15 June, 2024 11:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
સાપ ખાનારી સ્ત્રી
આપણે તો સાપ દૂરથી જોઈએ તોય છળી ઊઠીએ; પણ ચીન, વિયેટનામ, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયામાં સાપ ખાવાનું ચલણ ખૂબ છે. સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક યંગ યુવતી સૅલડની થાળી લઈને બેઠી છે અને એમાં બેબી-સ્નેક્સ પણ છે. ગૂંચળું વાળીને મૂકેલા સાપની વચ્ચે રંગબેરંગી આખાં શાકભાજી પણ છે. જોકે પેલી કન્યા સાપના વચ્ચેના ભાગને મોઢામાં નાખીને જાણે શેરડી છોલતી હોય એટલી સહજતાથી એને ખેંચીને ખાય છે. @asmrmukbangworld નામના અકાઉન્ટ પરથી શૅર થયેલા વિડિયોમાં સાઉથ કોરિયાની આ કન્યા કાચો સાપ ખાઈ રહી છે. ચહેરા પરના તેના હાવભાવ જોઈને જાણે આ ખાવામાં તેને બહુ મજા પડતી હોય એવું દેખાય છે. એવો દાવો થઈ રહ્યો છે કે આ વિડિયો સાઉથ કોરિયાના એક ટીવી-શોનો હોવો જોઈએ. મુકબાંગ નામના આ પૉપ્યુલર શોમાં સ્પર્ધકોને અજીબોગરીબ ચીજો ખાવાની ચૅલેન્જ આપવામાં આવે છે.