15 August, 2025 08:29 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
પુરખારામ
રાજસ્થાનના ભદવા નામના ગામમાં પુરખારામ નામના ભાઈની સમસ્યા આજની દુનિયાથી વિપરીત છે. લોકોને ચિંતા અને સ્ટ્રેસને કારણે ઊંઘ નથી આવતી, પણ પુરખારામ ભાઈ મજાથી સૂએ છે. એક વાર સૂઈ જાય છે તો પચીસ દિવસ સુધી ઊઠતા જ નથી. આ જ કારણોસર ગામલોકોએ તેમને કુંભકર્ણ નામ આપી દીધું છે. રામાયણમાં રાવણનો ભાઈ કુંભકર્ણ તો વર્ષમાં છ મહિના સૂતો હતો, પણ પુરખારામે તો કુંભકર્ણનોય રેકૉર્ડ તોડી દીધો છે. તે વર્ષમાં લગભગ ૩૦૦ દિવસ સૂતો હોય છે. મતલબ કે મહિનામાં બાવીસથી પચીસ દિવસ સૂવામાં નીકળે છે અને બાકીના દિવસોમાં તેઓ કંઈક કામધંધો કરે છે. વાત એમ છે કે પુરખારામને ઍક્સિસ હાઇપરસોમ્નિયા નામની ન્યુરોલૉજિકલ બીમારી છે. ૨૩ વર્ષ પહેલાં ખબર પડી હતી કે પુરખારામના મગજમાં એક ખાસ પ્રકારના આલ્ફા પ્રોટીનની માત્રામાં ગરબડ છે જેને કારણે તેમને ખૂબ ઊંઘ આવે છે. સામાન્ય રીતે લોકો છથી ૮ કલાક સૂતા હોય, પણ પુરખારામને એટલી ઊંઘ આવે છે કે તેમને સૂતા પછી જગાડવાનું કામ લગભગ અસંભવ થઈ જાય છે. પત્ની લિચમીદેવી અને મા કંવરીદેવીનું કહેવું છે કે પહેલાં પુરખારામને દિવસમાં પંદર કલાક સૂવા જોઈતું હતું, પણ સમય જતાં ઊંઘની અવધિ વધતી ગઈ. હવે તે વીસથી પચીસ દિવસ લગાતાર સૂતા રહે છે.
આટલા દિવસ ખાવા-પીવા અને શૌચ વગેરેનું શું? તો એની ચિંતા પરિવારજનોએ કરવી પડે છે. જ્યારે તેમને ભૂખ લાગે કે એકીપાણી લાગે તો તે ઊંઘમાં જ આકળવિકળ થવા લાગે છે. એમ છતાં તેમની ઊંઘ નથી ઊડતી. ઊંઘમાં જ પરિવારજનો તેમને ખવડાવે છે અને ઊંઘમાંથી ઉઠાડીને બાથરૂમ સુધી લઈ જાય છે. એ પછી પણ તેમની નીંદર ઊડતી નથી.
મહિનામાં માંડ પાંચથી સાત દિવસ તે કરિયાણાની દુકાન ચલાવી શકે છે. જોકે દુકાન પર બેઠા હોય ત્યારે પણ તેમને અચાનક ઊંઘ આવી જાય તો પરિવારજનોએ તેમને ઊંચકીને ઘરે લાવવા પડે છે. આટલું લાંબું સૂતા પછી પણ પુરખારામને ફ્રેશનેશ નથી લાગતી. થાક, માથાનો દુખાવો અને શારીરિક નબળાઈ તેમને રહે છે.