03 August, 2025 09:04 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
એઆઈ મધર
નોકરી કરવાની, પ્રોફેશનલ જવાબદારી ઉપરાંત ઘરનું સંચાલન સંભાળવાનું અને સાથે બાળકોનો ઉછેર કરવાનો એ ત્રેવડી જવાબદારી નિભાવવાનું મહિલાઓ માટે સહેલું નથી. જોકે હવે મહિલાઓ એમાંની થોડીક જવાબદારી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને આપી દઈ શકે એમ છે. સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિકમાં ૩૩ વર્ષની કૉર્પોરેટ બ્રૅન્ડ સ્ટ્રૅટેજિસ્ટ લિલિયન શ્મિટે અનોખો રસ્તો શોધ્યો છે. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને બાળકોની તમામ જવાબદારીઓ શીખવી દીધી અને પછી એને બીજી માનું બિરુદ આપ્યું. લિલિયનનું કહેવું છે કે મેં ChatGPTને એવી રીતે ટ્રેઇન કરી દીધું કે એ રિયલ બીજી મમ્મી જેવું કામ આપે છે. એ શૉપિંગ-લિસ્ટ બનાવે છે, ખાવાનું શું આપવાનું એનું પ્લાનિંગ કરે છે, જન્મદિવસ અને રજાઓમાં શું કરવાનું એનું પ્લાનિંગ પણ કરે છે અને બાળકને સુવડાવવાના સમયે પણ અસિસ્ટ કરે છે. તેનું કહેવું છે કે હું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ મારા વતી નિર્ણયો લે એવું ક્યારેય નથી કરતી, પણ સજેશન માગું છું અને મારી તકલીફો કહેતી રહું છું જેથી એ થાક લાગ્યો હોય ત્યારે શ્રેષ્ઠ વિકલ્પો સજેસ્ટ કરે છે અને એનાથી મારું બાળઉછેરનું કામ સરળ થઈ જાય છે.