૅર કર્યો હતો એ કદાચ દરેક યુવતી માટે આંખ ખોલનારો છે. ડૉ. વિવેકાનંદની હૉસ્પિટલમાં ૧૮ વર્ષની એક છોકરી પગમાં સોજો અને ખૂબ જ પીડાની ફરિયાદ સાથે આવી હતી. જ્યારે તે આવી ત્યારે તેનો એક પગ સૂજીને ડબલ સાઇઝનો થઈ ગયો હતો અને તેને ખૂબ દુખાવો પણ થઈ રહ્યો હતો. આવું થવા પાછળનું કારણ સમજવા જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યાં તો ખબર પડી કે તેના નાભિના ભાગમાં એક બ્લડ-ક્લૉટ થઈ ગયો છે જેને કારણે એ સાઇડના ભાગમાં લોહીનું વહન અવરોધાઈ રહ્યું છે. આવું થવા પાછળનું કારણ જાણવા હિસ્ટરી લીધી તો ખબર પડી કે તેના ઘરમાં ધાર્મિક પૂજા થતી હોવાથી પિરિયડ્સ ડિલે કરવા માટે તેણે હૉર્મોન્સની ગોળીઓ લીધી છે. આ ગોળીઓને કારણે ગર્ભાશયમાં ભરાયેલું લોહી બ્લીડિંગ થઈને વહી ન શકતું હોવાથી ક્યારેક અંદર પ્રેશર ક્રીએટ કરીને રક્તવાહિનીને તોડીને એમાં જ જામી જાય છે. આ જામેલો ક્લૉટ જો રક્તવાહિનીમાં ઘૂસીને શરીરના વિવિધ ભાગોમાં ફરવા લાગે અને ક્યાંક જમા થઈ જાય તો એનાથી તકલીફ થઈ શકે છે. ડૉ. વિવેકાનંદને આ કેસમાં સમજાઈ ગયેલું કે પિરિયડ ડિલે કરવાની ગોળીને કારણે આ તકલીફ થઈ છે. તેમણે તરત જ યુવતીને હૉસ્પિટલમાં દાખલ થઈને એ ક્લૉટ દૂર કરવાની સલાહ આપી, પણ તે પોતાના પરિવારથી છુપાવીને આવી હતી અને ઘરમાં પૂજાનો પ્રસંગ હતો એટલે એક-બે દિવસ પછી આવીશ એવું તેણે કહ્યું. ડૉ. વિવેકાનંદે આ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે એટલે તેના પરિવારજનો સાથે વાત કરવાનો આગ્રહ રાખ્યો અને તેના પિતા સાથે ફોન પર વાત કરી તો પિતાએ કહ્યું કે કદાચ પરિસ્થિતિ ગંભીર હશે, પણ અત્યારે તેની મમ્મી ના પાડે છે એટલે પૂજા પતે પછી જ બે દિવસ બાદ દાખલ કરીશું.
દુખની વાત એ છે કે ફોન પર ધરાર વાત ન માનનારા તે પિતાએ રાતે બે વાગ્યે ઇમર્જન્સીમાં દીકરીને લઈને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જ્યારે તે ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ થઈ અને ડૉક્ટરો તેની સારવાર શરૂ કરે એ પહેલાં તેના શ્વાસ બંધ થઈ ગયા હતા.
ભલે આવા કેસ કદાચ હજારોમાં એક હશે, પરંતુ ધાર્મિક કારણોસર શરીરની હૉર્મોનલ સાઇકલ સાથે ચેડાં કરવાનો વિચાર પણ કરતા હો તો આવા કિસ્સાને યાદ રાખવો જરૂરી છે.